બ્લૂબર્ડ અભિયાન : વેનેઝુએલામાં જન્મેલા અમેરિકન ઇજનેર અબેન અવેલન (Aben Avellan) દ્વારા 2017માં સ્થાપિત એએસટી સ્પેસમોબાઇલ કંપનીનું અભિયાન (Mission) છે. તેનું ધ્યેય સામાન્ય મોબાઇલ ફોનના નેટવર્કને ઉપગ્રહ દ્વારા સાંકળવાનું છે. કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરની પહોંચ ન હોવાને કારણે સિગ્નલ મળતાં નથી અને મોબાઇલ ફોનની સંચારપ્રણાલી ઠપ્પ થઈ જવાની સમસ્યા ઊભી થાય છે. પ્રસ્તુત નેટવર્ક ઉપગ્રહ આધારિત હોવાથી તેને આ સમસ્યા નડતી નથી. આ માટે સામાન્ય સ્માર્ટફોનમાં કોઈ જ સુધારાવધારા કરવાની આવશ્યકતા રહેતી નથી. ભૂમિગત સંચારમાળખામાં જે વિસ્તારોમાં કોઈ પણ મોબાઇલ ટાવરનાં સિગ્નલ મળતાં ન હોય તે ‘ડેડ ઝોન’ તરીકે ઓળખાય છે. ડેડ ઝોનમાં સ્માર્ટ મોબાઇલ ફોનને ઉપગ્રહ દ્વારા સીધા જ સાંકળી લઈ તેને 4G/5G સિગ્નલ સાથે સંયોજિત કરે છે. આ માટે નિમ્ન ભૂ કક્ષામાં (Low Earth Orbit – LEO) સ્થાપિત સાઈઠ ઉપગ્રહોનું ઝૂમખું (Constellation) અંતરિક્ષમાં મોબાઇલ ટાવરની ગરજ સારે છે. અંતરિક્ષમાં ઝૂમખાના ઉપગ્રહો વચ્ચે સંપર્ક લેસર પુંજથી થાય છે. આ અભિયાનમાં અમેરિકાની મોબાઈલ નેટવર્કની સેવાઓ આપતી કંપનીઓ AT & T, વેરિઝોન અને વોડાફોનનો સહયોગ છે. ઉપગ્રહ પ્રક્ષેપણ માટે સ્પેસ એક્સ, બ્લૂ ઓરિજિન અને ઇસરો જેવી સંસ્થાઓનો સહકાર મળ્યો છે. ઇસરોના સહકાર માટે એએસટીની સમજૂતી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) સાથે થઈ છે. શરૂઆતમાં અમેરિકા, યુરોપ અને જાપાનને આવરી લેતા આ અભિયાનની સમગ્ર વિશ્વમાં ફેલાઈ જવાની નેમ છે.

સામાન્ય સ્માર્ટફોનને ઉપગ્રહ દ્વારા સાંકળતું નેટવર્ક
મોબાઇલ ટાવરની પહોંચની બહાર સ્માર્ટફોન જતાં જ તે આપોઆપ સેટેલાઇટ નેટવર્ક સાથે જોડાઈ જાય. ફોનના ઉપયોગમાં કશું બદલાતું નથી, પણ સિગ્નલ સેંકડો કિલોમીટર ઉપર પરિક્રમા કરતા ઉપગ્રહોમાંના એક ઉપગ્રહ સુધી પહોંચી જાય છે. ફોનમાંથી પ્રસારિત થતા નબળા સિગ્નલને ઝીલવા માટે નિમ્ન ભૂ-કક્ષાના ઉપગ્રહો પર વિશાળ ફેઝ્ડ ઍન્ટૅના એરે ગોઠવ્યા (Largest Phased Antenna Array) છે. ફોનના ઝીલેલા સિગ્નલને ઉપગ્રહ ભૂ-મથક (Ground Station) અથવા ગેટવે (Gateway) પર મોકલે છે. દરેક દેશ માટે એકાદ ગેટવેથી કામ સરી જાય છે. આ ગેટવે વ્યૂહાત્મક રીતે ગોઠવેલા હોય છે. લગભગ 27360 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા સિગ્નલના ગુણધર્મો થોડેઘણે અંશે બદલાઈ જાય છે જેને સુધારવાની ટૅક્નૉલૉજી એકાધિકારપ્રાપ્ત (Patented) ગેટવેમાં હોય છે, પરિણામે મોબાઇલને તો યોગ્ય સિગ્નલ જ મળે છે. અલબત્ત, ગેટવેથી ફોન સુધી પહોંચતાં સિગ્નલ નેટવર્ક અને તેના વિવિધ ઘટકોની મદદ લે છે. વિવિધ શ્રેણીના કેટલાક ‘બ્લૂબર્ડ’ ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને બાકીના સ્થાપિત કરવાની યોજના છે. આ માટે બ્લૂબર્ડ 1 – 5 શ્રેણીમાં 64.38 ચો.મીટર ફેઝ્ડ એરે ઍન્ટૅના છે. ત્યારપછીના બ્લૂબર્ડ ઉપગ્રહોમાં તેનાથી ત્રણગણા વધુ વિશાળ અને 10ગણી વધુ ડેટાક્ષમતા ધરાવતા ઍન્ટૅના છે. આ વિશાળ ઍન્ટૅના એરે સિગ્નલના અતિ કેન્દ્રિત પુંજ (Beam) ઉત્પન્ન કરે છે જેનાથી શક્તિશાળી અને ભરોસાપાત્ર જોડાણ થાય છે અને ભૂમિગત નેટવર્ક સાથે તેનું વ્યતિકરણ (દખલ – Interference) પણ નથી થતું.
આ ટૅક્નૉલૉજીને પુષ્ટિ આપવા માટે વર્ષ 2022માં ‘બ્લૂવોકર 3’ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. અલબત્ત, તે વાણિજ્યિક બ્લૂબર્ડ અભિયાનનો ભાગ ન હતો. બ્લૂબર્ડ 1 થી 5 (બ્લૉક 1 અથવા પ્રથમ પેઢી) ઉપગ્રહો સ્પેસએક્સ ફાલ્કન 9 રૉકેટ દ્વારા સપ્ટેમ્બર 2024માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. તેનાથી મર્યાદિત વિસ્તારમાં નેટવર્ક કાર્યરત થઈ ગયું છે. બીજી પેઢીનો (બ્લૉક-2) મોટો ઉપગ્રહ બ્લૂબર્ડ-6 ઇસરોના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શ્રીહરિકોટાથી LVM3 – M6 રૉકેટ દ્વારા 24 ડિસેમ્બર, 2025ના દિવસે પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આશરે 6.5 ટન દળ ધરાવતો આ ઉપગ્રહ ભારતે પ્રક્ષેપિત કરેલો સૌથી ભારે ઉપગ્રહ છે. આ ઉપગ્રહમાં વાણિજ્યિક ઉપગ્રહમાં સમાવિષ્ટ સૌથી વિશાળ એટલે કે 2400 વર્ગ ફૂટના ફેઝ્ડ એરે છે. 540 કિમીની નિમ્ન ભૂ-કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની ડેટાક્ષમતા તેની આગલી પેઢીના ઉપગ્રહો કરતાં 10 ગણી વધુ છે. 2026ના અંત સુધીમાં યોજના મુજબ બધા જ ઉપગ્રહો પ્રક્ષેપિત થઈ જશે અને મોબાઇલ ટાવર વગર મોટા વિસ્તારમાં નેટવર્ક કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા છે.
ચિંતન ભટ્ટ
