બ્લૂમફિલ્ડ, લિયોનાર્દ (જ. 1887, શિકાગો; અ. 1949) : વિદ્વાન ભાષાશાસ્ત્રી. તેમણે હાર્વર્ડ, વિસ્કૉન્સિન અને શિકાગો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. અનેકવિધ શૈક્ષણિક કામગીરી બજાવ્યા પછી, 1921માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જર્મન ભાષા તેમજ ભાષાશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. 1927માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં જર્મેનિક વ્યુત્પત્તિશાસ્ત્રના અને 1940માં યેલ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર નિયુક્ત થયા.
ભાષાશાસ્ત્રને સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસવિષય બનાવવામાં તેમનું યોગદાન ખૂબ જ નિર્ણાયક રહ્યું. 1933માં પ્રગટ થયેલા ‘લૅંગ્વેજ’ નામક પુસ્તકમાં તેમણે ભાષા પરત્વે વર્તનવાદી અભિગમ અપનાવ્યો છે. તેમણે ભાષાશાસ્ત્રની ‘બ્લૂમફિડિયન’ નામે ઓળખાતી અને વર્તનવ્યવહારવાદ પર આધારિત નવતર અભ્યાસ-શાખા ઊભી કરી હતી અને તે 1950ના દશકા સુધી વિશેષ પ્રચલિત રહી હતી.
મહેશ ચોકસી