બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ

January, 2001

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ (જ. 1818, હૉમર, ન્યૂયૉર્ક; અ. 1894) : મહિલા-અધિકાર અને મહિલા-પોશાક-વિષયક સુધારાના અગ્રણી પુરસ્કર્તા. મહિલાઓ માટે સમાન હકની માગણીને વાચા આપવા તથા તે બાબતે જાગૃતિ લાવવા અને લોકમત કેળવવાના ઉદ્દેશથી તેમણે ‘ધ લિલી’ નામના અખબારની સ્થાપના કરી; 1849થી 1855 દરમિયાન તેમણે તેનું તંત્રીપદ સંભાળ્યું.

પોશાક-વિષયક સમાનતાના આગ્રહને કારણે તેઓ સ્ત્રીઓ માટે ખાસ ડિઝાઇન મુજબ બનાવેલા ટ્રાઉઝર જેવું ટ્રાઉઝર પહેરતા, જે પછી તેમના નામ પરથી ‘બ્લૂમર’ તરીકે ઓળખાવા લાગ્યું.

મહેશ ચોકસી