ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ

January, 2001

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં અમેરિકાની ખૂબ જાણીતી સંસ્થા મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કૅમ્બ્રિજમાં દાખલ થઈ ત્યાંથી S. M.-(Civil Engg.)ની અનુસ્નાતક પદવી મેળવી.

ઉપેન્દ્ર જીવરામ ભટ્ટ

1933માં MITમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તુરત ભાવનગર રાજ્યમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા. ભાવનગર રાજ્યના વર્ષ 1934–48 સુધીના સમયમાં ભાવનગર શહેરને તે સમયે સારી ગણી શકાય તેવી ગટર-વ્યવસ્થા, વૉટર-ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગૌરીશંકર તળાવ (જે બોર તળાવ તરીકે જાણીતું છે.)માં ત્રણગણું પાણી આવી શકે તેવી વ્યવસ્થા મળી. ગૌરીશંકર તળાવમાં વધુ પાણી  આવી શકે તે માટે નવા કૅચમેન્ટ-બેઝિનને તે તરફ વાળીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રૉજેક્ટમાં તેમણે તે વખતના ભારતના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાની સલાહ લીધી હતી. વર્ષ 1948માં દેશી રાજ્યોનું વિલીનીકરણ થતાં સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું. ત્યારે તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય ઇજનેર બન્યા.

સ્વતંત્રતા પહેલાંના સૌરાષ્ટ્ર પ્રદેશમાં નહેરો દ્વારા સિંચાઈની વ્યવસ્થા નહિવત્ હતી. ભાવનગર શહેર સિવાય આધુનિક ગટરવ્યવસ્થા અને વૉટર-ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હતા; મોટા ધોરી માર્ગો પણ ન હતા. સૌરાષ્ટ્ર રાજ્ય થતાં બંધો, નહેરો, ગટરો, પાણી-પુરવઠાયોજનાઓ અને પાકા રસ્તાઓનું કામ મોટા પ્રમાણમાં શરૂ થયું. 10,000થી વધુ વસ્તીવાળાં બધાં શહેરો માટે પાણી અને ગટરવ્યવસ્થાનું આયોજન; રાજકોટ–ભાવનગરના 560 કિમી.ના સિમેન્ટ રસ્તા અને 33 પુલો; રાજકોટનો આજી ડૅમ, વાંકાનેર–મોરબીનો મચ્છુ ડૅમ–1, પાલિતાણાનો શેત્રુંજી ડૅમ, જેતપુરનો ભાદર ડૅમ, જામનગરનો સસોઈ ડૅમ, હળવદ પાસેનો બ્રાહ્મણી ડૅમ વગેરે મોટા સિવિલ એન્જનિયરિંગ પ્રકલ્પો તેમનાં નવ વર્ષના (1948–57) કાર્યકાળ દરમિયાન થયા.

વર્ષ 1957માં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું. તેઓ દ્વિભાષી રાજ્યના પણ મુખ્ય ઇજનેર અને જૉઇન્ટ સેક્રેટરીના હોદ્દા પર નિમાયા. રાજ્યના 2,000 કિમી. લાંબા દરિયાકિનારા પરનાં 12 મધ્યમ કદનાં અને 16 મોટાં બંદરોનું આધુનિકીકરણ, ભાવનગર બંદર પર કાંપથી થતું પુરાણ અટકાવવા માટે બંધાતા ખાસ ડિઝાઇનના ‘લૉકગેટ’, મુંબઈના મરીન ડ્રાઇવ પરના આશરે 1,000 મીટર લંબાઈના કિનારાનું ધોવાણ અટકાવવા માટે મૂકવામાં આવેલા ખાસ આકારના ‘ટેટ્રૉ પૉડ્ઝ’ વગેરે કાર્યો તેમણે 1957–60 દરમિયાન પાર પાડ્યાં.

વર્ષ 1960માં દ્વિભાષી મુંબઈ રાજ્ય ભાષાઆધારિત ધોરણે મહારાષ્ટ્ર અને ગુજરાત – એમ બે જુદાં જુદાં રાજ્યોમાં વહેંચાયું. તેઓ ગુજરાત રાજ્યમાં પણ 1960–63 સુધી મુખ્ય ઇજનેર અને જૉઇન્ટ સેક્રેટરી તરીકે રહ્યા. તે દરમિયાન તેમણે ગુજરાત રાજ્યના પાટનગર માટેના સર્વગ્રાહી પ્રૉજેક્ટનું કામ શરૂ કર્યું. વર્ષ 1963માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ ઠીકઠીક સમય સુધી રાજ્યના મોટા પ્રકલ્પો સાથે તેઓ સંકળાયેલા રહ્યા; જેમાં વડોદરાની રિફાઇનરી, ફ્રેન્ચ કૂવા, નર્મદા–સૌરાષ્ટ્ર પાઇપલાઇન પ્રૉજેક્ટનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરવાનું કાર્ય વગેરેનો મુખ્યત્વે નિર્દેશ કરી શકાય.

તેમની કારકિર્દીની ખાસ વિશિષ્ટતા એ રહી કે તેમણે તેમની ઇજનેરી વ્યવસાયની શરૂઆત રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે કરી અને નિવૃત્તિ સુધી તે પદ શોભાવ્યું. વળી તેમને સિવિલ એન્જિનિયરિંગનાં રસ્તા, પુલો, બંધો, નહેરો, પાણી-પુરવઠા-યોજનાઓ, ગટર-વ્યવસ્થા, બંદરોનાં બાંધકામ જેવાં અનેક ક્ષેત્રોમાં ટોચના અધિકારી તરીકે કામ કરવાનો અવસર મળ્યો અને તે તેમણે યશસ્વી રીતે પાર પાડ્યો.

મુખ્ય ઇજનેર તરીકેનાં 34 વર્ષના દીર્ઘકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઇજનેરી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા, અનેકના અધ્યક્ષપદે રહ્યા અને અનેક સંસ્થાઓ તરફથી બહુમાન મેળવ્યું. તેઓ તેમનાં કાર્યમાં ઉદ્યમી અને ખંતીલા હોવા ઉપરાંત સારા લેખક અને સારા વક્તા પણ હતા.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ