ભટ્ટ, બળવંત (જ. 11 ફેબ્રુઆરી 1908; અ. 5 સપ્ટેમ્બર 1988) : ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ તસ્વીરકાર. મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની 1930માં ઝડપેલી તસવીર બાદ તેઓ બહોળી પ્રસિદ્ધિ પામ્યા. કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે છબીકલા અંગેનું ખૂબ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમના પિતા જીવણરામ ભટ્ટ અમદાવાદના સુપ્રસિદ્ધ વકીલ હતા. બળવંત ભટ્ટ ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા હતા. 1930થી 1939 દરમિયાન તેમણે પોતાના પિતા સાથે વકીલાત કરી હતી.

1939–40માં મુંબઈ રાજ્યમાં સિવિલ જજ તરીકે નિમણૂક થઈ હતી અને 1942માં દિલ્હી ખાતેના આર્મી હેડક્વૉર્ટર્સમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલા અને તેથી લેફ્ટેનન્ટ કર્નલની રૅંક પ્રાપ્ત થઈ હતી. છબીકલાનો શોખ તો ચાલુ જ હતો; તેથી દિલ્હીમાં ‘કૅમેરા સોસાયટી ઑવ્ દિલ્હી’ના અગ્રગણ્ય તસવીરકાર તરીકે નામના મેળવી હતી. 1960થી 1972 દરમિયાન તેમણે હાઇકૉર્ટમાં વકીલાત કરી હતી.

અમદાવાદ આવ્યા પછી ‘કુમાર કૅમેરા ક્લબ’ના સક્રિય સભ્ય તરીકે ઘણી પ્રવૃત્તિઓ કરી અને ‘નિહારિકા સોસાયટી’ના પ્રમુખ તરીકે જાણીતા અથવા ઊગતા અનેક કલાકારોને હંમેશ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહી તેમના ઊંડા જ્ઞાનનો અવારનવાર લાભ આપતા. તેઓ અનેક વિદ્યાકીય (academic) પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના સેક્રેટરી તથા ટ્રસ્ટી, વિદ્યાસભાના સભ્ય હોવા ઉપરાંત ભાગવત વિદ્યાપીઠ સાથે પણ સંકળાયેલા હતા. ગુજરાત ઇન્વેસ્ટર્સ ઍન્ડ શૅરહૉલ્ડર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપેલી.

ગુજરાત કૉલેજના પોતાના અભ્યાસકાળ દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇંડિયા’ની ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ની એક તસવીર-સ્પર્ધામાં ‘ચાકડા પર કામ કરતા દેશી કુંભાર’ની અદભુત તસવીર પ્રદર્શિત કરીને દ્વિતીય ઇનામ જીતી લાવ્યા હતા. છબીકલામાં ‘કૉમ્પૉઝિશન’ની ઊંડી સમજ હોવાને કારણે વિખ્યાત કલાવિવેચક કાર્લ ખંડાલાવાલા સાથે ગાઢ મૈત્રી બંધાઈ અને કલાવિવેચન અંગેનું સઘન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

‘કુમાર’ તથા અન્ય સાહિત્યિક સામયિકોમાં તેઓ નિયમિત લખતા હતા. અંગ્રેજી અને ગુજરાતી એમ  બંને ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા હોવાથી તેમનાં લખાણ દરેક પ્રકારના વાચકોને વિશેષ પસંદ આવતાં. તેઓ ઉત્તમ પ્રકારના કલાવિવેચક હતા. સ્વભાવમાં તર્ક-સંગત, સાત્વિક અને નિખાલસ વિચારસરણીથી તેમણે પોતાના જમાનાના અનેક જાણીતા તેમજ ઊગતા તસવીરકારોને હંમેશાં આકર્ષ્યા હતા. સુંદર સશક્ત વ્યક્તિત્વ, હસમુખો સ્વભાવ અને ‘પિક્ટોરિયલ છબીકલા’નું ઊંડું જ્ઞાન ધરાવતા બળવંત ભટ્ટે અચ્છા તસવીરકાર તરીકે છબીકલાને નવજીવન આપ્યું હતું.

ગુજરાત લલિત કલા અકાદમી તરફથી તેમનું ગૌરવ પુરસ્કાર આપીને સન્માન કરાયું હતું.

રમેશ ઠાકર