બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના (જ. 1831, યુક્રેન; અ. 1991) : જાણીતાં થિયૉસૉફિસ્ટ. તેમનાં લગ્ન એક રશિયન જનરલ સાથે કુમારાવસ્થામાં જ થયાં હતાં; પણ તે લગ્નજીવન ઝાઝું ટક્યું નહિ. પતિને ત્યજીને તેઓ પૂર્વના દેશોના પ્રવાસે નીકળી પડ્યાં અને ખૂબ વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1873માં તેઓ અમેરિકા ગયાં અને 1875માં ન્યૂયૉર્ક સિટીમાં હેનરી સ્ટીલ ઑલકોટના સહયોગથી થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી. ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને પોતાનું આ જીવનકાર્ય ભારતમાં આગળ વધાર્યું.
તેમની આધ્યાત્મિક શક્તિઓને વ્યાપક સમર્થન અને પ્રશંસા સાંપડ્યાં હતાં; પરંતુ સોસાયટી ફૉર સાઇકિકલ રિસર્ચની ઝીણવટભરી તપાસમાં તેમની આવી શક્તિઓને અનુમોદન મળ્યું ન હતું. જોકે આથી તેમના વિશાળ અનુયાયીવર્ગમાં કશો ફેર પડ્યો ન હતો. આ શિષ્યવૃંદમાં ઍની બેસન્ટનો પણ સમાવેશ થતો હતો.
મહેશ ચોકસી