ભટ્ટ, મણિશંકર જેશંકર

January, 2001

ભટ્ટ, મણિશંકર જેશંકર : વ્યવસાયી રંગભૂમિની નાટ્ય-સંસ્થાના કલાકાર, દિગ્દર્શક અને માલિક. વતન મોરબી. 1906માં પોતાની માલિકીની ‘શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની’ શરૂ કરી. છોટુભાઈ ભટ્ટ તેનું સંચાલન કરતા હતા. શરૂઆતમાં 9 નાટકોનું દિગ્દર્શન એમણે કર્યું. ધ્રાંગધ્રા રાજ્યની નાટક કંપનીના દિગ્દર્શક દલપતરામ દેરાસરી તેમાં જોડાયા. જૂની રંગભૂમિના સર્વાંગી દિગ્દર્શક મણિશંકર પોપટલાલ ‘હળવદકર’નો પણ સાથ તેમને મળી રહ્યો.

મણિશંકર જેશંકર ભટ્ટ

ગૌરીશંકર ત્રિભુવન, કવિ ‘પાગલ’, કવિ જી. એ. વૈરાટી, કવિ ‘ત્રાપજકર’, દામુ સાંગાણી, બાબુભાઈ ઓઝા, ‘મણિશંકરના પુત્રો હરિભાઈ ભટ્ટ અને હેમુભાઈ ભટ્ટ વગેરેનાં નાટકો આ કંપનીએ ભજવ્યાં. ‘મહાભારત’, ‘નળદમયંતી’, ‘સ્વયંવર’, ‘પોરસ-સિકંદર’, ‘રામાયણ’, ‘વીર અભિમન્યુ’, ‘નેતાજી પાલકર’ વગેરે નાટકો વડોદરા, મુંબઈ અને અમદાવાદમાં તથા સૌરાષ્ટ્રનાં મોટાં શહેરોમાં ભજવ્યાં. ભાયાવદર(સૌરાષ્ટ્ર)માં આગ લાગવાથી કંપનીનો બધો જ સમાન બળી ગયો. પરિણામે જાન્યુઆરી 1938માં તે બંધ થઈ અને ફેબ્રુઆરી 1939માં ફરીથી શરૂ થયા પછી 1941માં પાછી બંધ થઈ. આ સંસ્થાએ વિવિધ વિષયોનાં કુલ 96 નાટકો ભજવ્યાં હતાં. તેમાં ‘ભક્ત પ્રહલાદ’, ‘મહાત્મા ભીષ્મ’, ‘વીર અભિમન્યુ’, ‘બાજીરાવ પેશ્વા’, ‘દગાબાજ દોસ્ત’, ‘કૃષ્ણ મુરારિ’, ‘વીર તાનાજી’, ‘રાવ બહાદુર’, ‘આર્ય રમણી’, ‘રણ કેસરી યાને હિપો ખુમાણ’ ઉલ્લેખનીય છે.

ધીરેન્દ્ર સોમાણી