ભટ્ટ, વિષ્ણુ (જ. 9 જાન્યુઆરી 1923, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર, શિલ્પી અને કળાશિક્ષક. તેમણે કલાનું શિક્ષણ અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે ગુજરાત કલા સંઘની ચિત્રશાળામાં અને પછી મુંબઈમાં વી. પી. કરમારકર પાસે લીધું હતું.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલા–ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્ર વિભાગ ઊભો કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સંસ્થામાં તેઓ કલા-ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્રના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં તથા પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં અને પુણે ખાતે આવેલા ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેઓ કલા-ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક હતા. તેમનાં ચિત્રો અને શિલ્પ વડોદરાના વડોદરા મ્યુઝિયમના કાયમી સંગ્રહમાં સ્થાન પામ્યાં છે. 1963માં તેમનાં બે પુસ્તકો ‘ડેવલપમેન્ટ ઑવ્ આર્ટ-ફૉર્મ્સ’ અને ‘બાઉહાઉસ ઍન્ડ ઇટ્સ ન્યૂ વિઝન’ પ્રકાશિત થયાં છે.
અમિતાભ મડિયા