ભટ્ટ, નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929) : ગુજરાતી તખ્તાનાં અભિનેત્રી. નિહારિકા ભટ્ટે વિખ્યાત દિગ્દર્શક ચન્દ્રવદન ભટ્ટ સાથે 1946માં ‘સાહિત્ય સંસદ’ના ઉપક્રમે ભજવાયેલા કનૈયાલાલ મુનશી લિખિત ‘છીએ તે જ ઠીક’ નાટકથી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. અલબત્ત, ત્યારે તે નિહારિકાબહેન ભટ્ટ નહિ, પણ દિવેટિયા હતાં. માતા વસુમતીબહેન અને પિતા કમલકાન્ત દિવેટિયાને ત્યાં જન્મેલાં નિહારિકાબહેને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો છે.
શરૂઆતમાં તેમણે આઇએનટી દ્વારા પ્રસ્તુત ડાન્સ બૅલે ‘જય સોમનાથ’, ‘નરસૈંયો’ તથા ‘દુષ્કાળ’માં ભાગ લીધો. 1944માં તેમણે ‘અર્વાચીના’ નાટકમાં નૃત્યાંગના તરીકે ભૂમિકા ભજવી. 1949માં રજૂ થયેલા નાટક ‘લગ્નની બેડી’માં ચારેચાર સ્ત્રી-પાત્રો તેમણે ભજવ્યાં હતાં. મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આયોજિત નાટ્ય-સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો ‘છૂટાછેડા’ અને ‘મસ્તરામ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું.
તેમનાં અન્ય જાણીતાં નાટકોમાં ‘બહોત નાચ્યો ગોપાલ’, ‘તન મન ધન’, ‘આકાશ-કુસુમ’, ‘માસીબા’ વગેરેનો સમાવેશ થાય છે. જીવનપર્યંત તેમણે માત્ર ચંદ્રવદન ભટ્ટ સાથે જ નાટકોમાં કામ કર્યું. પરંતુ એક વાર વિષ્ણુકુમાર વ્યાસ સાથે ‘બારમો ચંદ્ર’ નાટકમાં કામ કર્યું હતું.
1947માં રજૂ થયેલી ફિલ્મ ‘શેણી-વિજાણંદ’થી તેમણે ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ‘મનુની માસી’, ‘મેંદી રંગ લાગ્યો’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘સત્યવાન-સાવિત્રી’ તથા ‘ચૂંદડી-ચોખા’ તેમની અન્ય જાણીતી ફિલ્મો છે.
તેઓ વડોદરા ખાતે મહદ્ અંશે નિવૃત્તિમય જીવન ગાળી રહ્યાં છે.
મહેશ ચંપકલાલ શાહ