ભટ્ટાચાર્ય, બિનોયતોષ

January, 2001

ભટ્ટાચાર્ય, બિનોયતોષ (જ. ) : ભારતીય મૂર્તિશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીમાંથી ભારતીય સંસ્કૃતિની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં મૂર્તિશાસ્ત્રના રિસર્ચ સ્કૉલર તરીકે નિમાયા. ત્યાં તેમની તેજસ્વી મેધા ઝળકી ઊઠી અને પોતાના કાર્યના ફળ રૂપે એક વિસ્તૃત ગ્રંથ ‘બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી ઑવ્ ઇંડિયા’નું તેમણે લેખન-સંપાદન કર્યું; પરંતુ એથી પણ મહત્વનું પ્રદાન તો તેમણે પોતાની નિમણૂક વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને ગાયકવાડ ઓરિયેન્ટલ સીરિઝના મુખ્ય સંપાદક તરીકે થઈ ત્યારપછી કર્યું. આ હોદ્દે વર્ષો સુધી તેઓ રહ્યા અને ઘણાં અગત્યનાં પુસ્તકોનું સંપાદન કર્યું. આ પછી તેઓ કૉલકાતાના ઇંડિયન મ્યુઝિયમના વડા નિમાયા. નેપાળના મહારાજાની મહેરબાનીથી કાઠમંડુ દરબારની લાઇબ્રેરીમાંથી કેટલીક હસ્તપ્રતો મેળવી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. તેવી જ રીતે કેમ્બ્રિજ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી પણ હસ્તપ્રતો તેમણે મેળવી.

બિનોયતોષનાં મહત્વનાં પુસ્તકોની યાદી આ પ્રમાણે છે : ‘સંસ્કૃત કલ્ચર ઇન અ ચેન્જિંગ વર્લ્ડ’, ‘ઇન્ટ્રોડક્શન ટૂ બુદ્ધિસ્ટ એસૉટેરિસિઝમ’, ‘સ્ટડીઝ ઇન ધર્મશાસ્ત્ર – પાસ્ટ ઍન્ડ પ્રેઝન્ટ’, ‘ધ જૈન આઇકોનૉગ્રાફી’, ‘ધ સારનાથ આલબમ’, ‘અ હિસ્ટરી ઑવ્ સારનાથ’, ‘ઇંડિયન ઇમેજિઝ’ (ભાગ 1 અને 2) તથા ‘ઇંડિયન બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી’.

પ્રિયબાળાબહેન શાહ

અમિતાભ મડિયા