બ્લીચ લિકર (bleach liquor) (વિરંજક તરલ) : રેસા, સૂતર (yarn), કાગળ તથા કાપડ(textile fabrics)ની સફેદી વધારવા અથવા તેમના કુદરતી રંગને દૂર કરવા વપરાતાં દ્રાવણો. ‘બ્લીચીઝ’ અથવા વિરંજકો શબ્દ હેઠળ ઘન અને પ્રવાહી બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે. આવા પદાર્થો જેનું વિરંજન (decolourization) કરવાનું હોય તેવા ઘટકનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉપચયન (oxidation) અથવા અપચયન (reduction) કરીને તેને પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં લાવે છે. એ રીતે તેનો રંગ દૂર કરાય છે.

બ્લીચ લિકર તરીકે બહોળા પ્રમાણમાં વપરાતું દ્રાવણ સોડિયમ હાઇપોક્લૉરાઇટ (NaOCl)નું જલીય દ્રાવણ છે. આ ઉપરાંત હાઇપોક્લોરસ ઍસિડ (HOCl), ક્લોરિન (Cl2) અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ (H2O2) કે સોડિયમ પરબોરેટ જેવાં સંયોજનો પણ વિરંજનકાર્ય માટે વપરાય છે.

બ્લીચિંગ દ્રાવણોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય : હાઇડ્રોજન પેરૉક્સાઇડ, સોડિયમ પરબોરેટ અને ક્લોરિનનાં દ્રાવણો ઉપચાયક (oxidising) પ્રકારનાં બ્લીચ લિકરો છે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ જેવા પદાર્થનાં દ્રાવણો અપચાયક (reducing) લિકરો છે. સુતરાઉ કાપડ, કૃત્રિમ રેસાનું બનેલું કાપડ, અને ઊન માટે અલગ અલગ પ્રકારના બ્લીચ લિકર વપરાય છે.

સફેદ સુતરાઉ કાપડને વિરંજિત (bleach) કરવા માટે કૅલ્શિયમ હાઇપૉક્લોરાઇટ [Ca(OCl)2] અથવા સોડિયમ હાઇપૉક્લોરાઇટ(NaOCl)નાં દ્રાવણો વપરાય છે. બ્લીચિંગ પાઉડર તરીકે જાણીતો પદાર્થ એ ક્લોરિનેટેડ લાઇમ (CaOCl2) છે. ભીના ચૂના પર ક્લોરિન પસાર કરીને તે બનાવાય છે, જ્યારે સોડિયમ હાઇપૉક્લોરાઇટ મીઠાના વિદ્યુતવિભાજનથી મળતા ક્લોરિનને કૉસ્ટિક સોડામાં પસાર કરીને બનાવાય છે.

2NaOH + Cl2 → NaCl + H2O + NaOCl

કૅલ્શિયમ હાઇપૉક્લોરાઇટ બનાવવા કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડમાં ક્લોરિન પસાર કરવામાં આવે છે અને તેથી મળતા Ca(OCl)2 ને સોડિયમ ક્લોરાઇડ વડે અલગ કરવામાં આવે છે. સામન્ય બ્લીચિંગ પાઉડર કરતાં તે બેગણો વધુ પ્રબળ હોય છે અને ભેજશોષક (hygroscopic) હોતો નથી. હાઇપૉક્લોરાઇટનાં દ્રાવણોનું જળવિભાજન થઈ હાઇપોક્લોરસ ઍસિડ બને છે, જેનું ક્રમશ: વિભાજન થઈ ઑક્સિજન મુક્ત થાય છે, જે વિરંજક કાર્ય કરે છે. આવી બ્લીચિંગ ક્રિયા એ ઉપચયનની પ્રક્રિયા હોવાથી રંગ તેમજ કાપડના રેસાનું પણ તેથી ઉપચયન થાય છે. તેથી લાંબા ગાળે કાપડને નુકસાન થાય છે.

હાઇડ્રોજન પેરૉક્સાઇડનો બ્લીચ–લિકર તરીકે ઉપયોગ વધારે પ્રચલિત બનતો જાય છે. હાઇપૉક્લોરાઇટ બ્લીચ કરતાં તે વધારે અસરકારક છે. કોઈ પણ પ્રકારના રેસાને હાઇડ્રોજન પેરૉક્સાઇડથી બ્લીચ કરી શકાય છે. આ પ્રક્રિયા 80°થી 85° સે. તાપમાને કરવામાં આવે છે. નીચા તાપમાને આ પ્રક્રિયા ધીમી થાય છે. જ્યારે તાપમાન વધારે ઊંચું હોય તો ઑક્સિજન અત્યંત ઝડપથી મુક્ત થઈ જાય છે. પેરૉક્સાઇડ બ્લીચ-લિકર તરીકે 0.5થી 1.0 કદવાળા હાઇડ્રોજન પેરૉક્સાઇડનું દ્રાવણ વપરાય છે. પેરૉક્સાઇડ બ્લીચ કરવાથી કાપડના તાણ-સામર્થ્યમાં ઘટાડો થતો નથી.

બ્લીચિંગ માટી તરીકે ઓળખાતા રંગહારક પદાર્થો તેલ અને પેટ્રોલિયમ પેદાશોને રંગવિહીન બનાવવા વપરાય છે.

લાકડાના રેસા તથા માવો અને ઊનના બ્લીચિંગ માટે અપચાયક બ્લીચ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વપરાય છે. આ અપચાયક બ્લીચથી ઊન એકદમ સફેદ બને છે. પરંતુ એ સફેદી કાયમી નથી હોતી અને ક્રમશ: તેનો મૂળ પીળાશ પડતો સફેદ રંગ પાછો આવે છે. સંશ્લેષિત રેસાના બંધારણ પ્રમાણે અપચાયક કે ઉપચાયક પ્રકારનાં બ્લીચિંગ દ્રાવણો વપરાય છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ