ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી ઉપર સમૂહમાં આક્રમણ કરે છે.

આકૃતિ 1 (અ) : Dactylaria brochopagaના આકુંચિત પાશ તીર વડે દર્શાવવામાં આવ્યા છે, આ પાશ વડે સૂત્રકૃમિ પકડાયેલો જણાય છે.

શિકારી વર્તણૂક સરળ બનાવવા ભક્ષક પ્રાણીઓનાં સંવેદનાંગો વિવિધ રીતે અનુકૂલન પામેલાં હોય છે. લાલ પૂંછડીવાળાં બાજ જેવાં શિકારી પક્ષીઓની ર્દષ્ટિની તીક્ષ્ણતા ખૂબ હોય છે. તે ભક્ષ્યની શોધમાં આકાશમાં ખૂબ ઊંચે ઉડ્ડયન કરે છે. અંધારામાં રાત્રે ઘુવડ ઉંદરના ચાલવાથી થતા ખડખડાટને ધ્યાનપૂર્વક સાંભળે છે. કીટ-ભક્ષી ચામાચીડિયું, પ્રતિધ્વનિસ્થાન (echolocation) દ્વારા શિકાર કરે છે. તે ઊડતી વખતે વહાણના સોનારની જેમ ઊંચી આવૃત્તિવાળો સ્પંદિત ધ્વનિ ઉત્પન્ન કરે છે અને પ્રાપ્ત થયેલી સંવેદી માહિતીની મદદથી તે ભક્ષ્ય તરફ જાય છે. જલપક્ષી શ્વેત પેલિકનનું ટોળું અર્ધવર્તુળાકારે ગોઠવાઈને પાણીમાં પાંખો ઝડપથી ફફડાવે છે અને માછલીઓને છીછરાં પાણીમાં ધકેલે છે. જ્યાં તે સરળતાથી પકડાઈ જાય છે.

આકૃતિ 1 (આ) : Dactylaria candidaની કવકજાલમાં કેટલાક સૂત્રકૃમિઓ ફસાયેલા દેખાય છે.
કેટલાક આસંજક કંદુકો તીર વડે દર્શાવવામાં આવ્યા છે.

આકૃતિ 2 : કીટાહારી વનસ્પતિઓ : (અ) કળશપર્ણ (Nepenthes khasiana); (i) સ્વરૂપ, (ii) પર્ણ; (આ) મુખજાલી (drosera), (i) સ્વરૂપ, (ii) પર્ણનો અગ્ર પ્રદેશ, (iii) સૂત્રાંગનો ઊભો છેદ; (ઇ) વિનસ ફ્લાય ટ્રૅપ (Dionta); (ઈ) અર્કજ્વર (utricularia); (i) સ્વરૂપ, (ii) અતિવિભાજિત પર્ણ, (iii) કોથળી(પર્ણિકાનું રૂપાંતર)નો આડો છેદ; (ઉ) પિંગ્યુઇક્યુલા.

વનસ્પતિઓમાં કેટલીક ફૂગ પણ સૂક્ષ્મ પ્રજીવો, નાના સૂત્રકૃમિઓ કે કીટકોનું ભક્ષણ કરે છે. આવી મોટાભાગની ફૂગનો સમાવેશ ઝૂપેગેસી (વર્ગ – ઝાયગોમાયસેટિસ) અને મોનિલિયેસી (ડ્યુટેરોમાયસેટિસ) કુળમાં થાય છે. ઝૂપેગેસી કુળની ફૂગ સામાન્યત: અંત:જંતુક (endozoic) અને જંતુભક્ષી હોય છે. અંત:જંતુક ફૂગ મુખ્યત્વે પ્રજીવ સમુદાયનાં પ્રાણીઓ પર આક્રમણ કરે છે. બીજાણુઓ કાં તો યજમાનને ચોંટે છે અથવા તેનું અંત:ગ્રહણ (ingestion) થાય છે. જંતુભક્ષી ફૂગ ભૂમિનિવાસી (terricolous) અમીબાની જાતિઓનું ભક્ષણ કરે છે. કેટલીક મોટી ફૂગના મિસિતંતુ ચીકણા સ્રાવ દ્વારા ઇલવર્મને પકડે છે અને ચૂષકાંગોની મદદથી પકડાયેલા પ્રાણીના દ્રવ્યનું શોષણ કરે છે.

મોનિલિયેસી કુળની મોટાભાગની ભક્ષક ફૂગ સૂત્રકૃમિઓ ઉપર આક્રમણ કરે છે. Arthrobotrys, Dactylella અને Dactylariaની જાતિઓ ભક્ષણ સાથે સંકળાયેલી છે. શ્લેષ્મી કભકના પાશ (loop) અને જાલ, શ્લેષ્મી કંદુકો (knobs) કે શાખાઓ, અસંકોચનશીલ કવક–વલયો (hyphal rings) જેવાં અંગો દ્વારા જીવંત ભક્ષ્ય સ્વયં ફસાય છે.

ભક્ષણની ર્દષ્ટિએ જંતુભક્ષી કે કીટાહારી વનસ્પતિ(insectivorous plants)ને ક્યારેક માંસાહારી (flesh eating plants) તરીકે ઓળખવામાં આવે છે. આવી વનસ્પતિઓ નીલકણ ધરાવે છે. પરંતુ નાઇટ્રોજનયુક્ત ખોરાકના ભક્ષણ માટે કીટકો ઉપર આધાર રાખે છે. કીટકોને તે ફસાવે છે અને મારી નાખે છે. તેનાં શરીરનું નાઇટ્રોજનયુક્ત પ્રોટીન ઉત્સેચકોની મદદથી સાદા એમીનો ઍસિડમાં ફેરવાય છે અને તેનું શોષણ થાય છે. કળશપર્ણ- (Nepenthes)માં પર્ણનું રૂપાંતર કળશમાં થાય છે. તેની ઉપર ઢાંકણ આવેલું હોય છે. કળશમાં કીટકો પડતાં ઢાંકણ બંધ થાય છે અને તે મરી જતાં તેના શરીરમાં રહેલા પ્રોટીનયુક્ત પદાર્થનું પાચન કરે છે. અર્કઝવર (utricularia) મીઠા પાણીમાં ઊગે છે. તેનાં પર્ણો ફુગ્ગા જેવી રચના બનાવે છે, જેમાં કીટકો સપડાય છે.

મુખજાલી(drosera)નાં પર્ણો છત્રાકાર હોય છે. તેના પર ગ્રંથિમય રોમ આવેલા હોય છે. કીટકો પર્ણની સપાટી ઉપર બેસતાં ચોંટી જાય છે, પર્ણ બિડાઈ જાય છે. કીટકો મૃત્યુ પામે છે અને પ્રોટીનયુક્ત ખોરાકનું ઉત્સેચકની મદદથી પાચન થાય છે. વનસ્પતિ તેનું શોષણ કરે છે.

આ ઉપરાંત વિનસ ફ્લાય ટ્રૅપ (Dionata), એલ્ડ્રોવેન્ડા અને પિંગ્યુઈક્યૂલા જેવી કીટાહારી વનસ્પતિઓ પણ પ્રાણીનું ભક્ષણ કરે છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ