ભદ્રેશ્વર (ભદ્રેસર) : કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. પ્રાચીન કાળમાં તે ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. કચ્છના અખાત પર મુંદ્રાથી ઈશાન ખૂણે 22 કિમી.ને અંતરે તે આવેલું છે. તેનો ‘વેલાકુલ’ એટલે બંદર તરીકેનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના સમયના 1139ના ચોખંડા મહાદેવના મંદિરમાંના શિલાલેખ પરથી મળે છે. ‘ભદ્રાવતી’માંથી ‘ભદ્રેશ્વર’ નામ સોલંકીકાળ દરમિયાન થયું હોવાનું જણાય છે. ઉપર્યુક્ત શિવમંદિર દરિયાકિનારે આવેલું છે.
ભદ્રાવતીના આ જૈન મંદિરના નિર્માણકાળનો કોઈ ઐતિહાસિક ઉલ્લેખ મળતો નથી; પરંતુ જૈન પરંપરા પ્રમાણે વૈરાટ સંવતના એકવીસમા વર્ષે તે બંધાયું હતું અને હરિના વંશજ સિદ્ધસેને વસઈને તે અર્પણ કર્યું હતું. મહાસેનથી હરિષેણ સુધીના તેમના અનુગામીઓએ ઈ.સ. પૂર્વે 57 સુધી અહીં રાજ્ય કર્યું હતું. આ રાજાઓનાં નામોનો ઉલ્લેખ જૈન ગ્રંથો સિવાય અન્યત્ર મળતો નથી, તેથી આ નામો કાલ્પનિક હોવાનું મનાય છે. ત્યારબાદ કીર્તિધર, ધરણીપાદ, દેવદત્ત અને ધનજીરાજ થઈ ગયા. એ પછી ઈ. સ. 156ના અરસામાં મુંજપુરના વાઘેલા અને તેના વંશજો યોગરાજ, રત્નદત્ત વગેરેનું અહીં શાસન હતું. એ પછી પાવરગઢના કાઠીઓએ વાઘેલાઓ પાસેથી ભદ્રાવતી જીતી લીધું અને 147 વર્ષ સુધી રાજ્ય કર્યું. ઈ.સ. 551માં સૌરાષ્ટ્ર(પાટણ)ના કનકસેન ચાવડાએ આ પ્રદેશ જીતી લઈને અહીંનું આ પ્રાચીન મંદિર ફરીથી બંધાવ્યું. કનકસેનના અનુગામી ભૂવડના સમયમાં ભદ્રાવતી ઉપર આરબોએ આક્રમણ કર્યું. ભૂવડ પાસેથી સોલંકીઓએ આ પ્રદેશ જીતી લીધો. 1132 સુધી ભદ્રાવતી નામ પ્રચલિત હતું. સોલંકી રાજાઓએ તેમાં ફેરફાર કરીને ભદ્રેશ્વર નામ આપ્યું. ચોખંડા મહાદેવના 1139ના લેખ પરથી કહી શકાય છે કે તે વખતે પાટણમાં સિદ્ધરાજનું શાસન હતું. વાઘેલા વંશના વીરધવલના શાસન દરમિયાન, ભદ્રેશ્વર ભીમસિંહ પઢિયારના તાબામાં હતું. ભીમદેવે વીરધવલની માગણી કબૂલ ન કરતાં વીરધવલે લડાઈ કરી ભદ્રેશ્વર જીતી લીધું હતું.
ભદ્રાવતીના પ્રાચીન મંદિરના અવશેષો હાલ પ્રાપ્ય નથી. પાયાના પથ્થરોનો પણ સ્થાનિક લોકોએ તેમનાં મકાનો બાંધવામાં ઉપયોગ કરી દીધેલો ! વીસલદેવ વાઘેલાના સમયમાં જગડૂશાહ નામે ધનકુબેર થઈ ગયો. 1256થી 1259 દરમિયાન કચ્છમાં પડેલ ભીષણ

જૈન મંદિરો, ભદ્રેશ્વર
દુષ્કાળ દરમિયાન તેણે લોકોને ઘણી મદદ કરી હતી. આ કારણે ભદ્રેશ્વર નગર રાજાએ તેને ભેટમાં આપ્યું હતું.
જભગન ગામનું 1061નું દાનપત્ર ભદ્રેશ્વરમાંથી મળી આવ્યું છે. ભદ્રેશ્વરનો ‘વેલાકુલ’ તરીકે ઉલ્લેખ સૂચવે છે કે તે ધીકતું બંદર અને વેપારી કેન્દ્ર હશે. જગડૂશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. 1763માં ભદ્રેશ્વરના કિલ્લાની દીવાલો તોડીને લોકોએ તેનો બાંધકામમાં ઉપયોગ કર્યો હતો. મંદિરનો નીચલો ભાગ પ્રાચીન છે. અહીં નરથર, ગજથર વગેરે જોવા મળે છે. 1170 પછી પ્રદક્ષિણા-માર્ગ અને મંદિર ફરતી દીવાલની રચના કરાઈ હતી. આ મંદિરનું સ્થાપત્ય આબુનાં દેલવાડા, સરોત્રા અને તારંગાનાં મંદિરોને મળતું આવે છે. ભદ્રેશ્વરનું મંદિર ષડ્-અંગી છે.
જૈન મંદિરના વાયવ્ય ખૂણે એક સાદી મસ્જિદ છે. 16 થાંભલાવાળી આ મસ્જિદનો ઘણોખરો ભાગ રેતીમાં દટાયેલો છે. આ ઉપરાંત પીર લાલ બાજશાહની નાની કબર છે. અહીં કૂફી લિપિમાં લખાયેલ લેખ છે. ત્રણેક કબરો ઉપર પણ આ લિપિમાં લખાયેલાં લખાણો છે. તે સૂચવે છે કે મુસલમાનોનું આગમન અહીં બારમી સદીની આસપાસ થયું હશે. અબ્દુલ્લાના પુત્ર ઇબ્રાહીમનો રોજો પણ જોવાલાયક છે. કબર અને રોજાઓના સ્તંભો હિંદુ મંદિરના હોય તેમ જણાય છે. સ્તંભો ઉપર ફૂલવેલ, ફળો વગેરેની કોતરણી છે. સ્તંભોનો નીચેનો ભાગ ચોરસ છે, વચ્ચેનો ભાગ અષ્ટકોણાકૃતિવાળો છે, જ્યારે ઉપરનો ભાગ ગોળ છે. દૂધિયા વાવ સાદી છે. પ્રાચીન શિવમંદિરના અવશેષો દરિયાકાંઠે છે.
ડૉ. ઝેડ. એ. દેસાઈ આ કબરો ઉપરના લેખોનો સમય ઈ.સ. 1159થી 1228 હોવાનું જણાવે છે. દરિયાકિનારે ચોખંડા મહાદેવના મંદિર નજીક પાંડવકુંડ તરીકે ઓળખાતો એક ચોરસ કુંડ છે. ચોખંડા મહાદેવ નજીક આશાપુરા દેવીનું મંદિર, હનુમાનજીનું મંદિર તથા જગડૂશાહે જીર્ણોદ્ધાર કરાવેલ મંદિર છે. તે બધાં જોવાલાયક છે. ફાગણ સુદ ત્રીજથી પાંચમ સુધી અહીં મેળો ભરાય છે. આ ભવ્ય મંદિર પુરાતત્વ ખાતા તરફથી રક્ષિત જાહેર કરાયેલું છે. અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ આવેલી છે.
શિવપ્રસાદ રાજગોર