ભરત : ઋગ્વેદના સમયની આર્યોની એક જાતિ, ટોળી કે સમૂહ. ભરત ટોળીના ત્રિત્સુ પરિવારમાં સુદાસ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેનો રાજ્યવિસ્તાર પાછળથી બ્રહ્માવર્ત તરીકે જાણીતો થયો. ભરતોના કુશિક પરિવારના અગ્રણી વિશ્વામિત્ર સુદાસના ધર્માચાર્ય કે પુરોહિત હતા. તેમણે રાજા સુદાસને વિપાશ (બિયાસ) અને સુતુદ્રી પાસે (સતલજ) નદીઓ પાસે વિજયો અપાવ્યા હતા. પાછળથી સુદાસે વિશ્વામિત્રને દૂર કરી, વસિષ્ઠને ધર્માચાર્ય તરીકે નીમ્યા. તેનો બદલો લેવા વિશ્વામિત્રે દસ ટોળીઓના રાજાઓના વિશાળ સંયુક્ત લશ્કર સાથે ભરતો સામે ચડાઈ કરાવી. પરુશ્ણી (રાવી) નદી પાસે થયેલી ભયંકર અને નિર્ણાયક લડાઈમાં ભરતોના રાજા સુદાસને જ્વલંત વિજય મળ્યો. આ લડાઈ ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે પ્રસિદ્ધ છે. તે પછી ભરત ટોળીના સુદાસે અનાર્ય જાતિની ત્રણ ટોળીઓને પણ સખત પરાજય આપી તેમનો સંહાર કર્યો. ઋગ્વેદમાં જણાવેલી ટોળીઓમાં ભરતો સૌથી વધારે મહત્વ ધરાવતા હતા. તે સમયે તેમણે યમુના અને સરસ્વતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં વસાહતો સ્થાપી હતી. ત્રિત્સુ ભરતોનું રાજકુટુંબ હતું. આવી પ્રભાવશાળી ભરત ટોળીના નામ પરથી ‘ભારત’ નામ પ્રચલિત થયું એવો એક મત છે. અનુ-વેદકાલમાં ભરત અને તેમના દુશ્મન પુરુ ટોળીના આર્યો પરસ્પર ભળી ગયા અને તેઓ કુરુ તરીકે ઓળખાયા. ભરતો અર્દશ્ય થઈ ગયા, પરંતુ ભરત, દૌષ્યન્તી અને સાત્રાજીત નામના જાણીતા રાજાઓ કાશી અને સાતવન્ત પર વિજયો મેળવનાર અને ગંગા તથા યમુના નદીઓના કિનારે યજ્ઞો કરનાર તરીકે પ્રખ્યાત બન્યા.
જયકુમાર ર. શુક્લ