બ્લૉચ, ફેલિક્સ (જ. 23 ઑક્ટોબર 1905, ઝૂરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1983) : પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે ચોક્કસ પદ્ધતિઓ આપનાર ભૌતિકવિજ્ઞાની. તેમનું પ્રારંભિક વિદ્યાર્થીજીવન પણ ઝૂરિચમાં વીત્યું હતું. ત્યારબાદ તેમણે લીપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી.

ફેલિક્સ બ્લૉચ

1934માં તેઓ યુ.એસ. ગયા ત્યાં સુધીમાં યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં તેઓ અધ્યાપક રહ્યા. તેમણે કારકિર્દીનો મોટો ભાગ અમેરિકાની સ્ટાન્ફૉર્ડ યુનિવર્સિટીમાં ગાળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધના અંતભાગે તેઓ લૉસ એલ્મૉસ ખાતે પ્રથમ પરમાણુ-બૉમ્બના સંશોધનજૂથમાં જોડાયા હતા. 1954–55 દરમિયાન ફેલિક્સ બ્લૉચ, યુરોપિયન ઑર્ગેનાઇઝેશન CERN નામની પ્રસિદ્ધ પ્રયોગશાળાના પ્રથમ નિયામક બન્યા હતા. ભૌતિકવિજ્ઞાનમાં તેમનું સૌથી મહત્વનું પ્રદાન ‘બ્લૉચ પ્રમેય’ (Bloch theorem) કહેવાય છે. 1928ના અરસામાં તેમણે સ્ફટિકના આવર્તક પરમાણુ-વિભવ(periodic atomic potential)માં ગતિ કરતા ઇલેક્ટ્રૉન માટે શ્રોડિન્જર સમીકરણનો સૈદ્ધાંતિક ઉકેલ મેળવ્યો. તે દ્વારા તેમણે, આવા ઇલેક્ટ્રૉનની ઊર્જા માટે પ્રતિબંધિત (forbidden) તથા અપ્રતિબંધિત (allowed) સ્તરોના ઉદભવની સમજૂતી આપી. ત્યારબાદ તેઓ ઘન અને પ્રવાહી પદાર્થોમાં પરમાણુ-નાભિની ચુંબકીય વર્તણૂકના અભ્યાસ તરફ વળ્યા. તે દરમિયાન તેમણે નાભિકીય ચુંબકીય અનુનાદ(Nuclear Magnetic Resonance)ના વિશ્લેષણ માટેની સંવેદી રીતો શોધી કાઢી. આ સમગ્ર કાર્યને પરિણામે તેમને 1952ના વર્ષનું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક સંયુક્ત રૂપે મળ્યું હતું.

કમલનયન ન. જોશીપુરા