બ્લૂપ્રિન્ટ : મકાન કે અન્ય બાંધકામ માટેના તૈયાર કરેલ મૂળ નકશાની નકલ (copy). જેમ ફોટોગ્રાફર કોઈ વસ્તુ/વ્યક્તિનો ફોટો પાડી તેની નૅગેટિવ પરથી ચિત્ર તૈયાર કરે તેવી રીતે મૂળ નકશા પર ફોટોગ્રાફિક (પ્રકાશીય) અસરથી બ્લૂપ્રિન્ટ તૈયાર કરાય. સ્થપતિઓ, ઇજનેરો અને ડિઝાઇનરો પોતે તૈયાર કરેલ મૂળ નકશા પ્રમાણે કામ કરાવવા સંબંધિત કાર્યકર્તાઓને દિશાસૂચન-માર્ગદર્શન માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરીને આપે છે.

જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેવા ખાસ કાગળ કે કપડા પર પ્રથમ પેન્સિલ કે કાળી શાહીથી મૂળ નકશો દોરવામાં આવે છે. જે કાગળ પર પ્રિન્ટ ઝીલવાની (લેવાની) હોય તે કાગળ પર ફેરિક એમોનિયમ સાઇટ્રેટ અને પોટૅશિયમ સાઇનાઇડ જેવાં રાસાયણિક દ્રાવણોનું મૂળ પાતળું સ્તર આવેલું હોય છે. જ્યારે સૂર્યપ્રકાશમાં મૂળ પ્રિન્ટ નીચે રાસાયણિક દ્રાવણવાળો કાગળ ગોઠવવામાં આવે ત્યારે ઉપર્યુક્ત બંને રસાયણો પ્રકાશની અસર ઝીલતાં (photo-sensitive) હોઈ નીચેના કાગળમાં મૂળ પ્રિન્ટની અસર ઝિલાય છે. જ્યારે આ કાગળને ચોખ્ખા પાણીમાં બોળવા(ડબોળવા)માં આવે ત્યારે પેન્સિલ કે કાળી શાહીથી દોરાયેલી લાઇનો સિવાયનો ભાગ બ્લૂ (વાદળી) થઈ જાય અને દોરાયેલી લાઇનોનો રંગ સફેદ બની રહે છે એટલે તે જુદી તરી આવે છે. આ રીતે પ્રિન્ટ તૈયાર થાય છે.

આ રીતે પ્રિન્ટ તૈયાર કરવામાં  સૂર્યપ્રકાશ જરૂરી છે. વળી તે વધુ સમય લે છે. બીજી વિકસિત રીત એ એમોનિયા પ્રિન્ટની છે. આ રીતમાં સૂર્યપ્રકાશને બદલે અલ્ટ્રાવાયૉલેટ પ્રકાશ આપતી ટ્યૂબલાઇટનો ઉપયોગ થાય છે અને ફોટોસેન્સિટિવ-કાગળ પર એમોનિયાની વરાળ(amonia vapours)ની અસરને લીધે પ્રિન્ટ તૈયાર થાય છે. આ પ્રકારની પ્રિન્ટોને ‘બ્લૂપ્રિન્ટ’ ન કહેતાં ‘એમોનિયા પ્રિન્ટ’ કહે છે. આ રીત પ્રમાણમાં સહેલી અને ઝડપી છે; પરંતુ તે માટે ટ્યૂબલાઇટ સાથેનું એમોનિયા-વરાળ આપે તેવું ખાસ સાધન જરૂરી બને છે.

ઉપર્યુક્ત બંને રીતોની જગ્યાએ હવે ફોટોકૉપીઇંગની આધુનિક રીત બહોળા પ્રમાણમાં વપરાય છે. આ ક્રિયામાં પણ મૂળભૂત રીતે મૂળપ્રત(original print)ની ફોટોગ્રાફિક અસર ફરતા રોલ પર ઝિલાય છે અને તેની પ્રિન્ટ તેના સંસર્ગમાં રહેતા નીચેના કાગળ પર પડે છે. કાગળ પર પ્રિન્ટ પ્રમાણે શાહી (ink) લાગતાં પ્રિન્ટ મળે છે. આ રીત બહુ સહેલી અને ઝડપી છે. અલબત્ત, ફોટોકૉપીઇંગ મશીનની કિંમત બ્લૂપ્રિન્ટ અને એમોનિયા પ્રિન્ટ મશીનની સરખામણીમાં ઘણી વધારે છે, માટે જ્યારે વધારે પ્રમાણમાં નકલો (એક મૂળ પ્રિન્ટની વધુ નકલો કે અનેક મૂળ પ્રિન્ટોની નકલો) કાઢવાની હોય ત્યાં ફોટોકૉપીઇંગ મશીન બહોળા પ્રમાણમાં વપરાય છે. ઝેરોક્ષ કંપનીએ ફોટોકૉપીઇંગ મશીન બનાવતી પ્રથમ અને અગ્રેસર કંપની છે. ફોટોકૉપીઇંગ માટે વપરાતા ઝેરોક્ષ મશીનને લીધે ફોટોકૉપિંગની ક્રિયા ‘ઝેરોક્ષિંગ’ તરીકે ઓળખાતી થઈ ગઈ છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

સૂર્યકાન્ત વૈષ્ણવ