ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની આવૃત્તિમાં ઠાકોરે એમનાં કાવ્યોને વસ્તુવિષયના સંદર્ભમાં ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ – એમ સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. આ સાત ગુચ્છમાં આત્મલક્ષી અને પરલક્ષી બંને પ્રકારનાં કાવ્યો છે. અંગત સ્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુવિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વર વિશેનાં કાવ્યો છે. તેમનાં ઊર્મિકાવ્યો મુખ્યત્વે ચિંતનોર્મિ કાવ્યો હોવાને કારણે આત્મલક્ષી હોવા છતાં તેમનાં કાવ્યો પરલક્ષી હોવાની છાપ ઊભી કરે છે.
‘પ્રેમનો દિવસ’ 1889માં આરંભાયું અને 1913માં કુલ 18 મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કવિએ આ કાવ્યને પરલક્ષી સર્વાનુભવનું કાવ્ય કહ્યું છે, પણ તેમાં ક્યાંક ક્યાંક અંગત સ્વાનુભવ ઉપસ્થિત છે. કાવ્યમાં ‘એક કલ્પિત યુગ્મના હૃદયજીવનમાંની કેટલીક ક્ષણોનાં ચિત્રો’ છે. કવિએ આ કાવ્યમાં દાંપત્યના સમગ્ર જીવનકાળને એક દિવસ લેખે રજૂ કર્યો છે. કાવ્યમાં ભિન્ન ભિન્ન ક્ષણે નાયક-નાયિકાનાં વ્યક્તિત્વનો અને પ્રેમનો વિકાસ થાય છે અને અંતે દેહ-મન-આત્માનું પૂર્ણ ઐક્ય સધાય છે. બલવંતરાય 1913માં ‘પ્રેમનો દિવસ’ પૂરું કરે છે અને તુરત 1914માં ‘વિરહ’નો આરંભ કરે છે એ સૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્ન ભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે.
ઠાકોરે વાર્ધક્ય અને મૃત્યુને વિષય બનાવતાં અનેક કાવ્યો રચ્યાં છે. વાર્ધક્યની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટ થઈ છે. સમાજ, રાજ્ય અને ઇતિહાસવિષયક પરલક્ષી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એકરૂપે દર્શન થાય છે. તેમની પ્રસિદ્ધ કાવ્યત્રયી ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે’માં કવિએ ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે. ‘આરોહણ’માં અંગ્રેજોના આગમન પછીની ભારતીય સંસ્કૃતિના ભાવિ વિશેનું ચિંતન રજૂ થયું છે. ઠાકોરનાં પ્રકૃતિ અને પરમેશ્વર વિશેનાં કાવ્યોમાં એમના કેટલાક આધ્યાત્મિક અનુભવો વણાઈ ગયા છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિષ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપ છે. એમાં મનુષ્યનિરપેક્ષ પ્રકૃતિ-સૌંદર્યનાં વર્ણનો—ચિત્રણો છે. કવિનાં અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન ભળી ગયું છે. ‘ભણકાર’માં પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. ‘બંદાની લવરી’ તેમનું અપવાદરૂપ હાસ્યકાવ્ય છે. તેમણે મુક્તકો, બોધકાવ્યો, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો આદિ પ્રકીર્ણ કાવ્યો પણ રચ્યાં છે.
બલવંતરાયે કવિ તરીકે કવિતામાં રહસ્યવાદનો સ્વીકાર કર્યો છે. ઊર્મિકવિતા વિશેની સમકાલીન વિવેચનાના સંદર્ભમાં તેઓ વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણે છે. ઠાકોરની શૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ અને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે જેટલી વિદ્વદભોગ્ય બની શકી છે તેટલી લોકભોગ્ય બની શકી નથી. શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું કાવ્યક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય. ‘ભણકાર’માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ હોવાથી તેનું પ્રકાશન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના ગણાયેલ છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ