ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ

January, 2001

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ (જ. 1904, સિસોદરા, જિ. ભરૂચ; અ. 11 નવેમ્બર 1988, મુંબઈ) : ઇતિહાસકાર, જીવનચરિત્ર-લેખક, નવલકથાકાર, શિક્ષક. તેમણે માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં લીધું. 1929માં વડોદરાની કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના સ્નાતક થયા. તેમના ઉપર રાજા રામમોહન રાય, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી વગેરેના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના વીસ વર્ષ સુધી સક્રિય સભ્ય રહ્યા બાદ તેમણે રણદિવેની નીતિ સામે તથા ચીની આક્રમણ (1962) સામે જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તેમણે 1931–32માં દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં અધ્યાપન કર્યા બાદ, શિનોરની હાઈસ્કૂલમાં તથા ગવાડાની હાઈસ્કૂલમાં આચાર્યપદે સેવાઓ આપી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળા-સમિતિના સભ્ય તરીકે તેમણે ઘણા સુધારાલક્ષી કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદમાં તેઓ અભ્યાસવર્તુળની પ્રવૃત્તિમાં ચર્ચાસભાઓ યોજતા, જેમાં 15થી 20 મિત્રો નિયમિત હાજરી આપતા હતા.

1932થી 1984 દરમિયાન તેમનાં 70 જેટલાં પુસ્તકો પ્રગટ થયાં, તેમાં (1) ‘શિક્ષણ-ચિંતન’, (2) ‘નૂતન-શિક્ષણ’ અને ‘નૂતન મનોવિજ્ઞાન’, (3) ‘જીવન-જ્યોતિર્ધરો’, (4) ‘જીવન-પથદીપિકા’, (5) ‘વિશ્વ-ઇતિહાસની રૂપરેખા’, (6) ‘મધ્યયુગના જ્યોતિર્ધરો’, (7) ‘સૉક્રેટીસ અને પ્લેટો’, (8) ‘યુદ્ધચક્ર’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ‘દરિયે દવ લાગ્યો’ (1935), ‘ચિંતાની વેદિ પર’ (1936), ‘ડોકિયું’ (1936) અને ‘ભઠ્ઠી’ (બી. આ., 1987) જેવી નવલકથાઓ, ‘શ્રમણ બુદ્ધ’ (1933) અને ‘ગૌતમ બુદ્ધ’ (1955) જેવાં ચરિત્રો અને ‘પુરુષાર્થની પ્રતિમાઓ’ જેવાં નાટકો પણ આપ્યાં છે.

રિખવભાઈ શાહ