બ્લૅક, યુજિન રૉબર્ટ (જ. 1898, આટલાન્ટા, કૅલિફૉર્નિયા; અ. 1992) : વિશ્વબૅંકના પ્રમુખ (1949–62). તેમણે જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે કારકિર્દીનાં પ્રારંભ કર્યો વૉલસ્ટ્રીટના એક બૅંકર તરીકે. 1947માં તેઓ વિશ્વબૅંકમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે જોડાયા. ઉત્તરોત્તર આગળ વધતાં, 1949માં તેઓ એ બૅંકના પ્રમુખ બન્યા.

વિશ્વબૅંકની સહાયનો ઝોક બદલવામાં તેઓ મુખ્ય પરિબળ બની રહ્યા. તેમના આગ્રહ અને પ્રયત્નોના પરિણામે જ બૅંકની સહાય યુદ્ધોત્તર પુનર્નિર્માણના બદલે આર્થિક વિકાસ તરફ અને તે પણ ખાસ કરીને ત્રીજા વિશ્વ માટે વાળવામાં આવી.

મહેશ ચોકસી