ભક્ના, સોહનસિંહ (જ. જાન્યુઆરી 1870, ખુત્રાખુર્દ, જિ. અમૃતસર; અ. 20 ડિસેમ્બર 1968) : ભારતીય ક્રાંતિકારી, અમેરિકામાં ગદર પક્ષના પ્રથમ પ્રમુખ. વતન ભક્ના ગામ પરથી ‘ભક્ના’ અટક રાખી. કુટુંબની સ્થિતિ સારી હતી. તેમની એક વર્ષની ઉંમરે પિતા કરમસિંહનું અવસાન થયું. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. માતા રામકૌર તેમને અભ્યાસ માટે બહારગામ મોકલવા તૈયાર ન હોવાથી વધુ શિક્ષણ મળ્યું નહિ. બાબા કેસરસિંહના નામધારી સંપ્રદાયમાં જોડાઈ 1896થી 1908 સુધી તેમાં કામ કર્યું.

સોહનસિંહ એપ્રિલ 1909માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ત્યાં સામાન્ય મજૂરીનું કામ કરવા લાગ્યા. ભારત સ્વતંત્ર દેશ ન હોવાથી ભારતના લોકોનું સ્વમાન અમેરિકામાં જળવાતું નહિ, તેમનું અપમાન થતું, એવો તેમને વારંવાર અનુભવ થયો. હોટલો, રેલવે, બગીચા, થિયેટરો વગેરે ઠેકાણે તેમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો. આ પરિસ્થિતિ દૂર કરાવવાના તેમના પ્રયાસો સફળ થયા નહિ. ભારતવાસીઓને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાયું. તેથી કેટલાક ભારતીયોએ નવેમ્બર 1913માં સાનફ્રાંસિસ્કોમાં હિંદી એસોસિયેશન ઑવ્ અમેરિકાની સ્થાપના કરી. સોહનસિંહ તેના એક સ્થાપક હતા અને તેના પ્રથમ પ્રમુખ પણ બન્યા. આ સંસ્થાએ ‘ગદર’ નામનું મુખપત્ર પ્રગટ કરવા માંડ્યું. તેથી પાછળથી આ સંસ્થા ગદર પક્ષ તરીકે ઓળખાવા લાગી. તેનું મુખ્ય મથક ‘યુગાંતર આશ્રમ’ તરીકે ઓળખાતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં લાલા હરદયાળે અમેરિકા છોડીને જતા રહેવું પડ્યું. ત્યારથી સોહનસિંહે પોતાની નોકરી છોડીને ગદર પક્ષ માટે બધો સમય આપવા માંડ્યો. તેથી આ ચળવળને વેગ મળ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના દુશ્મન રાજ્યનો ટેકો મેળવીને ભારતમાં સશસ્ત્ર બળવો કરવા અમેરિકાથી ભારતીયોને લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. કોમાગાતા મારુ નામની સ્ટીમરમાં જતા ભારતીયોમાં ક્રાંતિનો સંદેશો ફેલાવવા ગદર પક્ષે સોહનસિંહને મોકલ્યા. તેઓ પોતાની સાથે મુસાફરોને આપવા શસ્ત્રો પણ લઈ ગયા. પાછળથી તેમણે જહાજ બદલ્યું અને ‘નામસંગ’ જહાજમાં કલકત્તા પહોંચ્યા ત્યારે બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી. તેમને પ્રથમ લુધિયાણા અને પછી મુલતાનની જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન પ્રથમ લાહોર કાવતરા કેસમાં તાજના સાક્ષી બનવા તેમના ઉપર ઘણું દબાણ લાવવા છતાં, પોતાના સાથીઓને દગો દેવા તેઓ કબૂલ થયા નહિ. ખાસ ટ્રિબ્યૂનલે સોહનસિંહને મૃત્યુદંડની સજા કરી, પરંતુ લૉર્ડ હાર્ડિન્જે તેમાં ઘટાડો કરીને આજીવન કેદની સજા કરી. તેમને આંદામાનની જેલમાં મોકલીને અસહ્ય યાતના આપવામાં આવી. જેલના અધિકારીઓનાં દુષ્ટ કૃત્યોના વિરોધમાં તેમણે અનેક વાર ભૂખહડતાળ કરી. 1921માં તેમને ભારત લાવવામાં આવ્યા અને 16 વર્ષની કેદની સજા ભોગવ્યા બાદ જુલાઈ 1930માં તેમને મુક્ત કરવામાં આવ્યા. લોકોએ તેમના સત્કાર–સમારંભો યોજી બહુમાન કર્યું.

થોડા સમય બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને સવિનય કાનનૂભંગની ચળવળમાં ભાગ લીધો. ત્યારબાદ તેઓ કિસાન સભાની પ્રવૃત્તિમાં સક્રિય થયા. 1934ના અરસામાં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયા. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) શરૂ થયા બાદ તેમની વારાણસીમાંથી ધરપકડ કરીને રાજસ્થાનમાં દેવલી કૅમ્પમાં અટકાયતમાં તેમને રાખવામાં આવ્યા. બે વરસ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1942માં અખિલ હિંદ કિસાન સભાના અધિવેશનના પ્રમુખપદે તેમને ચૂંટવામાં આવ્યા હતા, પરંતુ કિસાન સભાના અન્ય નેતાઓ સહિત તેમની પણ ધરપકડ કરવામાં આવી. તેમણે બધું મળીને વીસેક વરસ જેલમાં વિતાવ્યાં હતાં. તેમણે ‘જીવનસંગ્રામ’ પુસ્તક લખવા ઉપરાંત ગરીબી, દુ:ખ, જીવનનું ધ્યેય, યૌવન અને ભારતમાં સ્ત્રીઓ જેવા વિષય પર પંજાબી ભાષામાં પત્રિકાઓ પણ લખી હતી.

જયકુમાર ર. શુક્લ