બ્લૅની, જૉફ્રેનૉર્મન (જ. 1930, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : સામાજિક ઇતિહાસકાર. તેમણે મેલબૉર્ન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને એ જ યુનિવર્સિટીમાં આર્થિક ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1988થી તેઓ ત્યાં માનાર્હ પ્રાધ્યાપક બન્યા.

1966માં તેમણે ‘ધ ટિરની ઑવ્ ડિસ્ટન્સ’ નામનું પુસ્તક લખ્યું અને તેમાં ભૌગોલિક અલગતાએ ઑસ્ટ્રેલિયાની પ્રજા તથા તેના ઇતિહાસને અમુક ચોક્કસ  પ્રકારનો ઘાટ આપવામાં કેવો મહત્વનો અને નિર્ણાયક ફાળો આપ્યો છે તેનું સચોટ પૃથક્કરણ રજૂ કર્યું છે. તેમની મુખ્ય કૃતિઓ પૈકી ‘ટ્રાયમ્ફ ઑવ્ ધ નૉમૅડ્ઝ’ (1975) તથા ‘અ લૅન્ડ હાફ વન’ (1980) નામની બે કૃતિઓ દ્વારા ‘એ વિઝન ઑવ્ ઑસ્ટ્રેલિયન હિસ્ટરી’ નામની ગ્રંથત્રયીનું ભગીરથકાર્ય તેમણે પાર પાડ્યું. તેમનાં પુસ્તકો દ્વારા તો ખરું જ, પણ એ ઉપરાંત ‘ધ બ્લૅની વ્યૂ’ નામક ટેલિવિઝિન કાર્યક્રમ મારફત પણ તેઓ ખૂબ લોકપ્રિય બન્યા અને તેમણે એક વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો. ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરી આવવાના પ્રશ્ન અંગે વિવાદાસ્પદ મંતવ્યો વ્યક્ત કરવાથી તેઓ વધારે જાણીતા બન્યા.

મહેશ ચોકસી