બ્લુમૅનબાક, જોહાન ફ્રેડરિક

January, 2001

બ્લુમૅનબાક, જોહાન ફ્રેડરિક (જ. 11 મે 1752, ગોઠા; અ. 22 જાન્યુઆરી 1840, ગૉટિનજૅન, જર્મની) : જર્મનીના મશહૂર દેહધર્મવિજ્ઞાની અને તુલનાત્મક શારીરિકી-નિષ્ણાત.

જોહાન ફ્રેડરિક બ્લુમૅનબાક

તેમનો પરિચય ભૌતિક માનવશાસ્ત્રના પિતામહ તરીકે પણ આપવામાં આવે છે. તેમણે સૌપ્રથમ માનવીની ખોપરીઓના તુલનાત્મક પરિમાણનો અભ્યાસ કરી તેને આધારે માનવજાતની વહેંચણી કૉકેશિયન, મૉંગોલિયન, ઇથિયોપિયન, મલાયન અને અમેરિકન – એમ પાંચ કુળમાં કરી. તેઓ ગૉટિનજૅન વિશ્વવિદ્યાલયમાં 1776માં જોડાયા અને તેમણે 1790–1828ના ગાળા દરમિયાન 60 જેટલી માનવ-ખોપરીઓને ભેગી કરી. તેના પર કરેલ ઊંડા અભ્યાસને આધારે માનવશાસ્ત્ર વિશે નોંધપાત્ર મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે લખેલાં મહત્વનાં પુસ્તકોમાં ‘ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ ફિઝિયૉલૉજી’ (1817) અને ‘કમ્પેરેટિવ એનૅટૉમી ઍન્ડ ફિઝિયૉલૉજી’(1824)નો સમાવેશ થાય છે.

મ. શિ. દૂબળે