બ્લુમ, લિયો (જ. 9 એપ્રિલ 1872, પૅરિસ; અ. 30 માર્ચ 1950, જોઉ એન જોસાસ, ફ્રાંસ) : ફ્રાંસના સમાજવાદી રાજનીતિજ્ઞ અને દેશના પ્રથમ સમાજવાદી તથા પ્રથમ યહૂદી પ્રધાનમંત્રી.

1894માં કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. 1896થી 1919નાં વર્ષો દરમિયાન ‘કાઉન્સિલ ઑવ્ સ્ટેટ’માં તેઓ સરકારના કાનૂની સલાહકાર રહ્યા; સાથોસાથ વકીલાત શરૂ કરી. ફ્રાંસનાં વિવિધ સમાજવાદી જૂથોને જોડવાની મથામણ કરતા ‘સોશિયાલિસ્ટ યુનિટી’ જૂથમાં 1899માં તેઓ જોડાયા. 1904માં જ્યાં જોરેના નેતૃત્વવાળા ફ્રેંચ સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાયા. પક્ષના સામયિક ‘લા હ્યુમિનિતે’માં લેખો લખી તે દ્વારા તેમણે અહિંસક સુધારાવાદી ક્રાંતિની તરફેણ કરી. સમાજવાદી પ્રવૃત્તિઓના લગાવ છતાં એ સમયે તેઓ મુખ્યત્વે નાટકના વિવેચન અને લેખનની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે જ જાણીતા હતા. પક્ષના નેતા જ્યાં જોરેનું ખૂન થયા પછી પહેલા વિશ્વયુદ્ધ(1914–18)ની અનિવાર્યતાએ તેમને રાજકારણમાં દાખલ થવાની ફરજ પડી. 1919માં તેઓ દેશની સંસદના ‘ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ’માં ચૂંટાયા અને તે સાથે ‘મિનિસ્ટ્રી ઑવ્ પબ્લિક વકર્સ’માં પ્રવેશ્યા. આ રીતે તેમની જાહેરજીવનની કારકિર્દીનો આરંભ થયો. સામ્યવાદી પક્ષોના વિવિધ દેશોના સંગઠન ‘થર્ડ ઇન્ટરનૅશનલ’માં તેમણે રશિયાની ક્રાંતિના સ્વરૂપ અંગે પોતાનો અલાયદો મત વ્યક્ત કરી જણાવ્યું કે ઉપર્યુક્ત ક્રાંતિની વાત ફ્રાંસને લાગુ પાડી શકાય નહિ. ઉપરાંત સામ્યવાદી નેતૃત્વનો શ્રેણીસ્તૂપ જે રીતે રચવામાં આવતો તેની પણ તેમણે સખત ટીકા કરી અને ક્રાંતિના સાધન તરીકે યુદ્ધનો ઉપયોગ કરવાના વિચારને વખોડી કાઢ્યો. ડિસેમ્બર, 1920માં ફ્રાન્સના સામ્યવાદી પક્ષની કૉંગ્રેસમાં ભાગલા પડ્યા પછી 1921માં તેમણે જ્યાં જોરેના સિદ્ધાંતો પર આધારિત સમાજવાદી દૈનિક ‘લા પૉપ્યુલેર’ શરૂ કર્યું. ફાસીવાદ અને નાઝીવાદના ઉદયથી તેઓ સભાન હોવા છતાં તેમનો ર્દઢ વિશ્વાસ હતો કે આર્થિક નવરચના પછી આ વિચારસરણીઓની પીછેહઠ થશે.

લિયો બ્લુમ

1928ની ચૂંટણીઓમાં દેશના સમાજવાદી પક્ષોએ 104 બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. જોકે 1929ની ચૂંટણીમાં તેમણે વિજય મેળવ્યો. 1932માં તેમણે વિશ્વશાંતિ તથા ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણની તરફેણમાં અને બેકારીની વિરુદ્ધ પગલાં ભરવા માટે સમાજવાદી કાર્યક્રમની ભલામણ કરી, જેનાથી પૉપ્યુલર ફ્રંટની મજબૂત ભૂમિકા ઘડાઈ. 1932ની ચૂંટણીમાં તેમના પક્ષને ઘણો લાભ થયો. આ જ અરસામાં ઉદ્દામવાદી સમાજવાદી સરકારને સહકાર આપવાની તેમણે ના પાડી, છતાં 1934–35માં સમાજવાદી અને સામ્યવાદી પક્ષોની બનેલી સંયુક્ત મોરચાની સરકારમાં તેઓ જોડાયા અને ફ્રાંસના પ્રથમ સમાજવાદી પ્રધાનમંત્રી બન્યા. 1938માં પણ તેઓ ફરી વાર પ્રધાનમંત્રી બન્યા. તેમની આ સરકારે અનેક મજૂર-સુધારાઓ કર્યા, જેમાં 40 કલાકનું એક અઠવાડિયું રાખવા અંગેનો મહત્વનો સુધારો પણ હતો. આ જ અરસામાં ફ્રાંસમાં શસ્ત્ર-ઉદ્યોગનું તેમજ દેશની મધ્યસ્થ બૅંક બૅંક ઑવ્ ફ્રાંસનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1937ના જૂનમાં અસરકારક આર્થિક અંકુશો ઊભા કરવાની યોજનાના અભાવને કારણે તેમની અને પક્ષની લોકપ્રિયતામાં ઓટ આવતાં તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ દેશમાં નવી રચાયેલી સંયુક્ત સરકારમાં તેઓ ઉપપ્રધાનમંત્રી બન્યા. 1938માં ફરી તેમને પક્ષે વડાપ્રધાન તરીકે ચૂંટ્યા, પરંતુ તે પદ સ્વીકારવાનો તેમણે ઇન્કાર કર્યો.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેમણે ફ્રાંસના સંરક્ષણ-પ્રયાસોને ટેકો આપ્યો. સંયુક્ત મોરચાની વિચી સરકાર વિખેરી નાખવામાં આવ્યા બાદ ફ્રાંસની સલામતી સાથે ચેડાં કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ પુરાવાઓને અભાવે તેમના પર કામ ચલાવી શકાયું નહિ. શરૂઆતમાં ફ્રાંસમાં અને પછી જર્મનીમાં તેમને કેદ રાખવામાં આવ્યા, છતાં પત્રલેખન દ્વારા તેમણે વિચી સરકારનો વિરોધ જારી રાખ્યો. 1945માં યુદ્ધ પૂરું થતાં તેમને મુક્ત કરવામાં આવ્યા. 1946માં તેઓ અમેરિકા ખાતે ફ્રાંસના એલચી નિયુક્ત થયા અને ફ્રાંસના પુનર્નિર્માણ માટે 1,370,000,000 ડૉલરની લૉન મેળવી. 1946માં ફરી છ અઠવાડિયાં માટે તેઓ દેશની સરકારમાં જોડાયા. ત્યારબાદ ધીમે ધીમે તેમણે પોતાની રાજકીય પ્રવૃત્તિઓ સમેટવા માંડી અને શેષ જીવન તેમની જાગીર જોઉ એન જોસાસ ખાતે વિતાવ્યું.

રક્ષા મ. વ્યાસ