ભટ્ટાચાર્ય, ભવાની (જ. 22 ઑક્ટોબર 1906, ભાગલપુર, બિહાર) : જાણીતા બંગાળી લેખક અને નવલકથાકાર. પટણા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ વધુ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા. પટણા યુનિવર્સિટી તેમજ લંડન યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1949–50માં તેમણે વૉશિંગ્ટનમાં ભારતની એલચીકચેરી ખાતે પત્રકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1950–52 દરમિયાન તેમણે મુંબઈના ‘ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ના મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં ભાગ લેવા તથા બ્રિટિશ કાઉન્સિલ, રશિયાના લેખકોના યુનિયન તેમજ ઑસ્ટ્રેલિયા અને પશ્ચિમ જર્મનીની સરકારોના અતિથિ તરીકે વિદેશોનો તેમજ ભારતમાં વ્યાપક પ્રવાસ ખેડ્યો. ન્યૂઝીલૅન્ડ યુનિવર્સિટીનો ‘પ્રેસ્ટીઝ ઍવૉર્ડ’ પણ તેમને મળ્યો હતો (1962).
1949માં તેમની પ્રથમ નવલકથા ‘સો મૅની હંગર્સ’ પ્રગટ થતાંની સાથે તેમને પ્રસિદ્ધિ મળી હતી. તેમની અન્ય મુખ્ય નવલકથાઓમાં ‘મ્યૂઝિક ફૉર મોહિની’, (1952) ‘હી હૂ રાઇડ્ઝ એ ટાઇગર’ (1954) અને ‘એ ગૉડેસ નેમ્ડ ગોલ્ડ’(1960)નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓના ભારતીય તેમજ વિદેશની ઘણી ભાષાઓમાં અનુવાદ કરાયા છે. તેમના પર ટાગોર અને ગાંધીનો ખૂબ જ પ્રભાવ હતો. 1962માં ચીને ભારત પર કરેલા આક્રમણની પશ્ચાદભૂમિકા ધ્યાનમાં રાખીને તેમણે ચાલુ પ્રશ્નોને લગતી ‘શૅડો ફ્રૉમ લડાખ’ નામની નવલકથા પ્રગટ કરી (1966). આ નવલકથા માટે તેમને 1967ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959–60 દરમિયાન તેઓ ટાગોર કૉમેમરેટિવ વૉલ્યૂમ સોસાયટીના સેક્રેટરી તથા ભારત સરકારના શિક્ષણમંત્રી હતા. 1969–70 દરમિયાન તેઓ હૉનલૂલૂ, હવાઈમાં ‘ધી ઈસ્ટ-વેસ્ટ સેન્ટર’ ખાતે સિનિયર ફેલો નિમાયા હતા. 1970–72 દરમિયાન હવાઈ યુનિવર્સિટી(1973)માં અને 1975માં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમણે કામગીરી કરી હતી. ‘ગાંધી ધ રાઇટર’ (1969) નામનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું છે. અંગ્રેજી ભાષામાં લખતા જૂજ ભારતીય લેખકોમાંના તેઓ એક અગ્રણી લેખક છે.
બળદેવભાઈ કનીજિયા