ભગવતી, પી. એન. (જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. પિતા અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. માતાનું નામ સરસ્વતીબહેન. 1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખા ઇલાકામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1941માં બી.એ.ની પરીક્ષા પાસ થયા અને એક વર્ષ માટે એ કૉલેજના ફેલો નિમાયા (1941–42). ત્યારબાદ ગાંધીજીની હાકલને માન આપી ‘હિંદ છોડો’ આંદોલનમાં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. 1943માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1945માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ઍડ્વોકેટ(ઓ. એસ.)ની પરીક્ષા પાસ કરી મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંકસમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો.

દ્વિભાષી મુંબઈ રાજ્ય(1956–60)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, 1960માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. 1965માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. 1967માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ 1973માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ 1985માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર 1986માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.

પી. એન. ભગવતી

તેમણે તેમની ન્યાયાધીશ તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન મૂળભૂત અધિકારો, ન્યાયાધીશોની નિમણૂકો અને તેમની બદલીઓ, જેલવાસીઓનાં માનવીય ગૌરવ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો  આ અને તત્સંબંધી બાબતો અંગે પ્રગતિશીલ અભિગમ દર્શાવતા ચુકાદા આપ્યા છે અને તે દ્વારા ભારતમાં ન્યાય આપવા અંગેના અભિગમને નવો વળાંક આપ્યો છે. તેમણે માનવહકોનું એક વિધિશાસ્ત્ર ઊભું કર્યું છે અને ન્યાયની પ્રક્રિયામાં ગરીબો, અસહાય લોકો અને કચડાયેલા વર્ગો પ્રત્યે કાનૂનના દાયરામાં રહી હકારાત્મક વલણ અખત્યાર કર્યું છે. લોક-અદાલત, કાનૂની સહાય અને જાહેર હિતની વિવાદપદ્ધતિના તેઓ પ્રણેતા ગણાય છે.

ન્યાયમૂર્તિના પદ પરથી નિવૃત્ત થયા બાદ તેમણે ભારતની વિખ્યાત વૃત્તસંસ્થા ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના ‘ઑમ્બુડ્ઝમૅન’ તરીકે સેવાઓ આપી હતી. ઘણા દેશોના બંધારણના ઘડતરમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો છે તેમજ માનવહકોની બાબતમાં અનેક જાહેર સંસ્થાઓને તેઓ કાનૂની માર્ગદર્શન આપી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી પહેલાં જે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી જૂથ ગયેલું તેમાં અમેરિકાના હેન્રી કિસિન્જર અને બ્રિટનના લૉર્ડ કૅરિંગ્ટન સાથે ન્યાયમૂર્તિ ભગવતી પણ સામેલ હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવહક સમિતિના તેઓ ઉપાધ્યક્ષ છે, તેમજ રવાન્ડાના માનવસંહારની તપાસ માટે ખાસ નિમાયેલી સાત ખ્યાતનામ વ્યક્તિઓની આંતરરાષ્ટ્રીય પૅનલના તેઓ સભ્ય છે. ન્યાયમૂર્તિઓ અને કાયદાશાસ્ત્રીઓની સ્વતંત્રતા માટે રચાયેલ જિનીવા ખાતેના કેન્દ્રના પણ તેઓ અધ્યક્ષ છે.

1975–76ના કટોકટીકાળમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે માનવીના મૂળભૂત અધિકારો પર તરાપ મારતા કેન્દ્ર સરકારના જાહેરનામા અંગે તેમણે આપેલો ચુકાદો ચર્ચાસ્પદ નીવડ્યો હતો. ત્યારબાદ અન્ય કેટલાક ખટલાઓમાં કટોકટીને પણ ન્યાયાલયમાં પડકારી શકાય એવું સ્પષ્ટ મંતવ્ય તેમણે રજૂ કર્યું હતું.

ચિનુપ્રસાદ વૈ. જાની