ભટ્ટ, પરેશ (જ. જૂન 1950, જાંબાળા, જિ. જૂનાગઢ; અ. 14 જુલાઈ 1983, રાજકોટ) : ગુજરાતી સુગમ સંગીતના સમર્થ ગાયક, સ્વરકાર અને નિર્દેશક. પિતાનું નામ ચૂનીલાલ, જેઓ શિક્ષણાધિકારી તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કમલાબહેન, પત્નીનું નામ નીતાબહેન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. બાળમંદિરમાં ભણતા ત્યારે વિશ્વનાથ વ્યાસ પાસેથી ગીતો ગાવાનું શીખ્યા. આકાશવાણી રાજકોટના બાલસભાના કાર્યક્રમોમાં ગીતો ગાતા અને બાલનાટકોમાં અભિનય કરતા. રાજકોટની લોધાવાડની જાણીતી ગરબીમાં કંઠ આપી પ્રશંસા મેળવી. પિતાની કલાસૂઝને કારણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લીધું. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં વિજયાબહેન ગાંધી પાસે સંગીતની તાલીમ લીધી. પ્રાથમિક શિક્ષણ રાજકોટની બાર્ટન હાઈસ્કૂલમાં પૂરું કર્યા પછી સૂરતની હરિપરા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. 196566માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. ત્યારબાદ પ્રી-સાયન્સ સર પી. ટી. સાયન્સ કૉલેજ, સૂરત ખાતે; 1968માં નવસારીની બી. પી. બારિયા સાયન્સ કૉલેજમાંથી બી.એસસી. (પ્રાણીશાસ્ત્ર); 1972માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી. તથા 1977માં સૂરતની વી. ટી. ચોકસી કૉલેજ ઑવ્ એજ્યુકેશનમાંથી બી.એડ્., પ્રથમ વર્ગમાં સુવર્ણચંદ્રક સાથે પાસ થયા. 1980માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયનકલામાં સ્નાતકની પદવી મેળવી.

પરેશ ભટ્ટ

વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત પી. ટી. સાર્વજનિક કૉલેજમાં ડેમૉન્સ્ટ્રેટરના પદથી કરી હતી (1972). થોડોક સમય સૂરતની જીવનભારતી શાળામાં શિક્ષક તરીકે રહ્યા. 1978માં આકાશવાણી, અમદાવાદ કેન્દ્ર પર ટ્રાન્સમિશન એક્ઝિક્યૂટિવના પદ પર દાખલ થયા, જ્યાં યુવવાણી કાર્યક્રમોનું સંચાલન કર્યું અને તેમાં ઘણી નવીનતા દાખલ કરી. 1981માં રાજકોટ આકાશવાણી કેન્દ્ર પર પ્રોગ્રામ એક્ઝિક્યૂટિવ નિમાયા અને ત્યાં પણ ઘણા અભિનવ કાર્યક્રમો દાખલ કરવામાં સફળતા મેળવી. તે પૂર્વે 1973માં આકાશવાણી અમદાવાદવડોદરા કેન્દ્ર પર સુગમ સંગીતના ગાયક તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી અને ત્યારથી અવારનવાર આકાશવાણી પર તેમના ગાયનનું પ્રસારણ થતું હતું.

પરેશ ભટ્ટ સુગમ સંગીતના સારા ગાયક અને સ્વરનિયોજક હોવા ઉપરાંત એક સમર્થ રંગમંચ-અભિનેતા પણ હતા. તેમણે સંગીતની હરીફાઈઓમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં; દા.ત., 196366 દરમિયાન સતત ત્રણ વર્ષ સુધી તેમણે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા આયોજિત હળવા કંઠ્યસંગીતમાં પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ઉપરાંત, ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં 1973માં રાજ્યભરમાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે સૂરતના નિવાસ દરમિયાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવોમાં અને અમદાવાદ આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવોમાં હળવા કંઠ્યસંગીતમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. રંગમંચ-અભિનયમાં પણ તેઓ માહેર હતા. સૂરતના નિવાસ દરમિયાન તેમણે ‘જુગજુગનો અન્યાય’, ‘ટીક-ટીક-ટીક’, ‘હું-તું-તે’, ‘મહેકી ઊઠી ફૂલવાડી’ અને ‘ઘર, કબર અને સાગર’ જેવાં નાટકોમાં અભિનય કરીને પ્રશંસા મેળવી હતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં એકપાત્રી અભિનયની સ્પર્ધામાં તેમણે ઘણી વાર પ્રથમ સ્થાન અને ઇનામો મેળવ્યાં હતાં. તેમણે એકપાત્રી અભિનયમાં કર્ણનું જે પાત્ર ભજવ્યું હતું તેની ખૂબ પ્રશંસા થઈ હતી. સમાજશિક્ષણ સમિતિ, સૂરત નિર્મિત ‘હાલો તરણેતરને મેળે’ માહિતી-ફિલ્મના સંગીતમાં તેમણે કંઠ આપ્યો હતો. અમદાવાદની કૉલેજમાં ભણતા હતા ત્યારે ‘ખેલંદો’ નાટકમાં તેમણે કરેલ અભિનય યાદગાર બન્યો હતો. 1973માં યોજાયેલ રાજ્યસ્તરના યુવક મહોત્સવમાં સમૂહગીતની સ્પર્ધામાં તેમની ગાયક ટુકડીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમૂહગીતની બંદિશો પણ તેઓ બનાવતા જેમાં ભારતીય પદ્ધતિ અને પાશ્ર્ચાત્ય પદ્ધતિની સ્વરરચનાઓ વચ્ચે સુમેળ સાધવા માટે જરૂરી આવડત અને કસબ તેમનામાં હતાં.

સૂરત ખાતે ‘સ્વરમાધુરી’ સંસ્થાની સ્થાપના કરવામાં અને તેના સંચાલનમાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.

માત્ર 33 વર્ષની યુવાન વયે વીજળીનો કરંટ લાગવાથી તેમનું અવસાન થયું હતું. તેમની સ્મૃતિમાં તેમના વિશાળ ચાહક વર્ગે 1984માં એક સ્મૃતિગ્રંથ પ્રકાશિત કર્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે