બ્લૅક બૉક્સ : વિમાનમાં મહત્વની માહિતી સંગ્રહતી નારંગી રંગની ચળકતી પેટી. દરેક વિમાની અકસ્માતના સમાચારમાં બ્લૅક બૉક્સનું નામ અવશ્ય ચમકે છે.

હકીકતમાં બ્લૅક બૉક્સ નામ જાદુગર જે કાળા રંગની પેટી રાખે છે તેના પરથી લેવાયું છે. તે પેટીમાં શું હોય છે તેની પ્રેક્ષકોને માહિતી નથી હોતી. તેવી જ રીતે ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રમાં જ્યારે વિકાસ થયો ત્યારે એવાં અનેક સાધનો બન્યાં, જેમાં અંદરની રચના વિશે સામાન્ય રીતે સૌને માહિતી ન હોય. આવાં સાધનોનાં બૉક્સ ‘બ્લૅક બૉક્સ’ તરીકે જાણીતાં થયાં. વિમાનની રચનામાં વપરાતા પ્રત્યેક ઇલેક્ટ્રૉનિક બૉક્સ શરૂઆતમાં કાળા રંગથી જ રંગાતાં તેથી પણ બ્લૅક બૉક્સ નામ વપરાવા લાગ્યું.

વિમાનનો પ્રવાસ વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસમાં બે મહત્વનાં સાધનો વિકસ્યાં છે. એક CVR અથવા Cockpit Voice Recorder અને બીજું F.D.R. અથવા Flight Data Recorder. વિમાની અકસ્માતમાં આ બે સાધનોમાં સંગ્રહાયેલી માહિતી અકસ્માતનું કારણ જાણવામાં અત્યંત ઉપયોગી હોઈ આ બે ઇલેક્ટ્રૉનિક બૉક્સ – બ્લૅક બૉક્સ તરીકે જાણીતાં છે. તેમને સહેલાઈથી શોધી શકાય/ઓળખી શકાય તે માટે આંતરરાષ્ટ્રીય નારંગી રંગથી (international orange) તેમને રંગવામાં આવે છે અને અંધારામાં ચમકે તેવી રૂપેરી પટ્ટી લગાડવામાં આવે છે; આમ છતાં તેમનું BLACK BOX નામ ચાલુ રહ્યું છે !

આ બંને બ્લૅક બૉક્સને એટલાં સુરક્ષિત બનાવાયાં છે કે 14,000 મીટર ઊંચેથી તે પડે, પાણીમાં 1,600 મીટર સુધી ઊંડે જાય કે 1,100° સે. જેટલા તાપમાન વચ્ચે પણ તેમાં સંગ્રહાયેલી માહિતી સુરક્ષિત રહે. CVR અને FDRમાં સંગ્રહાયેલી માહિતી ચુંબકીય પટ્ટી (magnetic tape) પર, એક સામાન્ય ટેપ રેકૉર્ડર પર જે રીતે અવાજ અથવા ગીતનું રેકૉર્ડિંગ થાય છે તે રીતે, અંકિત થાય છે. તે અખંડ પટ્ટી(endless loop)માં ગોઠવાયેલી હોય છે. તેમાં CVRમાં રહેલી પટ્ટી છેલ્લી 15 મિનિટની વાતચીત રેકૉર્ડ કરે છે. પાઇલટ-કો-પાઇલટ અને કંટ્રોલ-ટાવર વચ્ચે થતી વાતચીતનું રેકૉર્ડિંગ વિમાની અકસ્માતના વિશ્ર્લેષણમાં મદદરૂપ થાય છે.

આકૃતિ 1 : ઉડ્ડયન-વિગત/અવાજ નોંધતું યંત્ર

FDRમાં રહેલી પટ્ટી પર વિમાનના ઉડ્ડયનની જુદી જુદી વિગતો જેવી કે ઊંચાઈ, ગતિ, પ્રવેગ વગેરે; તેમજ એન્જિનની વિગતો જેવી કે શક્તિ, વિમાનના પંખાની ગતિ વગેરે દર સેકંડે નોંધાયાં કરે છે. FDRમાં છેલ્લાં 25 કલાકની માહિતી હોય છે અને પ્રત્યેક સેકંડે 64 વિગતોનું ધ્વનિમુદ્રણ (recording) થતું હોય છે.

આકૃતિ 2 : ઉડ્ડયન-વિગત નોંધતું યંત્ર

હવે નવા વિકસાવાયેલ CVR અને FDR ઘન અવસ્થા પદાર્થ (Solid State Chips) પર ધ્વનિમુદ્રણ થાય છે. CVRમાં છેલ્લા બે કલાકનું ધ્વનિમુદ્રણ મળે છે, જ્યારે FDRમાં 100 કલાક સુધીની માહિતી મળે છે. એક જ પેટીમાં બંને રેકૉર્ડિંગ હોય તેવાં સંયુક્ત (combined) રેકૉર્ડર પણ વિકસ્યાં છે.

આ સઘળાં રેકૉર્ડિંગ ખાસ પદ્ધતિથી થયાં હોઈ, તેમાં સંગ્રહાયેલ માહિતી પાછી મેળવવા માટે ખાસ પ્રકારના Data Retrieval Units હોય છે અને કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરી માહિતી મેળવાય છે. કમ્પ્યૂટરની મદદથી આ બંને માહિતી એકત્ર કરી વિમાનના ઉડ્ડયનની પ્રગતિ પ્રમાણે કેવી રીતે વાતચીત થતી હતી તે નક્કી કરી અકસ્માતનું વિશ્લેષણ થાય છે.

આ સાથેના ચિત્રમાં બંને પ્રકારનાં (Tape Solid State) રેકૉર્ડરની રચના બતાવી છે. પાણીમાં પડેલા રેકૉર્ડરને શોધી શકાય તે માટે જલાન્તર્ગત શોધ પ્રયુક્તિ (Under Water Locater Device) દરેક રેકૉર્ડરને લગાવાય છે. પાણીના સંપર્કમાં આવતાં જ આ પ્રયુક્તિ ઇલેક્ટ્રૉનિક સંકેત (signal) મોકલવા લાગે છે, જેને ખાસ સ્વીકારક (receiver) વડે પકડી શકાય છે. લગાતાર 30 દિવસ સુધી સંકેત મોકલી શકે તેટલી ક્ષમતા તેમાં રહેલ બૅટરીની હોય છે.

પ્રકાશ રામચંદ્ર