બ્લીચિંગ પાઉડર (વિરંજન ચૂર્ણ) : 1799માં સ્કૉટિશ રસાયણવિદ ચાર્લ્સ ટેનાન્ટ દ્વારા વપરાશ માટે દાખલ કરાયેલ કળીચૂનો (બુઝાવેલો ચૂનો) અને ક્લોરિનનું ઘન સંયોજન. કાર્લ વિલ્હેમ શીલેએ 1774માં ક્લોરિનની શોધ કરી અને 1785માં ફ્રેન્ચ રસાયણવિદ ક્લોડ બર્થોલેટે ક્લોરિનના વિરંજક ગુણધર્મો દર્શાવ્યા તે અગાઉ સૂર્યપ્રકાશ મુખ્ય વિરંજનકારક (bleaching agent) ગણાતો હતો. 1799 પછી કાપડ અને કાગળના વિરંજન માટે બ્લીચિંગ પાઉડરનું ઉત્પાદન મોટા જથ્થામાં શરૂ થયું. તેની અસર ક્લોરિન જેવી જ હતી અને તેની સાથે સહેલાઈથી કામ પાડી શકાતું હતું તેમજ તેનું પરિવહન પણ થઈ શકતું હતું, પણ તે અસ્થાયી હતો અને તે મોટા પ્રમાણમાં નિષ્ક્રિય (inert) દ્રવ્ય ધરાવતો હતો.
હાલ બ્લીચિંગ પાઉડરને કૅલ્શિયમ હાઇપોક્લોરાઇટ Ca(OCl2) અને બેઝિક કૅલ્શિયમ ક્લોરાઇડ[CaCl2,Ca(OH)2,2H2O]ના મિશ્રણ તરીકે ગણવામાં આવે છે. મોટા પાયા પર આ પાઉડર બનાવવા માટે લગભગ શુષ્ક (4 % પાણી) એવા કળી ચૂના પર ક્લોરિનની પ્રક્રિયા કરવામાં આવે છે. આ માટેનો ચૂનો બારીક રૂપમાં હોવો જોઈએ, જ્યારે ક્લોરિન વાયુ કાર્બન ડાયૉક્સાઇડ તથા હાઇડ્રોજન ક્લોરાઇડથી મુક્ત હોવો જોઈએ. વળી ક્લોરિન અને કળીચૂનાનું બરાબર મિશ્રણ થાય તે જરૂરી છે. ક્લોરિનના અવશોષણ દરમિયાન કળીચૂનાનું તાપમાન 30°થી 40° સે.થી વધી ન જાય તે જોવું જરૂરી છે. મુખ્ય પ્રક્રિયા ક્લોરિન અને ઠંડા કૉસ્ટિક આલ્કલી સાથેની પ્રક્રિયા જેવી છે :
2Ca(OH)2 + 2Cl2 → Ca(OCl)2 + CaCl2 + 2H2O
સાથે સાથે એક દ્વિતીયક પ્રક્રિયા પણ થતી હોવાનું માનવામાં આવે છે :
CaCl2 + Ca(OH)2 + H2O → CaCl2·Ca(OH)2·H2O
સમગ્ર પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય :
3Ca(OH)2 + 2Cl2 → Ca(OCl)2 + CaCl2·Ca(OH)2·H2O + H2O
હાલમાં બ્લીચિંગ પાઉડરનું ઉત્પાદન હસેનક્લેવરના સંયંત્ર (plant) અથવા આધુનિક રીતમાં બૅકમૅનના સંયંત્ર દ્વારા કરવામાં આવે છે.
બૅકમૅનના સંયંત્રમાં એક ઊભો લોખંડનો ટાવર હોય છે. તેના મથાળે ઓરણી (hopper) આવેલી હોય છે તથા ટાવરના ઉપરના ભાગે બાજુમાંથી નકામા વાયુઓના નિષ્કાસ માટેની નળી હોય છે. ટાવરના નીચલા ભાગની બાજુએથી ક્લોરિન તથા ગરમ હવા દાખલ કરવાની જોગવાઈ હોય છે, જ્યારે પાયાના ભાગમાં બ્લીચિંગ પાઉડર એકઠો કરવાનું પાત્ર હોય છે.
ટાવરમાં વિભિન્ન ઊંચાઈએ છાજલીઓ આવેલી હોય છે અને દરેક છાજલી સાથે પરિભ્રામક દાંતી (rake) હોય છે.
ઓરણી દ્વારા શુષ્ક કળીચૂનો ટાવરમાં દાખલ કરવામાં આવે છે, જે પરિભ્રામક દાંતીને લીધે નીચેની તરફ જાય છે. નીચે આવવા દરમિયાન તે ધીમેથી ઉપર આવતા ક્લોરિન સાથે સંયોજાય છે. પ્રક્રિયા દ્વારા બનતા બ્લીચિંગ પાઉડરને નીચે આવેલા પાત્રમાં એકઠો કરવામાં આવે છે.
ગુણધર્મો : બ્લીચિંગ પાઉડર એ પીળાશ પડતો સફેદ ભેજવાળો ઘન પદાર્થ છે. તેની વાસ ક્લોરિન જેવી હોય છે. તે વધતે-ઓછે અંશે પાણીમાં દ્રાવ્ય છે અને તે ધૂંધળું (cloudy) દ્રાવણ અથવા અવલંબન આપે છે; જ્યારે થોડો કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ અવશેષ રૂપે રહે છે. મંદ ઍસિડ(H+)ની હાજરીમાં તે હાઇપોક્લોરાઇટ આયનને કારણે અપચયનકર્તા તરીકે વર્તે છે.
OCl– + 2H+ + 2e = H2O + Cl–
આ ગુણને કારણે તે એસેટિક ઍસિડ જેવા નિર્બળ ઍસિડની હાજરીમાં પોટૅશિયમ આયોડાઇડમાંથી આયોડિન છૂટું પાડે છે.
અપચયનકર્તા હોવાને કારણે તે કાર્બનિક દ્રવ્યનું અપચયન કરી વિરંજક ગુણો દર્શાવે છે. જો મંદ ઍસિડ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો બ્લીચિંગ પાઉડર ક્લોરિનને મુક્ત કરે છે.
OCl– + 2H+ + Cl– → H2O + Cl2
આ રીતે ઍસિડ વડે મુક્ત થતો ક્લોરિન એ પ્રાપ્ય ક્લોરિન (available chlorine) ગણાય છે. સામાન્ય રીતે આ ક્લોરિનનું પ્રમાણ 35 % જેટલું હોય છે.
જો બ્લીચિંગ પાઉડરના દ્રાવણ અથવા શુષ્ક પાઉડરને ગરમ કરવામાં આવે તો ક્લોરેટ અને ક્લોરાઇડનું મિશ્રણ મળે છે :
3OCl– → ClO3–+ 2Cl–
ઉપયોગ : કાગળનો માવો, સુતરાઉ અને રાળના કાપ (linen) જેવા માલ માટે તે રંગહારક તરીકે વપરાય છે. તે દુર્ગંધ-નિવારક (deodorant), જીવાણુનાશક (germicide) તેમજ રોગાણુહર (sterilizer) તરીકે પણ વપરાય છે. ઊનને અકુંચનીય (unshrinkable) બનાવવા પણ કોઈ કોઈ વાર તે ઉપયોગમાં લેવાય છે. ક્લોરિન, ઑક્સિજન અને ક્લૉરોફૉર્મ બનાવવા માટે પણ તે વપરાય છે.
જ. દા. તલાટી