બ્લો, સુસાન એલિઝાબેથ (જ. 1843, સેંટ લૂઈ, મિસૂરી; અ. 1916) : અમેરિકાનાં શિક્ષણકાર. નાનપણથી જ તેઓ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલાં હતાં. પ્રારંભથી તેમને જર્મન આદર્શવાદીઓની વિચારસરણી તથા પ્રવૃત્તિમાં ખૂબ રસ પડ્યો હતો. ફ્રેડરિક ફ્રૉબલની કૃતિઓ વાંચ્યા પછી 1873માં તેમણે સેંટ લૂઈમાં અમેરિકાની સર્વપ્રથમ સાર્વજનિક કિંડરગાર્ટન શાળાનો આરંભ કર્યો.
1874માં કિંડરગાર્ટન પદ્ધતિના શિક્ષકો માટે પણ શાળા શરૂ કરી. તેમની આ શિક્ષણ-ઝુંબેશને ખૂબ ઉમળકાભર્યો આવકાર સાંપડ્યો અને આ શિક્ષણપ્રથાનો ખૂબ ઝડપથી વિકાસ થયો. પરિણામે તેઓ ન્યૂયૉર્ક કિંડરગાર્ટન ઍસોસિયેશનની તેમજ ઇન્ટરનૅશનલ યુનિયનની સ્થાપના કરવા પ્રેરાયાં.
મહેશ ચોકસી