ભટ્ટ, ઉદયશંકર

January, 2001

ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી ! કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય દ્વારા બી.એ. અને પંજાબમાં શાસ્ત્રીની અને કૉલકાતામાં કાવ્યતીર્થની પદવી માટે અભ્યાસ કર્યો. તેમણે અધ્યાપનકાર્યનો આરંભ લાલા લજપતરાય કૉલેજ–લાહોરથી કર્યો. તે પછી ત્યાંની જ ખાલસા કૉલેજ ને સનાતન ધર્મ કૉલેજ વગેરેમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું; એ જ ગાળામાં ‘અસહયોગ ઔર સ્વરાજ્ય’ (1921–22) તથા ‘ચિત્તરંજન દાસ’ નાટકો લખ્યાં અને ભજવ્યાં. સ્વાતંત્ર્ય-ચળવળમાં પણ તેઓ સક્રિય રહ્યા. આઝાદી આવ્યા પછી આકાશવાણીમાં નિયામક અને પરામર્શક તરીકે રહ્યા. કવિ, નાટ્યલેખક તથા નવલકથાકાર તરીકે ખ્યાતનામ. આખ્યાનકાવ્યના કવિ તરીકે સર્વપ્રથમ ‘તક્ષશિલા’ (1929) આપ્યું. તે પછી ‘રાકા’ (1931), ‘માનસી’ (1935), ‘વિસર્જન’ (1936), ‘યુગદીપ’ (1939), ‘અમૃત ઔર વિષ’ (1939) અને ‘યથાર્થ ઔર કલ્પના’ કાવ્યસંગ્રહો આપ્યા. ખંડકાવ્ય ‘વિજયપથ’(1948), (1950)માં છાયાવાદી ભાવુકતાની અસર ઊપસી આવી છે. ‘અન્તર્દર્શન’(1958)માં રાવણ, રામ અને સીતા પરત્વેનું તેમનું ચિંતન પ્રસ્તુત થયું છે.

તેમણે ઐતિહાસિક નાટક ‘વિક્રમાદિત્ય’(1930)માં પશ્ચિમની સંઘર્ષપ્રધાન નાટ્યશૈલીનો પ્રયોગ કર્યો છે અને ‘દાહર’ અથવા ‘સિંધુપતન’(1932)માં દુ:ખાંત શૈલીનો. ત્યારપછી ઐતિહાસિક નાટકો ‘મુક્તિપથ’ (1938) અને ‘શકવિજય’(1953)માં પશ્ચિમનો સ્વચ્છંદતાવાદ ઊપસી આવે છે. પૌરાણિક નાટકો ‘અંબા’ (1933) અને ‘સાગરવિજય’(1934)માં પુરુષના અહંભાવ તથા નારીવિદ્રોહનું ચિત્રણ છે. સામાજિક નાટકો ‘કમલા’ (1936) તથા ‘અન્તહીન અન્ત’(1937)માં નારીની બૌદ્ધિક જાગૃતિનું નિરૂપણ છે; છતાં આખરે તો વિવશતા જ પ્રગટ થઈ છે. ‘ક્રાંતિકારી’ (1954), ‘નયા સમાજ’ (1955) અને ‘પાર્વતી’(1960)માં ક્રમશ: યુવાનોનો વિદ્રોહ, જમીનદારીપ્રથાનો વિરોધ અને એક પાશ્ચાત્ય સભ્યતાથી મોહાંધ એક અર્ધશિક્ષિત નારી પરનો કટાક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, તેમની સાહિત્યિક પ્રતિભા ગીતિનાટકો ‘મત્સ્યગંધા’ (1934), ‘વિશ્વામિત્ર’ (1935) અને ‘રાધા’(1936)માં ઊપસી આવી છે. આમાં સવિશેષ પુરુષ પ્રત્યેના નારી-વિદ્રોહનાં ચિત્રો જ છે. ‘અશોકવનબન્દિની’ (1959) ચાર પદ્યનાટકોનો સંગ્રહ છે. તેમના એકાંકીસંગ્રહો છે ‘સ્ત્રી કા હૃદય’, ‘આદિમ યુગ’ (1947) ‘ધૂમશિખા’ (1948), ‘પર્દે કે પીછે’ (1950), ‘અન્ધકાર ઔર પ્રકાશ’, ‘સમસ્યા કા અંત’ (1952) તથા ‘આજ કા આદમી’ (1960). તેમાં પૌરાણિક, ઐતિહાસિક તથા સામાજિક પ્રતિષ્ઠા અંગેની સમસ્યાપ્રધાન તથા હાસ્યપ્રધાન કૃતિઓ પણ છે.

ઉદયશંકરની નવલકથાઓ છે : ‘વહ જો મૈંને દેખા’ (1940–45) જેનું પાછળથી પુનર્નામાંકન થયું ‘એક નીડ, દો પંછી’, ‘નયે મોડ’ (1956), ‘સાહિત્ય કે સ્વર’ ‘સાગર’, ‘લહરેં ઔર મનુષ્ય’ (1956), ‘લોક-પરલોક’ (1958), ‘ડૉ. શેફાલી’, ‘શેષ અશેષ’ (1960). દો અધ્યાય (1962) તેમનો નિબંધસંગ્રહ છે.

સમગ્રતયા ઉદયશંકરના વ્યક્તિત્વમાં પ્રાચીન પ્રત્યેનો અનુરાગ અને નવીનનું આકર્ષણ અને તેથી એ બંનેનો સમન્વય જોવા મળે છે. વળી ઐતિહાસિકતા અને રાષ્ટ્રીય પ્રવાહનાં ચિત્રો પણ તેમની કૃતિઓમાં જોવા મળે છે.

રજનીકાન્ત જોશી