ભટ્ટાચાર્ય, બાસુ

January, 2001

ભટ્ટાચાર્ય, બાસુ (જ. 1934, મુર્શિદાબાદ; અ. 1997) : હિન્દી ચલચિત્રના નિર્માતા અને દિગ્દર્શક. જન્મ બ્રાહ્મણ કુટુંબમાં. કૉલકાતા અને બહેરામપુરમાં શિક્ષણ લીધું. વીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં જીવન સમર્પી દેવાનો સંકલ્પ કર્યો. મુંબઈ આવ્યા અને 1958માં ‘મધુમતી’ ફિલ્મના નિર્માણસમયે તેઓ બિમલ રૉયના સહાયક બન્યા. ‘સુજાતા’ના નિર્માણ વખતે પણ તેઓ તેમની સાથે હતા. 1966માં તેમણે ‘તીસરી કસમ’ ફિલ્મ સાથે સ્વતંત્ર ફિલ્મસર્જકની કારકિર્દીનો આરંભ કર્યો. આ ફિલ્મના નિર્માતા શૈલેન્દ્ર હતા. ‘તીસરી કસમ’ને રાષ્ટ્રપતિનો રજતચંદ્રક પ્રાપ્ત થયો; પરંતુ આ ફિલ્મ બૉક્સઑફિસ ઉપર નિષ્ફળ પુરવાર થઈ. 1971માં તેમણે પોતાની આરોહી કંપનીના નેજા હેઠળ ‘અનુભવ’ તૈયાર કરી. પુરુષ અને સ્ત્રીના પરસ્પરના સંબંધ ઉપર આધારિત આ ફિલ્મને આંશિક સફળતા મળી. ત્યારપછી તેમણે આ જ વિષય ઉપર 1975માં ‘આવિષ્કાર’ અને 1979માં ‘ગૃહપ્રવેશ’ બનાવી. ફિલ્મનિર્માણના નિમ્ન કક્ષાના વાતાવરણે તેમને ટેલિવિઝન પ્રત્યે દોર્યા. 1997માં બનેલી ‘આસ્થા’ તેમની અંતિમ ફિલ્મ હતી.

પીયૂષ વ્યાસ