બ્લિસ, હેન્રી (જ. 29 જાન્યુઆરી 1870, ન્યૂયૉર્ક સિટી; અ. 9 ઑગસ્ટ 1955, પ્લેઇન ફિલ્ડ) : ગ્રંથાલય-ક્ષેત્રે બ્લિસ વર્ગીકરણ નામની મહત્વની પદ્ધતિના પ્રણેતા. પિતા ડેવિડ બ્લિસ. માતા ઇવલિના  માટિલ્ડા. પ્રારંભે વર્ષો સુધી ન્યૂયૉર્કમાં નિવાસ કર્યો. પાછલાં વર્ષો ન્યૂજર્સી રાજ્યમાં ડેવસિસ એસ્ટેટ ખાતે ગાળ્યાં. 1901માં તેમણે એલન ડી. કોસ્ટર સાથે લગ્ન કર્યું.

15 વર્ષ સુધી હેન્રી શાળાનું શિક્ષણ પામી શક્યા નહિ. માતાએ વાંચતાં-લખતાં શીખવ્યું. એક શિક્ષિકાએ વ્યાકરણ, ગણિત, ફ્રેન્ચ અને લૅટિન ભાષાઓનું શિક્ષણ આપ્યું. 1885માં આગળ અભ્યાસ માટે તેઓ ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં જોડાયા; પણ તેના શિક્ષણથી તેમને સંતોષ થયો નહિ. પિતાની સૂચનાથી 1889માં અધવચ કૉલેજ છોડી દીધી. 1892 સુધી ન્યૂયૉર્કમાં વિવિધ સંસ્થાઓમાં કારકુની કરી. 1892માં સિટી કૉલેજમાં સહાયક ગ્રંથાલયી તરીકે જોડાયા. આ કાર્ય તેમની રુચિને અનુરૂપ હતું. પછીનાં 63 વર્ષ તેમણે ગ્રંથાલયસેવા, વર્ગીકરણ અને સંલગ્ન સંશોધનને અર્પણ કર્યાં. જૉન ડ્યુઇ, ચાર્લ્સ ચીમીક્ટર અને ભારતના શિયાલી રંગનાથનના બ્લિસ સમકાલીન હતા. પ્રચલિત વર્ગીકરણ-પદ્ધતિઓ તેમને ક્ષતિવાળી-અપૂર્ણ લાગી. એ ક્ષતિઓનું નિવારણ કરતા જઈ તેમણે – કૉલેજના ગ્રંથાલયમાં નવી રીતે વર્ગીકરણ કરવાનો આરંભ કર્યો. આ કાર્ય 1900માં આરંભાયું. 1908માં તેમણે વ્યવસ્થિત સંશોધનકાર્ય ચાલુ કર્યું. 1910માં તેમણે નવી વર્ગીકરણ-પદ્ધતિ તૈયાર કરી અને કૉલેજના ગ્રંથાલયને તે લાગુ પાડી. તેમણે ‘સરલ સંકેતન, સ્મૃતિવર્ધક પદ્ધતિ તથા વિકલ્પો સહિતનું ગ્રંથાલયો માટેનું આધુનિક વર્ગીકરણ’ (A Modern Classification for Libraries with Simple Notation mnemonics and alternatives) નામે વિવરણલેખ પ્રકાશિત કર્યો. બીજા વધુ લેખો લખીને બ્લિસે પોતાના વિચારો ગ્રંથાલયક્ષેત્રના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. તેમણે ડ્યુઇની દશાંશ પદ્ધતિની કડક આલોચના કરી. વચ્ચે તેમને બઢતી મળતાં તેઓ સંયુક્ત ગ્રંથાલયી પદે નિમાયા. 1929માં તેમનું ‘જ્ઞાનનું તંત્ર અને વિજ્ઞાનોની વ્યવસ્થા’ (The Organization of Knowledge and the System of the Sciences) પુસ્તક પ્રસિદ્ધ થયું. જૉન ડ્યુઇએ તેની પ્રશંસા કરી. 1935માં ‘પુસ્તકસૂચિ વર્ગીકરણની પદ્ધતિ’ (A System of Bibliographic Classification) પ્રગટ થયું. આ બે ગ્રંથોમાં તેમણે પુસ્તકાલયો માટે પોતાની નવી વર્ગીકરણ-પદ્ધતિની સમજૂતી સાથે કાર્યવિધિ પ્રવિધિ, સૂચનાઓ, તાલિકાઓ (schedule), સારણીઓ (table) આદિ આપ્યાં. આ ગ્રંથને સારો પ્રતિસાદ મળ્યો. ગ્રંથાલયવિજ્ઞાન સ્વતંત્ર વિદ્યાશાખા છે એ વાતનો સ્વીકાર થતો ગયો. ત્યારપછીનાં વીસ વર્ષ બ્લિસે તેની વર્ગીકરણ-પદ્ધતિને વિકસાવીને સુગ્રથિત–સંપૂર્ણ કરવાનું કામ કર્યું. 1953માં આ કાર્ય પરિપૂર્ણ થયું. 1954માં, આ પદ્ધતિનો ઉપયોગ કરતાં ગ્રંથાલયો વચ્ચે સંકલનના હેતુથી ‘બ્લિસ વર્ગીકરણ પત્રિકા’(Bliss Classification Bulletin)નું પ્રકાશન આરંભાયું. તેમાં સમાચાર, સૂચના, નિયમો, નવી તાલિકાઓ, સારણીઓ આદિ છપાતાં. ભૂલો સુધારી લેવાતી. ચર્ચા પ્રગટ કરાતી. એ રીતે તેના હેતુમાં પત્રિકા મહદંશે સફળ થઈ.

બ્રિટન અને રાષ્ટ્રસમૂહના દેશોમાં બ્લિસ પદ્ધતિ વિશેષ પ્રસાર પામી. 1967માં બ્રિટનનાં શાળા-ગ્રંથાલયો માટે એ પદ્ધતિની સંક્ષિપ્ત આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી. પ્રમુખ રચનાઓ : (1) જ્ઞાનનું તંત્ર અને વિજ્ઞાનોની વ્યવસ્થા, 1929, (The Organization of Knowledge and The System of Sciences, 1929), (2) પુસ્તકસૂચિ વર્ગીકરણની પદ્ધતિ. સંવર્ધિત આવૃત્તિ, 1936, (A system of Bibliographic Classification, Revised Edition, 1936); (3) ગ્રંથાલયોમાં જ્ઞાનનું વ્યવસ્થાતંત્ર અને પુસ્તકો પ્રત્યે વિષયાત્મક અભિગમ (The Organization of Knowledge in Libraies and the Subject Approach to Books) 1939; (4) પુસ્તકસૂચિ વર્ગીકરણ ખંડ 1–4 (A Bibliographic Classification, Vol. 1–4.) 1953. બ્લિસે કવિતા પણ કરી છે.

કનુભાઈ શાહ