બ્લો, રાઇટર, ડેર : 1911માં મ્યુનિખમાં સ્થપાયેલ જર્મન અભિવ્યક્તિવાદી કલાજૂથ. વાસિલી કૅન્ડિન્સ્કી અને ફ્રાન્ઝ માર્ક તેના સ્થાપકો હતા. તેના અન્ય સભ્ય-કલાકારોમાં ઑગસ્ટ માકે, હિન્રીખ કૅમ્પેન્ડૉન્ક, એલેક્સી જૉલેન્સ્કી, પૉલ ક્લે તથા લિયોનલ ફિનિન્જર હતા. જર્મન ભાષામાં ‘બ્લૉ રાઇટર’નો અર્થ થાય છે : ‘ભૂરો અસવાર’. વાસિલી કેન્ડિન્સ્કીના આ જ નામના ચિત્ર પરથી આ જૂથનું નામકરણ થયું હતું.

ગૂઢ અધ્યાત્મ, ગણિત અને ભૌતિકશાસ્ત્રની મદદ વડે બ્રહ્માંડના અમૂર્ત સ્વરૂપને અરૂઢ રંગોમાં વ્યક્ત કરવાની આ જૂથની નેમ હતી. આ માટે જુદાં જુદાં સ્રોતોમાંથી પ્રેરણા મળી; તેમાં ગેટેનો રોમૅન્ટિક રંગ સિદ્ધાંત, જુગેન્સ્ટિલ તથા રુડોલ્ફ સ્ટિનરના વિચારો તથા રૉબર્ટ ડેલોનેના ચાક્ષુષ સિદ્ધાંતો મુખ્ય છે. આ જૂથે રેખા અને રંગોનો ઉપયોગ વર્ણનાત્મક શૈલી રૂપે નહિ, પણ ભાવોના ઉદ્દીપન (evocative) માટે કર્યો છે, જે તેની આગવી વિશેષતા અને સિદ્ધિ છે. આ કારણસર આધુનિક કલાના ઇતિહાસમાં બ્લૉ રાઇટર અનન્ય મહત્વ ધરાવે છે.

આ જૂથ દ્વારા મ્યુનિખમાં બે પ્રદર્શન યોજવામાં આવ્યાં : પહેલું 1911માં અને બીજું 1912માં. શૈક્ષણિક હેતુ માટે આ જૂથે 1911માં ડેર બ્લો રાઇટર ઍલ્મૅનેકનું પ્રકાશન કર્યું. તેમાં જૂથના કલાકારોના લેખો દ્વારા તત્કાલીન સંગીત, સાહિત્ય, કલા અને રંગમંચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 1913માં આ જૂથ દ્વારા ત્રીજું અને છેલ્લું  પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં જ આ જૂથનો અંત આવ્યો. ફ્રાન્ઝ માર્ક રણમોરચે લડતાં લડતાં મૃત્યુ પામ્યા અને કૅન્ડિન્સ્કી રશિયા ચાલ્યા ગયા.

અમિતાભ મડિયા