ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં નિરૂપેલ વર્ષાજ્ઞાનનું તેમાં પ્રતિબિંબ છે. તે લોકકંઠે ગવાતાં ઉત્તરોત્તર પ્રાદેશિક ભાષામાં ઊતરી આવ્યાં. તેમ છતાં પ્રત્યેક પ્રદેશમાં તેની સાથે તેના કર્તા કે રચયિતાનું નામ જોડાઈ ગયું છે.

સંહિતા : ઋષિમુનિએ પ્રાચીન યુગમાં સૂત્રાત્મક રીતે સંહિતાના પોતાના ગ્રંથોમાં વર્ષાનું નિરૂપણ કરતી વખતે તેની આગાહી રૂપે આ વાક્યો નિરૂપ્યાં છે. સૌપ્રથમ ‘નારદસંહિતા’(ઈ. પૂ.ની રચના)માં ભડલી-વાક્યો જેવા સૂત્રાત્મક શ્લોકો મળે છે. ઋકસંહિતા(ઈ. પૂ. 500)માં, ‘બૃહત્-સંહિતા’ (વરાહમિહિર – ઈ. સ. 480થી 505), ‘મહાવીરાચાર્યસંહિતા’ (ઈ. સ. 850); ‘ભદ્રબાહુસંહિતા’, ‘વર્ષાબોધ’, ‘અદ્ભુતસાગર’ – એ સંહિતાગ્રંથોમાં વર્ષા વિશેના અસંખ્ય સંસ્કૃત શ્લોકોનું નિરૂપણ થયેલું જોવા મળે છે, જે વરસાદની આગાહી કરતાં આજનાં ભડલી-વાક્યો જેવાં જ છે, જાણે કે તેનો અનુવાદ જ જોઈ લો. ‘ઉત્તર પ્રદેશ’માં ઘાઘ પંડિત(ઈ. સ. 1544)ના નામે ભડલી-વાક્યો પ્રચલિત છે. તે કનોજનો વતની હતો. કેટલાક તેને ઈ. સ. 1697માં થઈ ગયેલો માને છે. તે કાનપુરનો વતની હતો. તે વૈશ્ય જાતિની સ્ત્રીને પરણ્યો હતો, તેનાથી ઉત્પન્ન થયેલ પુત્ર, જેનું નામ ભડલી હોઈ, આ પ્રદેશમાં આ સાહિત્યપ્રકારનું નામ ‘ભડલી’ પ્રચલિત થયું.

બંગાળમાં પ્રચલિત ભડલી-વાક્યોના રચનાર તરીકે ડાક અને ખન્નાને માનવામાં આવે છે.

બિહારમાં ‘ભડલી’નો રચનાર ભાડ પંડિત હતો.

રાજસ્થાનમાં ભડલી પંડિતના નામ ઉપરથી ભડલી-વાક્યો પ્રચલિત છે. તે ગોરખપુરનો વતની હતો. આજે પણ રાજસ્થાન – ઉત્તરપ્રદેશમાં ભડુરિયા જાતિના લોક અસ્તિત્વ ધરાવે છે. ઉત્તર પ્રદેશ અવધ(અયોધ્યા)માં પણ આ જાતિ ફેલાયેલી છે. મારવાડની પરંપરામાં ભડલી શૂદ્ર જાતિની સ્ત્રી હતી તેના ઉલ્લેખો પ્રચલિત છે. તેને ડંક નામના જ્યોતિષી સાથે મૈત્રી હતી. તે શુકનવિદ્યાની જાણકાર હતી. તે મૈત્રી પાછળથી લગ્નજીવનમાં પરિણમેલી. તેના વંશના લોકો આજે પણ ‘ડાકોટ’ – ‘ડાકોત’ નામથી જાણીતા છે.

રાજસ્થાન–મારવાડથી આ ભડલી-વાક્યોની પરંપરા ગુજરાતમાં પણ ઊતરી આવી છે; તેમ છતાં મધ્યકાળમાં રાજસ્થાનની સરહદોના સીમાડા વિસ્તૃત હોવાને લીધે, આ બંને પ્રદેશોમાં મળતાં ભડલી-વાક્યોમાં વિશેષ સમાનતા જોવા મળે છે.

ગુજરાતીમાં પ્રાપ્ય ભડલી-વાક્યોનો રચયિતા હુડદ જોશી ગણાય છે. ભડલી-વાક્યોને ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રદેશમાં ‘હુડા’ પણ કહેવામાં આવે છે. તે હુડદ જોશીના નામનો સંકેત કરે છે. આજે પણ ખેડૂત પ્રજામાં, ગ્રામપ્રજામાં આ હુડા ખૂબ જ પ્રચલિત છે. એમાં વર્ષા, પ્રણય, વિરહ વગેરે જેવા જનજીવનને સ્પર્શતા હુડાઓ પણ છે. આ હુડદ જોશી મૂળરાજ સોલંકીના રાજ્યનો પંડિત હતો. તેણે રુદ્ર મહાલયના ખાતનું મુહૂર્ત કાઢી આપ્યું હતું તેમ માનવામાં આવે છે. તેની પુત્રીનું નામ ભડલી હતું. (ઈ. સ. 942–997) તેના નામ ઉપરથી ભડલી-વાક્યો એવું નામ આ સૂત્રાત્મક વાક્યોને આપવામાં આવ્યું હોય અર્થાત્ એ રીતે પ્રચલિત થયું હોય.

રાજસ્થાન-ગુજરાતનો વિચાર કરીએ તો બંને પ્રદેશોમાં વર્ષાજ્યોતિષને નિરૂપતા આ દ્વિપદી-ચતુષ્પદી ભડલી-વાક્યોનો રચયિતા ભડલી (સ્ત્રી કે પુરુષ) હોવાનું અને સ્ત્રી કે પુરુષ સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હોવાનું નિશ્ચિત છે. વળી પ્રાદેશિક ભાષા ઉપર પણ તેની પ્રતિભાના ચમકારા જોવા મળે છે. આમ પ્રાચીન સંસ્કૃત સંહિતાગ્રંથોમાંથી વિવિધ પ્રાદેશિક પ્રદેશો અને ભાષામાં ઊતરી આવેલ વર્ષાગર્ભથી માંડીને સદ્યવૃષ્ટિયોગનાં દર્શન અને જ્ઞાન આપતાં આ ભડલી-વાક્યો ‘સંહિતાજ્યોતિષ’માં પ્રગટ થતી ભારતીય વિદ્વાનોની પ્રતિભાનાં દર્શન કરાવે છે. પ્રાદેશિક પંડિતો દ્વારા તેમના  અનુવાદો થતા રહ્યા, ભાષા બદલાતી બદલાતી એવી થઈ કે તે લોકકંઠમાં સ્થિર થઈ,  પ્રસારણ-માધ્યમનું અપ્રતિમ બળ બની અને ભડલી-વાક્યો લોકસાહિત્ય બની રહ્યાં. તેમ છતાં આજે વિવિધ પ્રદેશોમાં સક્ષમ અનુવાદક તરીકે ‘ભડલી’ના નામે અમર બની ગયા છે. તેમ છતાં સંસ્કૃતમાંથી ઉતારનાર અનુવાદ કરનાર આ સંહિતા-જ્યોતિષના જ્ઞાનને પ્રચલિત કરનાર એકથી વધુ અનુવાદકો હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી.

પ્રદેશભેદે, ભાષાભેદે અને વ્યક્તિભેદે તેમાં ઘણા ફેરફારો થયા હોય તે શક્ય છે. ઘણાં ભડલી-વાક્યોમાં અર્વાચીન શબ્દોના પાઠ પણ મળે છે.

મૂળ તો આ જ્યોતિષનો વિષય છે, તેમાં પણ આપણા ખેતીપ્રધાન દેશના ખેડૂતોને માટે વરસાદ ક્યારે થાય તે જ્ઞાન જીવનાધારરૂપ ગણાય. તે માટે સંસ્કૃતનું જ્ઞાન હોવું તે પ્રથમ શરત હતી. ગ્રામપ્રજા સંસ્કૃતથી અનભિજ્ઞ હતી, તે કારણસર પ્રાદેશિક ભાષામાં આ જ્ઞાન હોવું એ એક જીવનજરૂરિયાત બની; કારણ કે ખેતી ઉપર નિર્ભર ભારતીય ખેડૂતને સંહિતા-જ્યોતિષનિરૂપિત વર્ષાની આગાહી કરતું જ્ઞાન લોકભાષામાં – પ્રાદેશિક ભાષાઓમાં જ મળે એ ઇષ્ટ હોય.

સંહિતા-જ્યોતિષમાં રજૂ થયેલ શ્લોકો : પ્રાદેશિક વાતાવરણ, તેનાં પાંચ અંગો – પૃથ્વી, વાયુ, તેજ, પાણી અને અગ્નિ ઉપર આધારિત છે. વળી આકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો, વાદળ, વાયુ, ગરમી, ઠંડી, વાર, તિથિ, યોગ, કરણ જેવાં પંચાંગનાં અંગોનો ખગોલીય આધાર લઈ, તેનું નિરીક્ષણ કરી, અનુભવની એરણ ઉપર ચડાવીને, આ વર્ષા-જ્ઞાનની આગાહી ભડલી-વાક્યો દ્વારા કરવામાં આવી. વાતાવરણના સામૂહિક ફેરફારોને નોંધતું જ્યોતિષશાસ્ત્ર એટલે સંહિતા.

1. सिंहभिन्ने कुतो वृष्टिरभिन्ने कर्कटे कुत: ।

  कन्योदये प्रभिन्ने चेत्सर्वथा वृष्टिरुत्तमा ।। नारदसंहिता

સિંહસંક્રાંતિને દિવસે વરસાદી વાદળાં હોય તો વર્ષા ન થાય. કર્ક સંક્રાંતિને દિવસે વરસાદી વાદળ જો હોય તો વર્ષા તત્કાળ હોય.

ભડલી-વાક્યો

1. સંસ્કૃત : कार्तिके प्रथमे पक्षे प्रथमा बुधसंयुता ।

                जायते मध्यमा वृष्टिरनावृष्टि: क्वचिद् भवेत् ।।

             કારતક સુદિ પડવા દિને, હોય જો બુધવાર;

             વરસ હોય તે કરુવરું(નબળું), ન કરીશ વિચાર.

2. સંસ્કૃત : सप्तम्यादित्रये पोषे शुक्ले विद्युच्च गर्जितम् ।

             तदा मेघस्य गर्भ: स्वादचले सुखसंपदे  ।।

                                                                        (वर्षप्रबोध)

             પોષી સાતમ ઊજળી, આઠ, નોમ ગાજે

             ગર્ભ અચલ તે જાણજો, સરશે સઘળાં કાજ.

અહીં હવે એક અગત્યનો સંહિતાશ્લોક ટાંકું છું, કારણ કે આ વર્ષે શ્રાવણ સુદ સાતમ ને સ્વાતિ નક્ષત્રનો યોગ થયો છે, તે વિશે આ પ્રમાણે વરસાદ જ્યોતિષ ભાખે છે.

3. સંસ્કૃત : श्रावणे शुक्लसप्तम्यां स्वातियोग: सुभिक्षकृत् ।।

             શ્રાવણ સુદિ સપ્તમી સ્વાતિ ઊગે સૂર,

             ડુંગર બાંધો ઝૂંપડાં, પાદર આવે પૂર.

ભારતનાં ઘણાં બધાં રાજ્યોમાં અને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ સંસ્કૃત સંહિતાગ્રંથો અસંખ્ય છે. પૂર્વાચાર્યોએ લખ્યા છે, સૌપ્રથમ 5મી સદીમાં વરાહમિહિરે યોગ્ય ચકાસણી કરી, ‘બૃહત્-સંહિતા’ના બીજા ખંડમાં 21, 22 અને 23મા અધ્યાયમાં આપ્યા છે. ભડલી-વાક્યોમાં તે પ્રતિબિંબિત થાય છે.

વરસાદ, વર્ષાગર્ભ ચોમાસાની આગાહી કરતાં કેટલાંક ગુજરાતી ભડલી-વાક્યો :

1. માગશર સુદિ એકમથી હોય,

        ચંદ્ર પૂર્વાષાઢે, જાણો વર્ષાગર્ભ નિશ્ચિત.

2. મહા સુદિ જો સપ્તમી વાદળ વીજળી હોય,

        વરસે ચારે માસ, શોચ ન કરો કોઈ.

3. ફાગણ સુદ સપ્તમી, આઠમ નોમ ગાજંત,

        અમાસ ભાદરવા તણી, વર્ષા તો વરસંત.

4. ચૈત્ર દસમી દિન જો વાદળ વીજળી હોય,

        ભડલી તો એમ જ ભણે, ગર્ભ ગળ્યા સૌ કોઈ.

5. અખાત્રીજ તિથિને દિને, ગુરુ-રોહિણી-સંયુત,

        ભડલી તો એમ જ ભણે, નીપજે અન્ન બહુત.

6. જેઠી બીજ ગરજે મેઘ જો અજવાળી પક્ષ,

        ગર્ભ, ગળ્યા સહુ પાછલા, કહું તુજને પ્રાવીણ્ય.

7. જેઠ ગયો, અષાઢ ગયો, શ્રાવણિયા તું જા,

        ભાદરવે જળ રેલશે, જો સુદ છઠે અનુરાધા.

8. અષાઢી પૂનમ કહી, નિર્મળ ચંદ્રભાસ,

        પિયુ, તું જા માળવે, હું દુ:ખમાં કરું વાસ.

બટુક દલીચા