ભટ્ટ, જ્યોતિ માનભાઈ

January, 2001

ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી.

ભાવનગરના અભ્યાસકાળ દરમિયાન તેઓ ગુજરાતના વિખ્યાત કલાગુરુ રવિશંકર રાવળના તથા નારાયણ શ્રીધર બેન્દ્રેના પરિચયમાં આવ્યા. રવિશંકર રાવળ દ્વારા સ્થાપિત માસિક ‘કુમાર’ દ્વારા વિવિધ પ્રદેશની લોકકલાઓ કારીગરી તેમજ વિવિધ સાંપ્રત લલિતકલાસ્વરૂપોના પરિચયમાં તેઓ આવ્યા. સામાજિક સુધારણા અર્થે રવિશંકર રાવળ સ્થાપિત ‘ગુજરાત કલાસંઘ’ જે પોસ્ટરો તૈયાર કરતો તેમાં અર્થસભર અક્ષરલેખન પણ થતું. દા.ત., દહેજનિષેધ અથવા મદ્યનિષેધનાં પોસ્ટરો. જ્યોતિભાઈ આ પ્રકારના સમાજોપયોગી કલાપ્રકારથી પ્રભાવિત થયા. તેમને આવું કામ કરવું પણ ગમતું હતું. 1950માં જ્યોતિભાઈ વડોદરામાં નવી સ્થપાયેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટર્સમાં જોડાયા. તેઓ એ રીતે સંસ્થામાં પ્રવેશ મેળવનાર પ્રથમ વિદ્યાર્થીજૂથમાંના એક હતા. તેમણે 1956માં પોસ્ટ ડિપ્લોમા પછી પણ બીજાં ત્રણ વર્ષ (1959 સુધી) પ્રા. માર્કન્ડ ભટ્ટ, પ્રા. નારાયણ શ્રીધર બેન્દ્રે, પ્રા. કે. જી. સુબ્રમણ્યન્ તથા પ્રા. શંખો ચૌધરી નીચે તાલીમ મેળવી. વડોદરાના આ અભ્યાસકાળ દરમિયાન તેમણે ભાવનગર પંથકના ભરતકામનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું તથા મહુવા, શિહોર, વડોદરા તથા તેની આજુબાજુનાં સ્થળોનાં તળપદાં ભીંતચિત્રોનો પણ અભ્યાસ કર્યો.

નવી સ્થપાયેલી રાષ્ટ્રીય લલિતકલા અકાદમીનો પ્રથમ ‘ગોલ્ડ પ્લૅક’ 1956માં જ્યોતિભાઈને મળ્યો. આ સન્માન ફૅકલ્ટીના અભ્યાસના ચોથા વરસ દરમિયાન શરૂ કરેલી અને પછીના વરસે પૂરી કરેલી ‘કૃષ્ણલીલા’ નામની કૃતિ માટે મળ્યું હતું. તેમાં ચિત્રના સ્થિર ફલકમાં જ સમયનું તત્વ દર્શાવ્યું છે. સમય સાથે વહેતી કથા કહી છે. તેમાં ભારતીય પરંપરાગત લઘુચિત્રશૈલી ઉપરાંત સૌરાષ્ટ્રનું ભરતકામ તથા ચાંદોદ, શિહોર અને મહુવાનાં ભીંતચિત્રોનો પ્રભાવ છે. ચિત્રિત પાત્રની ઓળખ સ્પષ્ટ કરવા માટે કૌશલ્યા, સીતા અને ઊર્મિલા જેવાં નામ આકૃતિની બાજુમાં અંકિત થતાં હોય છે. આવા લખાણમાં માત્ર લિપિના સંકેતાર્થનું નહિ પણ રેખાગત આકારનું મહત્વ રહે છે. એવા ચિત્રમાં દર્શક પોતાને અજાણી એવી લિપિનું આલેખન જોતાં એને રેખાંકનની રીતે જ ગ્રહે છે. એના માટે તો તે મીઠાઈ પરના વરખ જેવું જ બની રહે છે. એવા ચિત્રમાંનું લખાણ વાંચી અને ઉકેલી ન શકનાર પણ લખાણના ર્દશ્ય સ્વરૂપને તો જોઈ માણી શકે જ છે; વળી, ‘શું લખ્યું હશે ?’ – એમ કલ્પના કરવા પણ પ્રેરાય છે.

1957થી 1959 દરમિયાન ‘બૉમ્બે આર્ટ સોસાયટી’ના તેમજ ઉજ્જૈનના ‘કાલિદાસકલા પ્રદર્શન’નાં સન્માનો તેમને મળ્યાં છે. આ સમય દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલયની ‘કલ્ચરલ સ્કૉલરશિપ’ પણ તેમને મળી હતી. 1963માં રાષ્ટ્રીય પુરસ્કાર (L. K. A.) તથા મુંબઈ આદ સોસાયટીનો રૌપ્ય પદક મળ્યો હતો.

1959થી 1992 સુધી 33 વરસ તેમને માતૃસંસ્થા ‘ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ’માં જ શિક્ષણ પ્રદાન કર્યું અને કલાના વિદ્યાર્થીઓને તાલીમ આપી અનેક નામી તથા અનામી કલાકારોના ઘડતરમાં ફાળો આપ્યો.

1950થી 1966 સુધીનાં વર્ષોમાં જ્યોતિભાઈએ એક કલાકાર તરીકેની ઉત્ક્રાંતિનો પ્રથમ મુખ્ય તબક્કો પૂરો કર્યો. આ દરમિયાન તેઓ અનુક્રમે કૉલકાતા, મુંબઈ અને દિલ્હીમાં શરૂ થયેલ આધુનિક ભારતીય, ઘનવાદી અને અમૂર્ત તબક્કાઓમાંથી પસાર થયા. 1966ના જુલાઈમાં અમેરિકાથી પાછા આવ્યા બાદ તેમની કલાએ પૂર્ણ વિકસિત સ્વરૂપ ધારણ કર્યું, જે મહદંશે ભારતીય લોકકલા, કારીગરી, પૉપ આર્ટ અને નવતાંત્રિક કલા પર તથા અન્ય સ્થાનિક ર્દશ્યસામગ્રી પર આધારિત રહ્યું છે.

વિદ્યાર્થી તરીકે મુદ્રણક્ષમ કલા(graphics)માં તેમણે બતાવેલો ઉત્સાહ 1968 સુધીમાં તેમને તે માધ્યમના ટોચના નિષ્ણાત ગણાવા સુધી દોરી ગયો. 1961–62 દરમિયાન ઇટાલીની સરકારની સ્કૉલરશિપ હેઠળ તેઓ નેપલ્સમાં ચિત્ર અને ઇન્ટાલ્યો (intaglio – મુદ્રણક્ષમ કલાની ચાર મુખ્ય શાખાઓમાંની એક) શીખ્યા. આ પછી 1964–66માં તેમને ફુલબ્રાઇટ તથા જે. ડી. આર. સ્કૉલરશિપો મળી અને ન્યૂયૉર્કની ‘પ્રાટ ઇન્સ્ટિટ્યૂટ’માં કામ કરી ઇન્ટાલ્યોના વિવિધ પ્રકારોમાં નૈપુણ્ય મેળવ્યું. આ ઉપરાંત મુદ્રણક્ષમ કલાની સિલ્કસ્ક્રીન પ્રિન્ટિંગ શાખામાં ફોટોગ્રાફિક પદ્ધતિનો ઉપયોગ કરતા અનેક પ્રયોગો કર્યા, જે ભારતીય સંદર્ભમાં તો અપૂર્વ જ ગણાય.

1970માં ‘ઇન્ટરનૅશનલ પ્રિન્ટ બાયેનિયલ’ ફ્લૉરેન્સનો ગોલ્ડ મેડલ તેમને મળ્યો.

લોકકલા અને આદિવાસીકલામાંનો જ્યોતિભાઈનો જીવંત રસ તેમને 1967 પછી તે કલાઓના નિયમિત ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ તરફ દોરી ગયો. આ માટે તેમણે ગુજરાતના અને ગુજરાત બહારના અનેક અંતરિયાળ વિસ્તારોમાં તેમના મિત્રો (સ્વ.) ભૂપેન્દ્ર કારિયા તથા પ્રા. રાઘવ કનેરિયા સાથે પુષ્કળ હાડમારીઓ વેઠી રઝળપાટ કરી. ફોટોગ્રાફી ક્ષેત્રે ભારતમાં જવલ્લે જ જોવા મળતા અખતરાઓ કરી નવી-નવી ક્ષિતિજો ઉઘાડવાના પ્રયત્નો કર્યા. વડોદરામાં અનેક ફોટોગ્રાફરોને તેમણે આ દિશા તરફ જોતાં શીખવ્યું અને પોતે દેશના ટોચના કલાત્મક ફોટોગ્રાફરોમાં સ્થાન મેળવ્યું. 1978માં ફોટોકીના(જર્મની)ની WORLD PHOTO CONTESTમાં  ટોચનો(દસ-સમાંતર માંથી) પુરસ્કાર તથા 1989માં UNESCO PHOTO CONTEST (JAPAN) For Asia & Pacific GRAND PRIZE મળ્યું હતું.

પ્રથમ મુદ્રણક્ષમ કલામાં અને પછી ફોટોગ્રાફીમાં રસ વધતાં વધુ સમય આપવો પડતો હોઈ 1970 પછી તેમનું ચિત્રો ચીતરવાનું કાર્ય ઓછું થઈ ગયું.

જ્યોતિભાઈનાં ચિત્રો તેમજ મુદ્રણક્ષમ કલાકૃતિઓમાં એક પ્રોફાઇલ સ્વરૂપે (બાજુમાંથી દેખાતો હોય તેવો) માનવ ચહેરો વારંવાર જોવા મળે છે. આંખ, કાન, ભ્રમર અને વાળ જેવી વિગતની ગેરહાજરીવાળો આ ચહેરો સપાટ હોય છે અને કૃતિમાં તેનો જે રીતે ઉપયોગ યોજાયો હોય છે તે જોતાં તે કોઈ એક વ્યક્તિવિશેષ નહિ પણ સર્વસામાન્ય માનવજાતનો ચહેરો બની રહે છે.

તેઓ એમની કૃતિઓમાં દર્શકની સક્રિય ભાગીદારીને ઉત્તેજન આપવાના ખ્યાલ સાથે કામ કરતા રહ્યા છે અને તે માટે અવનવા નુસખા પણ શોધતા રહ્યા છે.

તેમનાં પત્ની જ્યોત્સ્ના ભટ્ટ પણ શિલ્પી અને ચિનાઈમાટીની પાત્રકળાનાં નિષ્ણાત તરીકે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ‘ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ’માં હાલમાં ‘શિલ્પ અને સિરામિક’ વિભાગમાં અધ્યાપન કરે છે.

અમિતાભ મડિયા