ભટ્ટ, હરિભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક. તેમના પિતાની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની(1906–1938)માં નાટ્યકળાની જાણકારી મેળવી. 1936માં પિતાની સંસ્થામાં વ્યવસ્થાપકની જવાબદારી સંભાળી. એમના લખેલા ‘મર્દ મુસ્લિમ યાને ગરીબના પૂજારી’ નાટકમાં તેમણે 1937માં સંગીત અને દિગ્દર્શનની જવાબદારી ઉપાડી લીધી. અભિનયક્ષેત્રે 1937માં ‘દેવી દેવયાની’ નાટકથી પદાર્પણ. 1938માં ‘અખંડ જ્યોત યાને કીમતી કુરબાની’માં લેખન, સંગીત તથા દિગ્દર્શનની ત્રિવિધ જવાબદારી તેમણે સ્વીકારી.
શેઠ મોતીલાલ મારવાડીએ ગંજાવર ખર્ચે શરૂ કરેલી ભવ્ય ઉર્દૂ નાટ્યસંસ્થા એક્સેલસિયર થિયેટરે 1932ના અરસામાં મુંબઈમાં ‘આઇને ઈમાન’ નાટક ભારે ભવ્યતાથી રજૂ કર્યું. પણ તે નિષ્ફળ ગયું અને આ સંસ્થા મુંબઈમાં જ બંધ કરવી પડી. તે પછી હરિભાઈ પિતાજીની પાલિતાણા નાટક કંપનીમાં જોડાયા, પણ ભાયાવદર(સૌરાષ્ટ્ર)માં આગના પરિણામે તેની બધી નાટ્યસામગ્રી બળી જવાથી 1938માં તે સંસ્થા બંધ થઈ.
1941માં જામનગરમાં તેમણે પોતાની માલિકીની સંસ્થા શ્રી પ્રભાત કલા મંડળ શરૂ કરી. ભાવનગરમાં વિજયરંગ થિયેટરમાં ઑગસ્ટ 1942માં એમનું લખેલું ‘લવકુશ’ નાટક રજૂ થયું. અને તેના સળંગ 300 પ્રયોગ ભજવ્યા. એમાં રામની ભાવવાહી ભૂમિકા હરિભાઈ ભટ્ટે ભજવી હતી. ‘લવકુશ’ નાટકની કીર્તિ ત્યારે મુંબઈ સુધી પહોંચી હતી.
ભાવનગર આવી ‘લવકુશ’ નાટક જોયા પછી વી. શાન્તારામે હરિભાઈને અભિનંદન આપી ‘લવકુશ’ નામે ચલચિત્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો; પણ દિગ્દર્શન પોતે સંભાળવાના હરિભાઈના આગ્રહને કારણે એ વાત આગળ વધી શકી નહિ.

હરિભાઈ મણિશંકર ભટ્ટ
એમની સંસ્થામાં ‘સુવર્ણ પ્રભાત’માં દેવેન્દ્રના, ‘નરસિંહ ભગત’માં નરસિંહના, ‘લવકુશ’માં રામ, ‘અનિરુદ્ધ-ઉષા’માં કૃષ્ણ, ‘ફરજ યાને ભાઈબીજ’માં રહીમના તથા ‘અલખ નિરંજન યાને ભર્તૃહરિ’માં ભર્તૃહરિના પાત્રમાં તેમણે અભિનય આપ્યો હતો.
16 ઑક્ટોબર, 1942ની રાત્રે ‘લવકુશ’ નાટકના 52મા પ્રયોગ વખતે ભાવનગર લલિત કલા મંડળ તરફથી હરિભાઈ ભટ્ટનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. 27 જાન્યુઆરી, 1943ની રાત્રે ‘લવકુશ’ નાટકના 165મા પ્રયોગ-પ્રસંગે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના હસ્તે હરિભાઈને માનપત્ર આપવામાં આવ્યું.
1945માં ‘લવકુશ’ નાટક ફરીથી રજૂ થયું ત્યારે તેના સળંગ 115 પ્રયોગ થયા હતા.
સૌરાષ્ટ્રમાં ફિલ્મસ્ટુડિયો હોવો જોઈએ એવા વિચારથી પ્રેરાઈને તેમણે ભાવનગર પરામાં તેના આયોજન માટે પ્રયત્નો શરૂ કર્યા, પણ તેમાં સફળતા મળી નહિ.
એમની સંસ્થાનું 1948માં લિમિટેડ કંપની તરીકે રૂપાંતર કર્યું, પરંતુ થોડા સમય પછી મતભેદ થતાં 1948માં જ આ સંસ્થા બંધ થઈ ગઈ.
એમના બંધુ હેમુભાઈ ભટ્ટે પણ ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ-ક્ષેત્રે નાટ્યલેખક, દિગ્દર્શક, સંગીતકાર અને અભિનેતા તરીકે ગણનાપાત્ર ફાળો આપ્યો છે.
‘નાગર નરસિંહ,’ ‘મુરલીધર’ તથા ‘લવકુશ’ હરિભાઈનાં ખ્યાતનામ નાટકો છે.
‘સાંઈ રંગ મંડળ’(મોરબી)માં કેટલાંક નાટકોમાં નાટ્યલેખન, સંગીત તેમજ દિગ્દર્શનની જવાબદારી તેમણે સંભાળી હતી.
પાલિતાણા નાટક મંડળીમાં 4 નાટકોનું લેખન, 8 નાટકોનું દિગ્દર્શન અને 7 નાટકોનું સંગીતનિયોજન સંભાળ્યું હતું. જ્યારે ઘરની સંસ્થા પ્રભાત કલા મંડળમાં 6 નાટકોનું લેખન, 10 નાટકોનું દિગ્દર્શન અને 8 નાટકોનું સંગીતનિયોજન કર્યું હતું.
આમ, ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના તેઓ બહુમુખી પ્રતિભાવાળા કસબી કલાકાર હતા.
ધીરેન્દ્ર સોમાણી