ભક્તપુર : નેપાળના પાટનગર કાઠમંડુની ઘાટીમાં આવેલું નગર. તે કાઠમંડુથી 35 કિમી.ને અંતરે અગ્નિકોણમાં આવેલું છે. કાઠમંડુ ઘાટીમાં આવેલાં ત્રણ મુખ્ય સ્થળો પૈકીનું ભક્તપુર મધ્યકાલીન નગર છે. તાજેતરમાં તેનો ઘણો વિકાસ થયો હોવા છતાં તેની પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહેલી છે. સત્તરમી સદીનાં અહીંનાં સ્થાપત્યો અદભુત છે. પગે ચાલીને અહીંનાં મોટાભાગનાં જોવાલાયક સ્થળો જોઈ શકાય છે. કાઠમંડુના દરબાર-ચોક કરતાં અહીંનો દરબાર-ચોક મોટો છે તેમજ અહીં મંદિરો અને મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે. ભૈરવ અને ઉગ્રચંડીનાં શિલ્પો ભવ્ય અને અજોડ છે.

ભક્તપુરનો મુખ્ય ચોક તૌમઢી ટોલ છે, ત્યાંનું ન્યાટાપોલા સૌથી ઊંચું મંદિર છે. તે યાત્રાનું ધામ ગણાય છે. નજીકમાં પૉટર્સનો ચોક છે, ત્યાં ચિનાઈ માટીનું કામ થાય છે. અહીંથી પૂર્વમાં જૂના નગરની ગલીઓ જોવા જેવી છે. તચુપલ ટોલ ત્યાંનું મુખ્ય સ્થળ છે અને અહીં હુન્નરકલા દર્શાવતાં સંગ્રહાલયો છે.

ભક્તપુર જવા માટે કાઠમંડુથી બસ, લઘુબસ, કે ટ્રૉલીબસની સગવડ મળે છે. નેપાળની સફરે જનારાઓએ મંદિરો જોઈ લીધા પછી ત્યાંના નિવાસીઓની રોજબરોજની જીવન-પ્રણાલીનો ખ્યાલ મેળવવા જેવો છે.

ગિરીશભાઈ પંડ્યા