બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ

January, 2001

બ્લૂમબર્ગ, બરુચ સૅમ્યુલ (જ. 28 જુલાઈ 1925, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : ઈ. સ. 1976ના કાર્લેટોન ડી. જજડુસકે સાથેના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. તેમને ચેપી રોગોના ઉદભવ અને ફેલાવા અંગેની નવી ક્રિયાપ્રવિધિઓ (mechanisms) શોધવા માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ અમેરિકી તબીબ હતા અને 1946માં યુનિયન કૉલેજમાં અભ્યાસ કરીને સ્નાતક બન્યા. કોલમ્બિયા યુનિવર્સિટીની કૉલેજ ઑવ્ સર્જ્યન અને ફિઝિશ્યન્સમાંથી ઈ. સ. 1951માં તેઓ તબીબ બન્યા અને ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી જૈવરસાયણવિદ્યામાં પીએચ.ડીની પદવી હાંસલ કરી. તેમણે વિશ્વના પૂર્વ અને પશ્ચિમમાં આવેલા અનેક વિસ્તારોમાં ફરીને ભૌગોલિક તબીબી વિદ્યા(geographical medicine)માં ઘણું પ્રદાન કર્યું છે. તેમણે બી પ્રકારના યકૃતશોથ(hepatitis B)થી થતા ચેપી કમળા વિશે તથા તેને થતો અટકાવવા વિશે પ્રશંસનીય કાર્ય કર્યું છે. ન્યૂ ગિનીમાંના માનવમાંસાહારી (cannibalistic) આદિવાસીઓમાં થતા ‘કુરુ’ નામના રોગનું કારણ શોધી કાઢ્યું, જેને કારણે તેમને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

શિલીન નં. શુક્લ