ભટ્ટ, નારાયણ

January, 2001

ભટ્ટ, નારાયણ (ઈ. સાતમી સદી) : સંસ્કૃત નાટ્યકાર. એમના નામમાં રહેલું ભટ્ટ પણ એમનું બિરુદ છે. ભટ્ટ નારાયણની ઉપલબ્ધ રચના ‘વેણી-સંહાર’ નાટકની ‘પ્રસ્તાવના’માંથી એવી વિગત મળે છે કે એમને ‘મૃગરાજલક્ષ્મા’નું બિરુદ મળેલું છે. આનો અર્થ (1) બ્રાહ્મણશ્રેષ્ઠ, (2) જટાપાઠને ધારણ કરનાર બ્રાહ્મણ, (3) કવિશ્રેષ્ઠ છે. આ બંને બિરુદો તેઓ બ્રાહ્મણ હતા કે ક્ષત્રિય એ વિશે સંશય ઉત્પન્ન કરે છે. નાટકના અધ્યયનથી જણાય છે કે તેઓ સાંખ્ય વગેરે દર્શનો, નાટ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, પુરાણો, રાજનીતિ, વ્યાકરણ વગેરેના જ્ઞાતા છે. નવમી સદીમાં થયેલા વામન અને આનંદવર્ધન તેમના શ્લોકો ટાંકતા હોવાથી તેમનો સમય ઈ.સ. સાતમી સદીના ઉત્તરાર્ધથી ઈ.સ. આઠમી સદીના પૂર્વાર્ધનો છે. શાઙગધરની જેમ જલ્હણની ‘સૂક્તિમુક્તાવલિ’માં એમને નામે એક સુંદર પદ્ય છે. તેમાં રાત્રિનું સરસ વર્ણન છે. આના પરથી કવિને ‘નિશાનારાયણ’નું બિરુદ શાઙગધર દ્વારા મળ્યું છે.

તેમને વિશે મળતી અનુશ્રુતિ મુજબ બંગાળના પાલવંશના સ્થાપક રાજા આદિશૂરના નિમંત્રણથી કનોજના પાંચ બ્રાહ્મણોને બ્રાહ્મણ ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે બોલાવવામાં આવેલા. આ પાંચ વિદ્વાન બ્રાહ્મણોમાં ભટ્ટ નારાયણ મુખ્ય હતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના જ્ઞાની હતા.

નાટ્યકાર તરીકે ભટ્ટ નારાયણની કીર્તિ ફક્ત ‘વેણીસંહાર’ પર આધારિત છે. મહાભારતના યુદ્ધમાં દુ:શાસનની છાતી ચીરી અને દુર્યોધનની સાથળ ભાંગી તેના લોહી વડે દ્રૌપદીનો વર્ષોથી છૂટો રાખેલો ચોટલો બાંધવાની પ્રતિજ્ઞા ભીમ દ્વારા પૂરી થાય છે. તે વિશે છ અંકનું બનેલું આ વીરરસનું ગૌડી શૈલી અને દીર્ઘ સમાસોવાળું, અનેક સંધ્યંગોવાળું નાટક સંસ્કૃત નાટકોમાં અલગ તરી આવે છે. સુભાષિતસંગ્રહોમાં ભટ્ટ નારાયણે રચેલા કેટલાક શ્ર્લોકો મળે છે, જે ‘વેણીસંહાર’ નાટકમાં નથી. આથી તેમણે બીજું કોઈ નાટક કે કાવ્ય લખ્યું હોવાનો સંભવ છે. તેમણે ‘દશકુમારચરિત’ની બીજી પૂર્વપીઠિકા અને ‘જાનકીપરિણય’ નામનું નાટક રચ્યાં હતાં. તેમની હસ્તપ્રતો શોધવામાં આવી છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા