ભણસાલી, સંજય લીલા (જ. 24 ફેબ્રુઆરી 1963, ભુલેશ્વર, દક્ષિણ મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક, સંકલનકાર (એડિટર) અને સંગીતકાર.
ભારતીય અને ખાસ કરીને મુખ્યધારની ફિલ્મના એક મહત્ત્વના દિગ્દર્શક. પિતાનું નામ નલિન ભણસાલી અને માતાનું નામ લીલાબહેન. સંજય એના નામની પાછળ પિતાનું નહીં, પણ માતાનું નામ લખે છે. એટલે તેઓ સંજય લીલા ભણસાલી તરીકે ઓળખાય છે. સંજય તથા તેનું કુટુંબ જૈન ધર્મ પાળે છે.
સંજય લીલા ભણસાલીએ 16 ફિલ્મોનું નિર્માણ કરેલું છે તેમાંથી 10 જેટલી ફિલ્મોનું દિગ્દર્શન, ત્રણ ફિલ્મોનું સંકલન, 12 ફિલ્મોનું લેખન અને છ ફિલ્મોનું સંગીત સ્વરબદ્ધ કરેલું છે. આ ઉપરાંત ‘સરસ્વતીચંદ્ર’ અને ‘હીરામંડી’ જેવી ટેલિવિઝન સિરિયલ્સનું પણ સર્જન કરેલ છે. ‘હીરામંડી’ જેવી ટેલિવિઝન સિરિયલ્સનું લેખન, નિર્માણ, સર્જન, દિગ્દર્શન, સંકલનકાર અને સંગીતકાર તરીકે સર્વે કાર્ય એમણે કરેલાં છે.
આમ બધી મળીને 19 જેટલી ફિલ્મો સાથે સંજય લીલા ભણસાલીનું નામ સંકળાયેલું છે. તેમાંથી એમને સાત વખત નૅશનલ ઍવૉર્ડ, બાર વખત ફિલ્મફેર ઍવૉર્ડ (જેમાં પાંચ વખત શ્રેષ્ઠ દિગ્દર્શન માટે) તથા એક ફિલ્મ માટે બાફટા ઍવૉર્ડનું નૉમિનેશન મળ્યું છે.
સંજય લીલા ભણસાલીની પ્રથમ ફિલ્મ ‘ખામોશી – ધ મ્યુઝિકલ’ 1996માં સર્જાઈ. આ પહેલાં સંજય ફિલ્મદિગ્દર્શક વિધુ ચોપરાના સહાયક તરીકે કાર્ય કરતા હતા. એમણે ફિલ્મ ‘પરીન્દા’માં સહાયક દિગ્દર્શક તરીકે અને ‘1942 અ લવસ્ટોરી’ના લેખક અને કૉરિયૉગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. એમની પહેલી જ ફિલ્મ ‘ખામોશી – ધ મ્યુઝિકલ’ વ્યવસાયી રીતે ખૂબ સફળ રહી અને એમને પહેલી જ ફિલ્મમાં પાંચ ફિલ્મફેર ઍવૉર્ડ્સ મળ્યા જેમાં વિવેચકો દ્વારા અપાતો શ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ પણ સામેલ હતો.
આ પછી સર્જાયેલી ફિલ્મો ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’ વ્યવસાયી રીતે ખૂબ સફળ રહી. પણ ‘બ્લૅક’ નામની ફિલ્મથી એમને સૌથી વધુ પ્રશંસા, પૈસા અને પારિતોષિકો મળ્યાં. 2005માં સર્જાયેલી ‘બ્લૅક’માં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી જેવાં કલાકારો હતાં અને આ ફિલ્મને સૌથી વધુ, અગિયાર જેટલા ફિલ્મફેર ઍવૉર્ડ્સ મળ્યા. કોઈ પણ એક જ ફિલ્મને મળેલા આ સૌથી વધુ ઍવૉર્ડ હતા. યુરોપમાં પ્રગટ થતા ‘ટાઇમ’માં એ વર્ષની શ્રેષ્ઠ દસ ફિલ્મોમાં પાંચમા સ્થાને માન પામી હતી.
2007માં સર્જાયેલ ‘સાંવરિયા’ એક અત્યંત નિષ્ફળ ફિલ્મ રહી. 2008માં આલ્બર્ટ રસેલ દ્વારા લખાયેલ ઑપેરા બૅલે ‘પદ્માવતી’ને એમણે દિગ્દર્શિત કરીને રજૂ કર્યું. આ બૅલેનો પ્રીમિયર પૅરિસમાં થયો જ્યાં રજૂઆત બાદ એમને 15 મિનિટ સુધી પ્રેક્ષકોએ ઊભા થઈ તાલીઓ વગાડીને તથા સાત વખત કર્ટન કૉલ કરીને અભિવાદન કર્યું. વિવેચકો દ્વારા પણ આ બૅલેની રજૂઆતને વખાણવામાં આવી. આ બાદ 2010માં એમણે ફિલ્મ ‘ગુઝારીશ’નું દિગ્દર્શન કર્યું. ફિલ્મ ‘ગુઝારિશ’થી સંજય લીલા ભણસાલીએ એક સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. આમ દિગ્દર્શન ઉપરાંત ફિલ્મના પાર્શ્વસંગીતનું કાર્ય પણ તેઓ કરવા લાગ્યા. ‘ગુઝારિશ’ સમીક્ષકો દ્વારા વખણાઈ પણ વ્યવસાયી રીતે ખાસ ન ચાલી. આ પછી દિગ્દર્શન ન કરતાં એમણે ત્રણેક ફિલ્મોનું નિર્માણ કર્યું.
2013માં સંજય લીલા ભણસાલીએ એક રોમૅન્ટિક ટ્રૅજેડી ‘ગોલિયોં કી રાસલીલા – રામલીલા’નું સર્જન અને દિગ્દર્શન કર્યું, જે શેક્સપિયરના નાટક ‘રોમિયો અને જુલિયટ’ પર આધારિત હતું. આ ફિલ્મને કેટલાંક ધાર્મિક સંગઠનનો વિરોધ સહન કરવો પડ્યો તથા દેશના કેટલાક રાજ્યમાં તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને છતાં પણ ફિલ્મ વ્યવસાયી રીતે ખૂબ સફળ રહી. આ પછીનાં બે વર્ષ પછી સંજયે ફક્ત ફિલ્મનિર્માણનું કાર્ય જ કર્યું.
2015થી એક ઐતિહાસિક ફિલ્મના દિગ્દર્શન સાથે સંજય ‘બાજીરાવ મસ્તાની’ની રજૂઆત કરે છે. આ ફિલ્મની વાર્તા પેશ્વા બાજીરાવ અને એમની બીજી પત્ની મસ્તાનીના પ્રેમ પર આધારિત હતી. આ ફિલ્મ પર બાજીરાવના વારસોને પ્રતિબંધ મૂકવાની માંગણી કરતાં મુંબઈ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરેલી કે આ ફિલ્મમાં બાજીરાવની વાતને કાલ્પનિક રૂપે રજૂ કરીને ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરાઈ છે. પણ મુંબઈ હાઈકોર્ટે આ મામલામાં દખલ ન દેવા માગતાં તેની રજૂઆતને મંજૂરી આપી હતી. ફિલ્મ અત્યંત સફળ હતી. ‘બાજીરાવ મસ્તાની’ના દિગ્દર્શન માટે સંજય લીલા ભણસાલીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો નૅશનલ ઍવૉર્ડ મળ્યો. ‘બાજીરાવ મસ્તાની’ પછી સંજય લીલા ભણસાલી ઐતિહાસિક પાત્રો અને અમુક ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને ફિલ્મોનું સર્જન કરવા લાગે છે. જેને ઉત્તમ દિગ્દર્શન માટે નૅશનલ ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. આ શૈલીમાં બીજી ફિલ્મ ‘પદ્માવત’ (2018) જેને ઉત્તમ સંગીતદિગ્દર્શન માટે નૅશનલ ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ફરી આ ફિલ્મની સાથે પણ વિવાદ થયો અને અમુક કોમના લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો. આ વિરોધમાં કેટલેક અંશે સચ્ચાઈ પણ હતી કે સંજય ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરે છે. ફિલ્મનો આ વિરોધ ફિલ્મના શૂટિંગના સમયથી જ શરૂ થયો હતો. તે છતાં ફિલ્મની રજૂઆત થઈ ત્યારે વ્યાવસાયિક રીતે ખૂબ સફળ રહી. ઉપરાંત શ્રેષ્ઠ સંગીત માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 2022માં સર્જાઈ જે એક જીવનકથાત્મક ફિલ્મ છે. આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન ઑફ મુંબઈ’ પર આધારિત છે. આ ફિલ્મને પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. અને આ પછી 2023માં ‘હીરામંડી’ ટેલિવિઝન સિરિયલ સર્જાઈ અને તે આઠ કલાક લાંબી છે અને નેટફ્લિક્સ પર રજૂઆત પામી છે.
સંજય લીલા ભણસાલી ફિલ્મ ‘મોગલે આઝમ’થી બહુ પ્રભાવિત થયેલા. એમની ફિલ્મોમાં ભવ્ય સેટ્સ તથા રંગોની વિશિષ્ટ રીતે રજૂઆત થાય છે. તેવી જ રીતે કૉસ્ચ્યુમની પણ પ્રભાવક રજૂઆત થતી હોય છે. આ બધું વધુ તો વાસ્તવિક નહીં તેવું અતિનાટક (મેલૉડ્રામા) જેવું લાગતું હોય છે. 2015માં તે સમયના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પદ્મશ્રીનો ઍવૉર્ડ મળ્યો હતો.
અભિજિત વ્યાસ
