ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી આરંભી. તેમનાં ચિત્રોમાં ત્રિપરિમાણી ઊંડાણ અને પ્રકાશ-છાયા જોવા મળતાં નથી, તેથી તે દ્વિપરિમાણી સપાટ બની રહે છે; છતાં, તે ઋજુ રેખાઓ અને રંગો વડે નયનરમ્ય બની રહે છે. ગુજરાતના ગ્રામજીવનનાં શ્યો ઉપરાંત મુંબઈના નગરજીવનનાં શ્યો પણ આ પદ્ધતિએ તેમણે આલેખ્યાં છે. ઉપર્યુક્ત બે વિષયો પર તેમણે આજીવન કામ કર્યું. પરિણામે સૌરાષ્ટ્રનાં ભજનિકો ઉપરાંત મુંબઈની ચાલનાં શ્યો, લોકલ ટ્રેનની ગિરદી, ચોપાટી પર શ્રીમંતોનાં બાબાબેબી ફેરવતી અને એકબીજી સાથે કૂથલી કરતી આયાઓ જેવા ઘણાં રસપ્રદ શ્યો તેમનાં ચિત્રોમાં જોવા મળે છે. દેશવિદેશનાં ઘણાં શહેરોમાં વજુભાઈનાં ચિત્રો પ્રદર્શિત થયાં છે.

અમિતાભ મડિયા