ભય :  મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ, એક પ્રકારનો આવેગ. તે મનુષ્ય સમેત તમામ પ્રાણીમાં જોવા મળે છે. ભય એટલે વાસ્તવિક અથવા પ્રત્યક્ષીકૃત (perceived) ધમકીરૂપ પરિસ્થિતિ પ્રત્યેની એવી તીવ્ર ઉત્તેજનાભરી પ્રતિક્રિયા કે જે વિવિધ આંતરિક શારીરિક ફેરફારો દ્વારા તથા પલાયન કે પરિહારના વર્તન દ્વારા પ્રગટ થાય છે.

ભયના આવેગની અનુભૂતિ સ્વયંસંચાલિત મજ્જાતંત્રને સક્રિય કરે છે અને હૃદયના ધબકારા વધવા, લોહીનું દબાણ વધવું, પાચનક્રિયા મંદ પડવી જેવા આંતરિક શારીરિક ફેરફારો સર્જે છે. બાહ્ય રીતે, ભયનો આવેગ ‘પલાયન’ અથવા ‘પરિહાર’ની પ્રતિક્રિયા દ્વારા પ્રગટ થાય છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં પલાયન (escape) એટલે ભયજનક ઉદ્દીપક રજૂ થયા પછી, તેમાંથી છૂટવા માટેની પ્રતિક્રિયા; જ્યારે ભયજનક ઉદ્દીપકનો પહેલેથી સંકેત મળે અને એ સંકેત પ્રત્યે જ યોગ્ય પ્રતિક્રિયા આપીને, ભયને પહેલેથી જ ટાળવાની પ્રતિક્રિયા એટલે ‘પરિહાર’ (avoidance); દા.ત., વાઘને જોયા પછી ભાગવાની ક્રિયા એ ‘પલાયન’ છે, જ્યારે વાઘ આવવાનો છે એવો સંકેત મળતાં, પહેલેથી જ સાવચેતી દાખવવાની પ્રતિક્રિયા એ ‘પરિહાર’ છે. માનવ-વ્યક્તિત્વનું ઘડતર કરવામાં વર્તનનું આકારપ્રદાન (shaping of behaviour) કરવામાં આ ‘પલાયન-શિક્ષણ’ અને ‘પરિહાર-શિક્ષણ’ અગત્યનો ભાગ ભજવે છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સંદર્ભમાં ભયના આવેગને તપાસતાં કહી શકાય કે પોતાનું તથા જાતિનું અસ્તિત્વ ટકાવવાની, સાતત્યની, સહજવૃત્તિ પ્રાણીમાં સલામતીની પ્રેરણા જન્માવે છે અને સલામતી માટે ધમકીરૂપ પરિસ્થિતિ પ્રાણીમાં ભયનો આવેગ જન્માવે છે. આમ, ડાર્વિનવાદના અનુસાર, ભયની પ્રતિક્રિયાને અસ્તિત્વના સાતત્યમાં મદદરૂપ થનારું અનુકૂલન (adaptation) કહી શકાય. ઉત્ક્રાંતિ સાથે ભયની અભિવ્યક્તિનાં સ્વરૂપો પણ વિકસતાં જોવા મળે છે. ડાર્વિનના સિદ્ધાંતનું સમર્થન કરનારા પૉલ એકમાનના અભ્યાસો દર્શાવે છે કે ભયના આવેગની અભિવ્યક્તિમાં જુદા જુદા દેશો અને સંસ્કૃતિમાં સમાનતા જોવા મળે છે; તેમ છતાં, ભયના આવેગને જન્મજાત કહી શકાય નહિ. જે. બી. વૉટસન નામના પ્રખ્યાત વર્તનવાદી મનોવૈજ્ઞાનિકે કહેલું કે ક્રોધ, ભય અને પ્રેમ – એ જન્મજાત આવેગો છે; પરંતુ વૉટસનના મતને સંશોધનોનું પીઠબળ મળ્યું નથી.

આધુનિક મનૌવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તમામ આવેગોની જેમ ભયનો આવેગ પણ સંપાદિત અને ટેવરૂપ પ્રતિક્રિયા છે. નવજાત શિશુમાં કોઈ સ્પષ્ટ ને સુરેખ આવેગો જોવા મળતા નથી. બાળક વિવિધ ઉત્તેજનાઓ પ્રત્યે ઉશ્કેરાટ કે સ્તબ્ધતાની પ્રતિક્રિયા (startle response) અનુભવે છે; પરંતુ તેને આ કે તે આવેગનું નામ આપી શકાય નહિ. વિશિષ્ટ આવેગનો વિકાસ ધીરે ધીરે થાય છે, જેમાં પરિપક્વતા, વૈયક્તિક અનુભવ અને શિક્ષણનો ફાળો હોય છે. વય બદલાતાં ભય ઉત્પન્ન કરનારા ઉદ્દીપકો પણ બદલાતા જાય છે; જેમ કે, જેરસિલ્ડના અભ્યાસ અનુસાર, જન્મથી બે વર્ષના ગાળા દરમિયાન મોટા અવાજ તથા વિચિત્ર વસ્તુઓ પ્રત્યે ભયની પ્રતિક્રિયાનું પ્રમાણ 20 % હોય છે. જ્યારે પ્રાણીઓ પ્રત્યે ભયની પ્રતિક્રિયાનું પ્રમાણ 5 %થી સહેજ વધારે હોય છે. 2થી 5 વર્ષની વય દરમિયાન મોટા અવાજ પ્રત્યે ભયની પ્રતિક્રિયાનું પ્રમાણ ઘટીને 10 % થાય છે, જ્યારે પ્રાણીઓ પ્રત્યેના ભયનું પ્રમાણ વધીને 15 % થાય છે. આમ, ભયના વિકાસમાં અનુભવ ને શિક્ષણનો ફાળો મોટો હોય છે.

ભયના આવેગના વિકાસમાં અનુકરણ, પ્રતીકાત્મક શિક્ષણ અને અભિસંધાન સૌથી અગત્યનો ભાગ ભજવે છે. બાળકો પોતાના અહમ્-આદર્શ(ego-ideal)રૂપ વ્યક્તિઓની વર્તનતરેહનું તાદાત્મ્ય દ્વારા અનુકરણ કરે છે અને તેથી પોતાનાં માતાપિતા, વડીલો કે શિક્ષકો જે ઉદ્દીપકો પ્રત્યે ભયની પ્રતિક્રિયા આપતાં હોય તેમના પ્રત્યે બાળકો પણ ભયની પ્રતિક્રિયા દર્શાવતાં શીખે છે.

આ ઉપરાંત વાર્તાઓ સાંભળીને કે ટેલિવિઝનનાં ર્દશ્યો જોઈને કલ્પનાથી, પ્રતીકાત્મક રીતે પણ બાળક ભય પ્રાપ્ત કરતો જાય છે. રાત્રે આવીને બાવો ઉપાડી જશે એવું બાળકોને કહેતાં બાળકો અંધારાનો ભય પ્રતીકાત્મક રીતે વિકસાવે છે.

ભયના આવેગનો વિકાસ કરવામાં ખૂબ જ મોટો ફાળો આપનાર મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અભિસંધાન છે. જે. બી. વૉટસન અને રેયનરે 11 માસના બાળકમાં અભિસંધાન દ્વારા તટસ્થ ઉદ્દીપક પ્રત્યે પણ ભય વિકસાવ્યો હતો. 11 માસના આલ્બર્ટને સફેદ સસલાનો કોઈ જ ભય ન હતો, બલકે તે તેને ગમતું હતું. વૉટસને સફેદ ઉંદર અને પછી મોટો અવાજ એમ વારંવાર બાળક સમક્ષ રજૂ કર્યાં. મોટા અવાજથી ડરનાર બાળક હવે સફેદ ઉંદરથી પણ ડરવા લાગ્યો. આમ, સફેદ ઉંદર જેવા તટસ્થ ઉદ્દીપક સાથે ભયનું અભિસંધાન સ્થપાયું. પછી તો આલ્બર્ટની ભયની પ્રતિક્રિયામાં ઉદ્દીપક–સામાન્યીકરણ થતાં બાળક સફેદ સસલાથી પણ ડરવા લાગ્યો ને પછી તો સફેદ દાઢીવાળા માણસને જોઈને પણ ભયની પ્રતિક્રિયા દર્શાવવા લાગ્યો. આ રીતે, મોટાભાગના ભયના પાયામાં આવી અભિસંધાન અને ઉદ્દીપક–સામાન્યીકરણની પ્રક્રિયા સંકળાયેલી હોય છે. ઘણી વાર તો એક જ પ્રયત્નમાં તીવ્ર ભયનું અભિસંધાન સિદ્ધ થઈ જતું હોય છે. બાળપણમાં થયેલાં આવાં તીવ્ર ભયનાં અભિસંધાનોમાંથી ઘણી વાર વિકૃત ભીતિ(phobia)નો મનોરોગ વિકસે છે.

મનોવિજ્ઞાનમાં વાસ્તવિક ભય અને વિકૃત ભય વચ્ચે ભેદ પાડવામાં આવે છે. વાસ્તવિક ધમકીરૂપ ઉદ્દીપક પ્રત્યેનો સભાન, સકારણ ભય એ વાસ્તવિક ભય છે; જ્યારે ભયના કોઈ સ્પષ્ટ કારણ વગર તટસ્થ ઉદ્દીપક પ્રત્યે અનુભવાતો ભય એ વિકૃત ભય છે. ટોળાનો ભય, ઊંચી જગ્યાનો ભય, ખુલ્લી જગ્યાનો ભય વગેરે વિકૃત ભયનાં ર્દષ્ટાંતો છે. મોટાભાગના વિકૃત ભયનાં કારણો, અચેતન મનમાં સંગ્રહાયેલાં બાળપણનાં તીવ્ર અભિસંધાનોમાં રહેલાં હોય છે. સૌમ્ય મનોવિકૃત ચિંતાના પાયામાં પણ અસ્પષ્ટ ભય, અભિસંધાન અને ઉદ્દીપક સામાન્યીકરણ રહેલાં હોય છે. પુન:શિક્ષણ અને પ્રબલનના યોગ્ય ઉપક્રમો વડે અભિસંધાનનાબૂદી કરી વિકૃત ભય ને વિકૃત ચિંતાની સારવાર થઈ શકે છે.

અભિસંધાન દ્વારા ભય શીખવી શકાય છે; એટલું જ નહિ, પરંતુ ભૂખની પ્રેરણાની માફક, આ શિક્ષિત ભયનો ઉપયોગ કરી, વર્તનનું ઘડતર પણ થઈ શકે છે. મિલર નામના મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કરીને દર્શાવ્યું કે જે રીતે પ્રાણી ભૂખની પ્રેરણાની તૃપ્તિ માટે ખોરાકરૂપી પ્રબલન મેળવવા હાથો દબાવવો કે વ્હીલ ફેરવવા જેવી પ્રતિક્રિયા શીખી શકે છે, તે જ રીતે જો વ્હીલ ફેરવવાથી ભયમુક્તિ કે ભયઘટાડો થતો હોય તો પ્રાણી ભયઘટાડારૂપી પ્રબલન મેળવવા વ્હીલ ફેરવવાની પ્રતિક્રિયા પણ શીખી શકે છે. આમ, ભય એ મૂલત: તો એક આવેગ હોવા છતાં તે વર્તનને જન્માવે છે ને તેને દિશા આપે છે. આમ, ભય, પ્રેરણા કે ચાલકબળ (motivation) તરીકે ને ભયઘટાડો નિષેધક પ્રબલન તરીકે કાર્ય કરી વર્તનનું શિક્ષણ ને ઘડતર પણ કરે છે.

અબ્રાહમ મેસ્લો પ્રેરણાના શ્રેણીક્રમ(hierarchy)માં ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા જેવી શારીરિક પ્રેરણાઓ સૌથી પહેલા ક્રમે ને બીજા ક્રમે સલામતીની પ્રેરણા મૂકે છે. આ સલામતીની પ્રેરણા સાથે ભયનો આવેગ સંકળાયેલો છે. માનવીના સંદર્ભમાં સલામતી માત્ર ભૌતિક ને શારીરિક જ નહિ, પરંતુ સામાજિક, આર્થિક ને મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે. આથી ઘણી વાર માનવી સામાજિક, આર્થિક કે મનોવૈજ્ઞાનિક સલામતીને ધમકીરૂપ પરિસ્થિતિ પ્રત્યે જ્યારે ભય અનુભવે છે ત્યારે તેના પ્રત્યે પલાયન કે પરિહારની પ્રતિક્રિયાના ભાગરૂપે તે બચાવપ્રયુક્તિઓ(defence mechanisms)નો આશરો લે છે, જેનો વધુપડતો ઉપયોગ માનવીને માનસિક રોગ કે વર્તનવિકૃતિ તરફ લઈ જાય છે.

અચિંતા યાજ્ઞિક