ભટ્ટ, તૌત (ઈ.સ. 960થી 990 દરમિયાન હયાત) : ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર ટીકા લખનારા કાશ્મીરી આલંકારિક આચાર્ય. તેઓ આચાર્ય અભિનવગુપ્તના ગુરુ હતા. સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ અભિનવગુપ્તે તેમની પાસે કર્યો હતો. ભટ્ટ તૌતે ‘કાવ્યકૌતુક’ નામનો રસ વિશેનો ગ્રંથ રચ્યો છે, જે હાલ અનુપલબ્ધ છે. અભિનવે તેના પર વિવરણ લખ્યું છે. ‘કાવ્યકૌતુક’માં શાન્ત રસને તેમણે શ્રેષ્ઠ ઘોષિત કર્યો છે. મોક્ષફળરૂપ હોવાથી અને પરમ પુરુષાર્થનિષ્ઠ હોવાથી શાંત રસ સર્વ રસોમાં પ્રધાનતમ છે. પોતાના ગુરુ ભટ્ટ તૌતનો ઘણે ઠેકાણે ‘લોચન’માં અભિનવ ઉલ્લેખ કરે છે.

ક્ષેમેન્દ્ર, હેમચંદ્ર, માણિક્યચંદ્ર વગેરે તેમનો ઉલ્લેખ કરે છે. ભટ્ટ તૌતે કાવ્ય અને નાટ્ય બંનેમાં ‘રસ’ને સ્વીકાર્યો છે. તેમના મત પ્રમાણે રસસિદ્ધ કવિને માટે દર્શન અને વર્ણન બંને અનિવાર્ય છે. એ પછી જ કવિને ‘ઋષિ’પદની પ્રાપ્તિ થાય છે. રસપ્રતીતિ તથા પ્રૌઢ વર્ણનશૈલી દ્વારા કાવ્યમાં નિરૂપિત ઉદ્યાન, કાન્તા, ચંદ્રમા વગેરે પદાર્થો પ્રત્યક્ષવત્ સ્ફુટ થાય છે. કવિ, નાયક અને સહૃદય ત્રણેયનો રસ એક શ્રેણીનો થઈ જાય છે; અર્થાત્ ત્રણેયનું સાધારણીકરણ સિદ્ધ થાય છે. શ્રી શંકુકના મતનું પણ તેમણે ખંડન કર્યું છે. રસ વિશેનો તેમનો સિદ્ધાંત ‘અનુવ્યવસાયવાદ’ નામે ઓળખાય છે.

પારુલ માંકડ