ભક્ત જલારામ (જ. 4 નવેમ્બર 1799, વીરપુર; અ. 23 ફેબ્રુઆરી 1881, વીરપુર) : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સદાવ્રતી સંત. પિતા પ્રધાન ઠક્કર, માતા રાજબાઈ. જલારામને નાનપણથી જ રામનામસ્મરણ, સંતસેવા તરફ વિશેષ ખેંચાણ હતું. તેમનાં લગ્ન આટકોટના પ્રાગજી ઠક્કરનાં પુત્રી વીરબાઈ સાથે થયાં હતાં. લગ્ન પછી પિતાની દુકાને બેસવા લાગ્યા, પણ સાધુ-સંતો દુકાને આવે તેમને કંઈ ને કંઈ આપી દેતા. પિતાને જલારામનું આ વર્તન અપલક્ષણરૂપ લાગ્યું, તેથી પોતાનાથી જુદા કર્યા. ત્યારથી તેઓ કાકા વાલજી ઠક્કર સાથે રહેવા લાગ્યા અને તેમની દુકાન સંભાળવા લાગ્યા. અહીં પણ તેમનો સાધુસંતો પ્રત્યેના પરોપકારનો સિલસિલો ચાલુ રહ્યો. એક વાર જૂનાગઢ-સોમનાથની યાત્રાએ જતા સાધુઓની મંડળીને તેમણે દુકાનમાંથી એટલો બધો સામાન આપી દીધો કે તે લેવા આવેલો સાધુ ઉપાડી શક્યો નહિ. આથી પોતે એ સામાન ઊંચકીને મૂકવા ગયા. આ ઘટનાની કાકાને ખબર પડતાં તેમણે તપાસ કરી તો દુકાનનો માલસામાન યથાવત્ જણાયો અને ત્યારથી જલારામની ચમત્કારિક ને આધ્યાત્મિક શક્તિનો વીરપુરમાં સ્વીકાર થયો; જોકે આ ઘટના પછી જલારામનું દિલ સંસારમાંથી ઊઠી ગયું.
તેઓ મનની શાંતિ અર્થે યાત્રાએ નીકળી પડ્યા. તેમની ઉંમર કેવળ 18 વર્ષની હતી. ત્યારે યાત્રાધામોમાં બે વર્ષ સુધી ફરી, તેઓ પાછા વીરપુર આવ્યા અને તેમણે જુદો આશ્રમ સ્થાપ્યો. હવે પતિ-પત્ની બંને દિવસભર મહેનતમજૂરી કરી દાણા લાવતાં. તેમાંથી પોતાના જોગું વાપરી બાકીનું સંગ્રહ કરતાં. આમ ઠીક ઠીક અનાજ ભેગું થતાં તેઓ અન્નદાન કરવા તત્પર થયાં, પરંતુ આવું સદાવ્રત કાયમ રહે તે માટે ગુરુના આશીર્વાદ અને આજ્ઞા લેવાં અનિવાર્ય જણાયાં. તેથી અમરેલી પાસે ફતેહપુર જઈ ત્યાંના પ્રસિદ્ધ સંત ભોજા ભગત પાસે ગુરુદીક્ષા લઈ અન્નદાનની રજા માગી. ગુરુના આશીર્વાદ લઈ જલારામ વીરપુર આવ્યા અને વિ.સં. 1878(ઈ.સ. 1822)ના મહા સુદ બીજથી સાધુ-સંતો અને ગરીબગુરબાંઓ માટે સદાવ્રત ચાલુ કર્યું. એ વખતે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. તે જ વર્ષે કારમો દુષ્કાળ પડ્યો, ત્યારે જલારામ ભૂખ્યા અને દુખિયા લોકોનો વિસામો બની રહ્યા. રોગીઓ, અંધો, લકવાગ્રસ્ત અપંગો અને ખોડખાંપણવાળાઓ સાજા થવાની આશાએ તેમના આશીર્વાદ લેવા આવવા લાગ્યા. તેમની ભક્ત તરીકેની કીર્તિ પ્રસરતી ગઈ અને હવે સદાવ્રત માટે દાનનો પ્રવાહ પણ વહેવા માંડ્યો.
જલારામ અને વીરબાઈ આવનારા સાધુસંતોની સેવા કરતાં અને સતત રામનામ જપતાં. તેઓ સર્વને રામજીનું સ્વરૂપ ગણી સર્વાત્મભાવે અન્નજળ આપી તેમને સંતોષતાં. કોઈ ઉપદેશ માટે જલારામને આગ્રહ કરે તો તેમને દાન, દયા અને દીનતા રાખી પ્રભુભજન કરવાનો બોધ આપતા. લોકો હવે આ દંપતીને જલારામ-બાપા અને વીરબાઈમા તરીકે સંબોધતાં. તેમની સમાધિ જલારામની જગ્યાની સમીપમાં આવેલી છે. તેમને સંતાનમાં એક પુત્રી હતી. એનાં સંતાનોએ જલારામની જગ્યાનો ઉત્તરાધિકાર સંભાળી સદાવ્રતની પ્રવૃત્તિને અખંડપણે ચાલુ રાખી. આજેય તે ચાલુ છે.
વીરપુરમાં જલારામની જગ્યામાં ચાલતા સદાવ્રતમાં બે વખત ભોજન અપાય છે. આ જગ્યામાં રામજીનું મંદિર પણ છે, જેના એક ભાગમાં જલારામની પૂરા કદની છબીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં વીરબાઈમાને એક વૃદ્ધ મહાત્મા તરફથી પ્રાપ્ત થયેલ ઝોળી અને ધોકો સ્મૃતિ રૂપે સચવાયેલાં છે. જલારામની પૂરા કદની આરસમાંથી કંડારેલી મૂર્તિઓ ધરાવતાં મંદિરો ગુજરાતમાં અને ગુજરાત બહાર અનેક જગ્યાએ જોવામાં આવે છે. આમાંનાં કેટલાંક મંદિરોમાં ગરીબોને ભોજન આપવાનાં સદાવ્રતો પણ ચાલે છે.
પ્રવીણચંદ્ર પરીખ