ભરતવાક્ય : સંસ્કૃત નાટકની સમાપ્તિમાં આવતો ગેય મંગલ શ્લોક. આખું નાટક ભજવાઈ ગયા પછી ભરત એટલે નટ દ્વારા એ શ્લોક ગાવામાં આવે છે. નાટકના પાત્ર તરીકે અભિનય પૂરો થઈ ગયા પછી નટ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને જે વાક્ય બોલે છે તેને ‘ભરતવાક્ય’ કહે છે. નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ‘ભરતવાક્ય’ એવો શબ્દ વાપરવામાં આવ્યો નથી. આથી તેનો બીજો અર્થ ‘ભરત મુનિનું આદરથી સ્મરણ કરતું વાક્ય’ એવો પણ છે. નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ પાંચ નાટ્યસંધિઓનાં 64 અંગો ગણાવ્યાં છે. એમાં અંતિમ 64મું અંગ ‘પ્રશસ્તિ’ એવું નામ ધરાવે છે. એમાં શુભ થવાની પ્રાર્થના હોય છે. ભરતવાક્યમાં પ્રશસ્તિ નામનું સંધ્યંગ હોય છે અને તેથી શુભ થવાની પ્રાર્થના હોય છે. ભરતવાક્ય જેવો શ્લોક પહેલાં પૂર્વરંગના બાવીસ વિધિઓમાં બોલવામાં આવતો હતો, પાછળથી પૂર્વરંગના વિધિઓ ઓછા થતાં થતાં છેવટે નાંદી એ એક જ વિધિ ફરજિયાત બની રહ્યો. આથી એ ભરતવાક્યનો શ્લોક નાટકને અંતે નાટ્યકારો આપવા માંડ્યા. અહીં એ નોંધપાત્ર છે કે છેક ભાસ અને કાલિદાસથી માંડી તમામ સંસ્કૃત નાટકોમાં ભરતવાક્યનો શ્લોક આપવામાં આવ્યો છે.

ભરતવાક્યમાં રાજા રાજ્યનું પાલન પ્રજાહિતને ધ્યાનમાં રાખીને કરે; વરસાદ પડે; ધનધાન્યની સમૃદ્ધિ મળે; સુખ, શાંતિ અને કલ્યાણ લોકોને મળે; લક્ષ્મી અને સરસ્વતીનું સાહચર્ય વધે વગેરે આશયોવાળી પ્રાર્થના અથવા રાજાની સ્તુતિ જોવા મળે છે. નાટકનો નાયક કે બીજું કોઈ પાત્ર ભરતવાક્ય રજૂ કરે છે. અંગ્રેજી નાટકોમાં આવતું એપિલૉગ તેમજ સંસ્કૃત નાટકમાં આવતું ભરતવાક્ય – બંને નાટકની સમાપ્તિમાં આવે છે એ પૂરતુ એમનું સામ્ય છે. તે સિવાય બીજી બાબતોમાં તે બંને ભિન્ન છે.

પ્ર. ઉ. શાસ્ત્રી