ભયાવરોધ (deterrence) : કોઈ એક મહાસત્તાની પરમાણુતાકાત, જેથી પ્રતિસ્પર્ધી મહાસત્તાને હુમલો કરતાં રોકી શકાય એ પ્રકારની વ્યૂહરચના.
મૂળ લૅટિન ભાષાના ‘deterrence’ શબ્દનો અર્થ છે ગભરાટ ઊભો કરવો. ‘ભયાવરોધ’ શબ્દનો વ્યાપક ઉપયોગ પરમાણુયગથી શરૂ થયો. 1949 સુધી અમેરિકા આવાં શસ્ત્રો પર ઇજારો ધરાવતું હતું અને આ ક્ષેત્રે સોવિયેત સંઘ પર સરસાઈ ભોગવતું હતું, પરંતુ સોવિયેત સંઘે પરમાણુ-શસ્ત્રો વિકસાવી દીધાં હોવાનો ઊંડો ડર અમેરિકા અનુભવતું હતું. આથી અમેરિકાની વિદેશનીતિમાં ભારે પ્રતિઆક્રમણ(massive retaliation)નો સિદ્ધાંત કાર્યાન્વિત કરવામાં આવ્યો : જો રશિયા અણુહુમલો કરે તો સામે અમેરિકાએ અણુશસ્ત્રોથી વળતો હુમલો કરવો. અમેરિકાના વિદેશમંત્રી જૉન ફૉસ્ટર ડલાસે (1953–59) આ વિદેશનીતિ ઘડી હતી. તે અનુસાર વળતાં હુમલાનો ભય સતત ઝળુંબતો રાખીને અન્ય દેશને આક્રમણ કરતાં ખાળવાની નીતિ (તે પરમાણુ-ભયાવરોધ) અમેરિકાએ સ્વીકારી હતી. ત્યારથી આવી પરિસ્થિતિ માટે ‘ભયાવરોધ’ શબ્દ વ્યાપક પ્રમાણમાં વપરાતો થયો.
1970થી સોવિયેટ સંઘ પરમાણુક્ષમતાની બાબતમાં અમેરિકાનો સમોવડિયો દેશ બન્યો. આમ, તે પછીના દાયકાઓમાં યુરોપ પર સામ્યવાદી આક્રમણનો ભય અને અમેરિકાની વળતા આક્રમણની તૈયારીએ ઠંડા યુદ્ધને તીવ્રતર બનાવ્યું. વળી બંને દેશોની પરમાણુ-વ્યૂહરચના વધુ ને વધુ સતેજ અને ધારદાર બનવા લાગી, જેમાં બે બાબતોનું પ્રભુત્વ હતું : (अ) ભયાવરોધ દ્વારા પરસ્પરનો વિનાશ અટકાવવો અને (ब) ભયાવરોધ નિષ્ફળ જાય તો પરમાણુશસ્ત્રોનો ઉપયોગ કરી યુદ્ધ લડી લેવું. આવે સમયે આક્રમણના ભયને પહોંચી વળવા માટે રક્ષક દેશ પોતાનાં દળોને અભેદ્ય બનાવવા પ્રયત્નશીલ હોય છે. આમ નિશ્ચિત પારસ્પરિક વિનાશ(mutual assured destruction)ની સ્થિતિ ઊભી થાય છે. પરમાણુયુદ્ધના ભય દ્વારા પ્રતિસ્પર્ધીને ખાળવાનો પ્રયાસ કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ‘ભયની સમતુલા’(balance of terror)ની સ્થિતિ જાળવી રાખવામાં આવે છે; જે બંને મહાસત્તાઓને યુદ્ધનો આરંભ કરતાં રોકે છે અને યુદ્ધને બદલે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની ફરજ પાડે છે. વીસમી સદીના છેલ્લા બે દસકામાં વિશ્વમાં અણુશક્તિ ધરાવતા દેશોની સંખ્યામાં વધારો થવા લાગ્યો અને વિવિધ દેશો વચ્ચેના સંબંધોમાં પણ ભયાવરોધ વ્યાપક બનવા લાગ્યો. નજીકના દેશો કે માતબર પડોશી દેશોને આક્રમણ કરતા રોકવા માટે ભયાવરોધની વ્યૂહરચનાનો વિસ્તૃત ઉપયોગ થવા લાગ્યો છે.
રક્ષા મ. વ્યાસ