બ્લી, નેલી (જ. આશરે 1865, પૅન્સિલવેનિયા; અ. 1922) : જાણીતાં મહિલા-પત્રકાર. મૂળ નામ એલિઝાબેથ સિમૅન. તેઓ ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’માં રિપોર્ટર તરીકે કામગીરી બજાવતાં હતાં. ન્યૂયૉર્ક સિટીના બ્લૅકવેલ ટાપુ પર આવેલી મનોરોગીઓ માટેની હૉસ્પિટલમાં તેઓ પણ એક મનોરોગી તરીકે દાખલ થઈ ગયાં અને ત્યાંની દુર્દશાભરી હાલતનો જાત-અભ્યાસ કરી, તેનો હૃદયસ્પર્શી અખબારી ચિતાર રજૂ કરી તેઓ ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં હતાં.
1889–90માં તેમણે વિશ્વ ફરતો પ્રવાસ 72 દિવસમાં પૂરો કર્યો અને એ રીતે જુલે વર્નની પ્રખ્યાત નવલકથામાં આલેખાયેલા 80 દિવસના વિશ્વપ્રવાસનો વિક્રમ તોડ્યો. અમેરિકાનાં તેઓ અગ્રેસર મહિલા-પત્રકાર હતાં; તેમનું ઉપનામ તેમણે સ્ટિફન ફૉસ્ટરના એક ગીતમાંથી લીધું હતું.
મહેશ ચોકસી