ભટ્ટ, જ્યોત્સ્ના

January, 2001

ભટ્ટ, જ્યોત્સ્ના (જ. 1940, માંડવી, કચ્છ) : ગુજરાતનાં સ્ત્રી-શિલ્પી અને સિરામિસ્ટ (ચિનાઈ માટીનાં પાત્ર-શિલ્પ બનાવનાર). વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1962માં તેમણે શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. 1965માં અને ’66નાં 2 વર્ષ દરમિયાન અમેરિકામાં ન્યૂયૉર્કની ‘બ્રુક્લિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ’માં સિરામિક્સનો વધુ અભ્યાસ કર્યો.  આ 2 વર્ષ દરમિયાન તેમને ‘વર્કિગ સ્ટુડન્ટ્સ સ્કૉલરશિપ’ પણ મળી. ભારત પાછાં આવીને 1966થી 1968ના ગાળા દરમિયાન યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ 2 વર્ષ અભ્યાસ કરી શિલ્પમાં પૉસ્ટડિપ્લોમા મેળવ્યો.

જ્યોત્સ્ના ભટ્ટની એક શિલ્પરચના : ખિસકોલી કૂંજો

તેમનાં શિલ્પ અને સિરામિક સર્જનોમાં પ્રાણીઓનો વિષય કેન્દ્ર-સ્થાને હોય છે. તેમાં ભૂંડ, બિલાડાં, કૂતરાં, સસલાં, દેડકાં, હરણાં, દીપડા, ખિસકોલીઓ ઇત્યાદિ પ્રાણીસ્વરૂપોના ઘાટ જોવા મળે છે. તેમની સિરામિક કૃતિઓમાં ઉપયોગિતાલક્ષી તેમજ સુશોભનલક્ષી એમ બેવડાં તત્વોનું મિલન જોવા મળે છે. ખિસકોલીનું સિરામિક ખિસકોલીના શોભનલક્ષી દેખાવ ઉપરાંત કૂંજા તરીકે પણ ઉપયોગી હોય છે.

1962માં તેમણે અમેરિકામાં ન્યૂ જર્સીની ગૅલરી ઍપલ, ન્યૂયૉર્કની ગૅલરી ઑવ્ ગ્રાફિક આર્ટ્સ તથા ત્યાંની બ્રુક્લિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલમાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. આ પછી 1989માં વડોદરાની વીથિ આર્ટ ગૅલરીમાં, 1992માં મુંબઈની સિમ્રોઝા આર્ટ ગૅલરીમાં તથા 1997માં નવી દિલ્હીની આર્ટ હેરિટેજ આર્ટ ગૅલરીમાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં.

આ ઉપરાંત જ્યોત્સ્ના બહેને 1960થી 1998 દરમિયાન આશરે વીસેક સામૂહિક પ્રદર્શનોમાં ભાગ લીધો. તેમાં મુંબઈની સિમ્રોઝા આર્ટ ગૅલરી, તાજ આર્ટ ગૅલરી, જહાંગીર આર્ટ ગૅલરી અને બૉમ્બે આર્ટ સોસાયટી, ભોપાલનું ભારત ભવન, નવી દિલ્હીની લલિત કલા અકાદમી, લલિતકલા સ્ટુડિયો અને ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી તથા અમદાવાદ અને સિંગાપુરનો સમાવેશ થાય છે. 1983માં તેમણે વડોદરાની ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ માટે સિરામિકથી 2 મ્યૂરલ બનાવ્યાં.

નવી દિલ્હી, અમદાવાદ, વડોદરા, ભોપાલ, મુંબઈ ઇત્યાદિ નગરોમાં તેમણે કાર્યશિબિરો (workshops) યોજી પોતાની કલાનાં નિદર્શનો પણ યોજ્યાં.

1971થી તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટ્ર્સમાં પૉટરી (કુંભકલા) અને સિરામિક્સનું શિક્ષણ આપે છે. તેઓ જાણીતા કળાશિક્ષક, ચિત્રકાર અને ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટનાં પત્ની છે.

અમિતાભ મડિયા