ભટ્ટાચાર્ય, નવારુણ (જ. 1948, બહરામપુર, પશ્ચિમ બંગાળ) : બંગાળી કવિ, નવલકથાકાર અને રંગભૂમિના કલાકાર. તેમને ‘હર્બર્ટ’ નામની નવલકથા માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે 20 વર્ષ સુધી વિદેશી સમાચાર સેવામાં પત્રકાર તરીકે કામગીરી કરી. તેઓ પ્રયોગશીલ નાટ્યમંડળી ‘નવાન્ન’ના દિગ્દર્શક છે.
તેમણે 2 કાવ્યસંગ્રહો, 2 નવલકથાઓ તથા 2 વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હર્બર્ટ’ માટે તેમને પહેલાં દિલ્હી યુનિવર્સિટીના નૃસિંહદાસ પુરસ્કાર અને બંકિમ પુરસ્કાર અપાયા છે.
આ કૃતિમાં આલેખાયેલ સાંપ્રત સમયની સામાજિક સમસ્યાઓનું સાહસિક નિરૂપણ, રાજ્યવ્યવસ્થાનાં સ્થાપિત ધોરણો અને પદ્ધતિઓ પરત્વેનો ઉગ્ર આક્રોશ અને વિચારપ્રેરક માર્મિકતા માટે આ નવલકથા બંગાળી કથા-સાહિત્યમાં મહત્વની લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા