ભગવત રસિક (જ. ઈ. સ. 1738; અ. –) : વિરક્ત પ્રેમયોગી સાધુ. એમના પૂર્વજીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નિંબાર્ક સંપ્રદાયના ટટ્ટી સંસ્થાનના ગાદીપતિ સ્વામી લલિતમોહિનીદાસના તેઓ શિષ્ય હતા. નિર્ભીક, નિસ્પૃહ, સત્યવાદી અને ત્યાગી મહાત્મા તરીકે એમની ખ્યાતિ પ્રસરી હતી. ઈ. સ. 1802માં સ્વામી લલિતમોહિનીદાસનું નિધન થતાં તેમના મુખ્ય શિષ્ય હોવાને નાતે ભગવત રસિક ગાદીના હકદાર હોવા છતાં તેમણે પોતાના એ અધિકારનો સ્વીકાર ન કર્યો. સાંપ્રદાયિક દૃષ્ટિએ પણ નિસ્પૃહતાનું વલણ અંગીકાર કર્યું હતું. તેમણે પોતાની એક રચનામાં પોતાનો પરિચય આપતાં લખ્યું છે –

અચરજ લલિતાસખી, રસિક હમારી છાપ,

નિત્યકિશોર ઉપાસના, જુગલ મંત્ર કૈ જાપ.

પરમાત્માના સ્વરૂપ વિશે એમણે ‘ચતુઃસંપ્રદાય’ (ભક્તિમાર્ગના દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને દ્વૈત અનુઃ સંપ્રદાયો)ની સીમાઓથી પર થઈને કહ્યું –

નાહીં દ્વૈતાદ્વૈત હરિ, નાહીં વિશિષ્ટાદ્વૈત ।

બંધૈ નહીં મતવાદમેં ઈશ્વર ઇચ્છા દ્વૈત ।।

એકાંતમાં રહીને ભજનમાં લીન રહેવું એ એમની દિનચર્યા હતી. એમની રચનાઓ ‘અનન્યનિશ્ચયાત્મક’ ગ્રંથમાં સંગૃહિત છે. જેમાં 125 પદ, છપ્પા, કવિત્ત, 83 કુંડલિયા, 53 દોહા અને એક ‘ધ્યાનમંજરી’નો સમાવેશ થયો છે. એમની વાણીમાં ભાવ અને કલા બંનેનો સમન્વય સરસ રીતે પ્રાપ્ત થાય છે. એમાં અલંકાર, લક્ષણા, વ્યંજના, માધુર્ય, ઓજ અને વ્યંગનો પુટ પ્રચુરમાત્રામાં પ્રાપ્ત થાય છે. એમનાં પદોમાં પ્રેમલક્ષણાભક્તિ સાથે વ્યાવહારિક જીવનઘડતરના ઉપાયો પણ સૂચવાયા છે. આચાર્ય રામચંદ્ર શુક્લે આથી રસિકને સચ્ચા પ્રેમયોગી મહાત્મા કહીને નવાજ્યા છે.

પ્રવીણચંદ્ર પરીખ